ગાંધીનગરઃ રાજ્ય સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા આ સમિતિની રચના અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત જનજાતિઓ (અત્યાચાર નિવારણ) સુધારા નિયમો 2018 અન્વયે કરવામાં આવેલી છે. રાજ્યમાં અનુસૂચિત જાતિ અને આદિજાતિ અત્યાચાર નિવારણ અધિનિયમ 1989 તથા નાગરિક હક્ક રક્ષણ અધિનિયમ 1955 હેઠળ અનુસૂચિત જાતિ અને જનજાતિ પર 2025ના વર્ષમાં બનેલા બનાવોની સમીક્ષા, અત્યાચારના કિસ્સાઓમાં ચૂકવવામાં આવેલી સહાય તથા સામાજિક સમરસતા માટે લેવાયેલા પગલા સહિતની બાબતોની આ બેઠકમાં સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવી હતી.
ગુજરાતના મુખ્ય પ્રધાને સામાજિક સમરસતા વધુ સુદ્રઢ બનાવવા માટે જન પ્રતિનિધિઓ તથા અધિકારીઓના સંવેદના પૂર્ણ સહયોગથી આગળ વધવાનું માર્ગદર્શન આ બેઠકમાં આપ્યું હતું. બેઠકમાં પ્રસ્તુત કરવામાં આવેલા પ્રેઝન્ટેશનમાં જણાવવામાં આવ્યું હતું કે, રાજ્યમાં અત્યાચાર નિવારણ માટે માર્ચ-2022થી અલ્ટ્રા મોર્ડન કોલ સેન્ટર-નેશનલ હેલ્પલાઇન અગેઈન્સ્ટ એટ્રોસિટી અંતર્ગત કાર્યરત કરવામાં આવ્યું છે.
વધારે વિગતે વાત કરવામાં આવે તો, આ કોલ સેન્ટરમાં અત્યાર સુધીમાં મળેલી ફરિયાદોના 100 ટકા નિકાલની કામગીરીમાં ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે રહ્યું છે. એટલું જ નહીં, અનુસૂચિત જાતિ-જનજાતિઓ પરના અત્યાચારના બનાવોમાં જાન્યુઆરી-2025થી ડિસેમ્બર-2025 દરમિયાન કુલ 23.62 કરોડની સહાય પણ રાજ્ય સરકાર દ્વારા ચૂકવી દેવામાં આવી છે. રાજ્યના જિલ્લાઓમાં દર ત્રણ મહિને જિલ્લા તકેદારી સમિતિની બેઠકો પણ જિલ્લા કલેકટરોના અધ્યક્ષ સ્થાને નિયમિતપણે યોજવામાં આવે તેની પણ સૂચનાઓ આ બેઠકમાં આપવામાં આવી હતી.
11 બોયઝ અને 14 ગર્લ્સ હોસ્ટેલ સમરસ હોસ્ટેલ મંજૂર
આ સાથે ઓલ કાસ્ટ અન્ડર વન રૂફના ઉદ્દેશ્ય સાથે રાજ્યમાં 2016થી સમરસ હોસ્ટેલ યોજના શરૂ કરવામાં આવી છે જે અન્વયે ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ગુણવત્તા યુક્ત રહેણાંક અને ભોજનની સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. 12 જિલ્લાઓમાં આવી 23 સમરસ હોસ્ટેલનો લાભ 1.03 લાખ વિદ્યાર્થીઓએ લીધો છે, આ ઉપરાંત 11 બોયઝ અને 14 ગર્લ્સ હોસ્ટેલ સમરસ હોસ્ટેલ મંજૂર કરવામાં આવી છે. અનુસૂચિત જાતિ અને અનુસૂચિત આદિજાતિ અત્યાચાર નિવારણ અધિનિયમન 1989 અન્વયે સ્થાપિત સ્પેશિયલ કોર્ટ્સ અને એટ્રોસિટીના કેસોના ઝડપી નિરાકરણ માટે 16 એક્સક્લુઝિવ સ્પેશિયલ કોર્ટ કાર્યરત છે તેમ પણ આ બેઠકમાં જણાવવામાં આવ્યું હતું.
અનુસૂચિત જાતિ અને અનુસૂચિત આદિજાતિઓ ધારાસભ્યો પણ ઉપસ્થિત રહ્યા
આદિજાતિ વિકાસ પ્રધાન નરેશ પટેલ, સામાજિક ન્યાય અને અધિકારીતા પ્રધાન ડૉ. પ્રદ્યુમન વાજા, રાજ્ય પ્રધાન સર્વ ડૉ. મનીષાબેન વકીલ, રમેશભાઈ કટારા, દર્શનાબેન વાઘેલા, જયરામભાઈ ગામીત, પી.સી. બરંડા આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યની અનુસૂચિત જાતિ અને અનુસૂચિત આદિજાતિઓની અનામત બેઠકો પરના ચૂંટાયેલા ધારાસભ્યોએ બેઠકમાં સહભાગી થઈને વિવિધ રજૂઆતો તથા સૂચનો કર્યા હતા.