Wed Aug 19 2026

Logo

ગુજરાતની ત્રણ સરકારી હોસ્પિટલોને ઓર્ગન ડોનેશનમાં રાષ્ટ્રીય એવોર્ડ મળ્યો

2026-08-03 21:41:26
Author: Mumbai Samachar Team
Article Image

ગાંધીનગર: ગુજરાતની ત્રણ સરકારી હોસ્પિટલને ઓર્ગન ડોનેશન ક્ષેત્રે સારી કામગિરી બદલ રાષ્ટ્રીય એવોર્ડ મળ્યો  છે. આજે નેશનલ ઓર્ગન ડોનેશન ડે નિમિત્તે નવી દિલ્હીના ડૉ. બી. આર. આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટર ખાતે યોજાયેલા 16મા ઇન્ડિયન નેશનલ ઓર્ગન ડોનેશન ડે પ્રસંગે આ એવોર્ડ આપવામાં આવ્યા હતા. 

રાજ્યની ત્રણ સરકારી હોસ્પિટલોને રાષ્ટ્રીય પુરસ્કાર પ્રાપ્ત થયો 

આ એવોર્ડ અંગે વધુ માહિતી આપતા આરોગ્ય મંત્રી  પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, અંગ પ્રત્યારોપણ ક્ષેત્રે દેશભરમાં અગ્રણી સ્થાન ધરાવતી IKDRC સંસ્થાને "Excellence in Leading Government Hospital in Organ Transplantation" એવોર્ડ, મૃત દાતાઓમાંથી સફળતાપૂર્વક અંગોના રીટ્રીવલ માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલને "Best Non-Transplant Organ Retrieval Centre (NTORC)"નો એવોર્ડ તેમજ  બ્રેઇન સ્ટેમ ડેથની સમયસર ઓળખ, સ્વજનોનું સંવેદનશીલ કાઉન્સેલિંગ અને વૈજ્ઞાનિક પ્રક્રિયા માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલને "Best Brain Stem Death Team"નો રાષ્ટ્રીય પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. 

IKDRC-અમદાવાદ ખાતે કુલ 597 ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ સફળતાપૂર્વક

આરોગ્ય મંત્રી  પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, વર્ષ-2025  દરમિયાન IKDRC-અમદાવાદ ખાતે કુલ 597 ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ સફળતાપૂર્વક કરવામાં આવ્યા હતા, જેમાં 502  કિડની, 86 લિવર અને 9  પેન્ક્રિયાસ ટ્રાન્સપ્લાન્ટનો સમાવેશ થાય છે. આ પૈકી PM-JAY યોજના હેઠળ 380  દર્દીઓને વિનામૂલ્યે ટ્રાન્સપ્લાન્ટનો લાભ મળ્યો છે. અહીં સારવાર મેળવતા દર્દીઓમાંથી 34 ટકા દર્દીઓ અન્ય રાજ્યોના હોય છે. જે સંસ્થાની રાષ્ટ્રીય વિશ્વસનીયતા દર્શાવે છે.

અનેક દર્દીઓને નવજીવન આપ્યું

અમદાવાદ સિવિલ હોસ્પિટલે વર્ષ 2025-26  દરમિયાન 104  બ્રેઇન સ્ટેમ ડેથ કેસો પૈકી 48  મૃત દાતાઓ દ્વારા 171  જીવનદાયી અંગો અને 34  ટિશ્યૂનું સફળ રીટ્રીવલ કરીને અનેક દર્દીઓને નવજીવન આપ્યું છે. 


સુરત ટીમે  82  બ્રેઇન સ્ટેમ કેસો  સર્ટિફિકેશન કર્યું 

આ ઉપરાંત, નવી સિવિલ હોસ્પિટલ, સુરતની ટીમે વર્ષ દરમિયાન 82  બ્રેઇન સ્ટેમ ડેથ કેસોનું સફળતાપૂર્વક સર્ટિફિકેશન કરીને અંગદાનની પ્રક્રિયાને ઝડપી અને વધુ અસરકારક બનાવી છે. આરોગ્ય વિભાગ, SOTTO ગુજરાત અને સરકારી હોસ્પિટલોના સુદૃઢ સંકલન, અદ્યતન ટેક્નોલોજી તથા તબીબોની નિષ્ઠાના પરિણામે આજે ગુજરાત દેશમાં અંગદાન ક્ષેત્રે એક 'રોલ મોડેલ' બનીને ઉભરી આવ્યું છે.  

ઓર્ગન ડોનેશન પ્રત્યે જાગૃતિ કેળવવા અપીલ 

સમગ્ર રાજ્યના નાગરિકો અને હોસ્પિટલોને મારી નમ્ર વિનંતી છે કે ઓર્ગન ડોનેશન પ્રત્યે સૌ જાગૃત બને અને કોઈ પણ બ્રેઈન ડેડ વ્યક્તિનું અંગ વ્યર્થ ન જાય તે માટે સહભાગી થાય તે માટે નાગરિકો અને તબીબોને વિનંતી કરી હતી.