Thu Jul 23 2026

Logo

ગુજરાતમાં પોલીસનું ઓપરેશન મિલાપ, ગુમ થયેલા 701 લોકોનું પરિવાર સાથે મિલન કરાવ્યું

2026-05-21 16:41:00
Author: Chandrakant Kanoja
Article Image

ગાંધીનગર:  ગુજરાતમાં કેટલાય પરિવારો ખોવાઇ ગયેલા સ્વજનની ભાળ મળે તેની રાહ જોઇને બેઠા છે તેમના ચહેરા પર હવે સ્મિત રેલાયુ છે. ગુજરાત પોલીસે તાજેતરમાં વર્ષ 2007થી ગુમ થયેલા લોકોને શોધવા માટે ઓપરેશન મિલાપ લોન્ચ કર્યું છે અને માત્ર બે અઠવાડિયામાં જ 701 લોકોને શોધી કાઢવામાં આવ્યા છે. 

સ્વજનો ઘરે પરત ફર્યા 

છેલ્લા બે અઠવાડિયામાં મળી આવેલા 701 લોકોમાં 19 સગીર છોકરાઓ, 97 સગીર છોકરીઓ, 417 મહિલાઓ અને 168 પુરુષોનો સમાવેશ થાય છે. પોલીસે જણાવ્યું છે કે, આ અભિયાન હજુ ચાલુ રહેશે. આ ઓપરેશન મિલાપને કારણે, કોઈ ગુમ થયેલી દીકરી ઘરે પરત ફરી છે તો, કોઈ માતા પોતાના સંતાન સાથે વર્ષો પછી ફરી મળી છે. કોઈ પરિવારે દાયકાઓ પહેલાં સ્વજનને મળવાની આશા છોડી દીધી હતી, તેને આખરે પોતાના પ્રિયજન ક્યાં રહે છે તેની માહિતી મળી છે.

7 મે થી 21 મે દરમિયાન કુલ 701 લોકોનો શોધી કાઢવામાં આવ્યા

આ અંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે,  ગુજરાત પોલીસે ગુમ થયેલા વ્યક્તિઓને શોધી કાઢવા માટે વિશેષ અભિયાન હાથ ધર્યુ છે. પોલીસને  આ માટે જરૂરી તમામ સંશાધનો ઉપલબ્ધ થાય તેની વ્યવસ્થા કરી છે. અભિયાનની સફળતા એ છે કે, રાજ્યભરના પોલીસ સ્ટેશનો દ્વારા 7 મે થી 21 મે દરમિયાન કુલ 701 લોકોનો શોધી કાઢવામાં આવ્યા છે. તેમને પરિવારો સાથે મિલન કરાવ્યું છે.  

મે મહિનાનાં પ્રથમ સપ્તાહમાં શરૂ કરાયેલા આ વિશેષ અભિયાન હેઠળ ગુજરાતના દરેક પોલીસ કમિશનર અને જિલ્લા પોલીસ અધિક્ષકોને લાંબા સમયથી બાકી રહેલા ખોવાયેલા લોકોનાં કેસોને ફરી ખોલવા, તેમની સમીક્ષા કરવા અને ઉંડાણપૂર્વક રીતે તપાસ કરવા સૂચના આપી છે. 

રાજયમાં  24,767થી વધુ લોકો ગુમ થયાના કેસ 

ગુજરાત પોલીસના જણાવ્યા મુજબ, વર્ષ 2007થી અત્યાર સુધી રાજ્યભરમાં 24,767થી વધુ લોકો ગુમ થયાના કેસ નોંધાયા છે. "ઓપરેશન મિલાપ" અંતર્ગત પોલીસ ટીમો હવે જૂની ફાઇલો ફરી તપાસી રહી છે, ડિજિટલ પુરાવા અને ટેકનિકલ માહિતીનું વિશ્લેષણ કરી રહી છે અને વર્ષોથી પોતાના સગાંઓને શોધતા પરિવારોનો ફરી સંપર્ક કરી રહી છે.

ગુમ થયેલા લોકોને શોધવામાં અમને સફળતા 

CID ક્રાઇમ અને રેલવે (મહિલા સેલ)ના અધિક પોલીસ મહાનિર્દેશક (ADGP)અજય ચૌધરીએ જણાવ્યું હતું કે, આ ઓપરેશન આયોજનબદ્ધ રીતે શરૂ કરવામાં આવ્યું છે. જેમાં ડેટા, ટેકનિકલ ઇન્ટેલિજન્સ અને માનવ ગુપ્તચર માહિતીના આધારે ખોવાયેલા માણસોને શોધવામાં આવે છે. પોલીસ અધિકારીઓને સ્પષ્ટ માર્ગદર્શિકા આપવામાં આવી છે. આ સઘન પ્રયાસોને કારણે વર્ષોથી ગુમ થયેલા લોકોને શોધવામાં અમને સફળતા મળી રહી છે.”

પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, આ અભિયાન માત્ર ગુમ થયેલા લોકો શોધવા પૂરતું મર્યાદિત નથી. તપાસ દરમિયાન માનવ તસ્કરી કરતી ગેંગ, બાળ તસ્કરી તથા નવજાત બાળકોની વેચાણ પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા  ગુનાહિત નેટવર્કને તોડી પાડવાનો એક મક્કમ પ્રયાસ છે.