અમદાવાદઃ રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં મેઘાએ ઓછાવત્તા પ્રમાણમાં મહેર કરી છે. ચોમાસામાં કુદરતી પર્યટન સ્થળો પર જવાની અલગ જ મજા છે અને હજારો લોકો વિવિધ સ્થળો પર ફરવા જાય છે. આ ઋતુમાં સૌથી વધારે આનંદ લોકો ધોધ અને ઝરણાનો લેતા હોય છે. ગુજરાતમાં ખૂબ જ સુંદર ધોધ આવેલા છે અને તેનું આસપાસનું સૌદર્ય નિહાળવા હજારોની સંખ્યામાં પર્યટકો જતા હોય છે, પરંતુ મોબાઈલનો ઉપયોગ વધ્યા બાદ સેલ્ફીને કારણે ઘણીવાર લોકો જીવ ગુમાવે છે. આથી ગુજરાત સરકારે સક્રિય થયેલા ધોધ આસપાસ સેલ્ફી પર પ્રતિબંધ મૂક્યો હોવાની માહિતી સૂત્રોએ આપી હતી.
મળતી વિગતો અનુસાર અરવલ્લીના ઝાંઝરી ધોધ ખાતે જિલ્લા વહીવટી તંત્રે નવમી જુલાઈથી છઠ્ઠી સપ્ટેમ્બર સુધી ઝાંઝરી ધોધથી ગંગેશ્વર મહાદેવ ચેકડેમ સુધીનો આશરે પાંચ કિલોમીટરનો વિસ્તાર પ્રતિબંધિત જાહેર કર્યો છે. અહીં નદીમાં નહાવા, પાણીના કિનારે જવા ઉપરાંત જોખમી ખડકો પર ચઢીને ફોટોગ્રાફી કે વીડિયો બનાવવા પર પણ પ્રતિબંધ મૂકાયો છે. તહેવારો અને રજાઓમાં લોકો મોટી સંખ્યામાં ઉમટતા હોવાથી તંત્રએ સમગ્ર વિસ્તામાં આવી કોઈ ઘટના બને તે પહેલા જ પ્રતિબંધ મૂકી દીધો હોવાનું જાણવા મળ્યું હતું.
આવી જ રીતે ડાંગ જિલ્લો પણ તેની હરિયાળી અને વહેતા ધોધ માટે પર્યટકોનું પ્રિય સ્થળ છે. અહીંનો ગિરિમાળ ધોધ અને આસપાસનો વિસ્તાર જંગલનો વિસ્તાર ચોમાસામાં જેટલો સુંદર દેખાય છે તેટલો જ જોખમી બનતો હોવાથી તંત્રએ સાવચેતી રાખી છે તો બીજી બાજુ ગીરના ખૂબ જ જાણીતા જમજીર ધોધ પર જવા પર પણ તંત્રએ પ્રતિબંધ મૂક્યો છે.
સૌરાષ્ટ્રમાં શ્રાવણ મહિનામાં આવતા તહેવારોનું વધારે મહત્વ છે અને રજાઓ પણ હોય છે ત્યારે લોકો સાથે કોઈ અજુગતી ઘટના ન બને તે માટે તંત્ર સતર્ક છે. નર્મદાના નિનાઈ ધોધ પાસે પણ પ્રતિબંધ લાગાવવામાં આવ્યો હોવાની માહિતી સૂત્રોએ આપી હતી. જોકે તંત્રને લોકો સહકાર આપે અને પર્યટનના સ્થળોએ જતા સમયે શિસ્ત અને સ્વચ્છતા જાળવે તે જરૂરી છે.