અમદાવાદઃ રાજ્યમાં ગુમ થયેલા લોકોને શોધવા ઓપરેશન મિલાપ શરૂ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ગુજરાત પોલીસે માત્ર બે અઠવાડિયામાં ગુમ થયેલા 701 લોકોને શોધી કાઢ્યા છે. આ દરમિયાન ગુજરાત પોલીસે બિહારથી મજૂરી માટે લાવવામાં આવતા 90થી વધુ બાળકોને સુરક્ષિત રેસ્ક્યૂ કર્યા હતા.
આ કાર્યવાહી અંતર્ગત પોલીસે અમદાવાદમાંથી 70 અને વડોદરા રેલવે સ્ટેશન પરથી 20 બાળકોનું રેસ્ક્યૂ કર્યું હતું. ગુજરાત પોલીસના સૂત્રો દ્વારા પણ આ ઑપરેશનની પુષ્ટિ કરવામાં આવી હતી. સીઆઈડી ક્રાઈમ અને રેલવે પોલીસના સંયુક્ત અભિયાનમાં આ સફળતા મળી હતી. પોલીસના કહેવા મુજબ, માફિયાઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. બિહારથી નાના બાળકોને મજૂરી માટે લાવવામાં આવતા હતા તેમની સામે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ અંતર્ગત કાર્યવાહી કરાઈ હતી.
એડીજીપી અજય ચૌધરીના જણાવ્યા પ્રમાણે, બિહારથી ટ્રેનોમાં બાળકોને ગુજરાતમાં મજૂરી માટે લાવવામાં આવતા હોવાની બાતમી મળી હતી. જે બાદ એક ટીમ બનાવવામાં આવી હતી. બાતમી વાળી ટ્રેનોને ટ્રેક કર્યા બાદ સુરક્ષિત રીતે મુક્ત કરાવાયા હતા. તમામ બાળકોને મુક્ત કરાવાયા બાદ નાસ્તો કરાવાયો હતો. આ મામલે દોષિતો સામે કાર્યવાહી કરવામાં આવી છે. અજય ચૌધરી ખુદ બિહાર ના છે. તેઓ 1991 બેચના આઈપીએસ છે.
આ ઑપરેશનની પ્રશંસા રાજ્યના નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીએ પણ કરી હતી. ડીજીપી ડૉ. કે એલ એન રાવે કહ્યું હતું કે, શોધવામાં આવેલા લોકો 2007થી ગુમ હતા. રાજ્યમાં વર્ષ 2007થી અત્યાર સુધી રાજ્યભરમાં 24,767થી વધુ લોકો ગુમ થયાના કેસ નોંધાયા છે.
‘ઓપરેશન મિલાપ’ અંતર્ગત પોલીસ ટીમો હવે જૂની ફાઇલો ફરી તપાસી રહી છે, ડિજિટલ પુરાવા અને ટેકનિકલ માહિતીનું વિશ્લેષણ કરી રહી છે અને વર્ષોથી પોતાના સગાંઓને શોધતા પરિવારોનો ફરી સંપર્ક કરી રહી છે.
પોલીસની 15 પોઇન્ટની SOP
ખોવાયેલા લોકોને શોધવા માટે ગુજરાત પોલીસે તમામ પોલીસ સ્ટેશનોને 15 મુદ્દાવાળી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) પણ મોકલી છે. આ SOPમાં કેસ ફાઇલો ફરી ખોલવી, ફરિયાદીનો સંપર્ક કરવો, ડિજિટલ અને ટેકનિકલ પુરાવાનો અભ્યાસ કરવો, સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ ટ્રેક કરવી, પરિવહન કેન્દ્રો અને આશ્રયસ્થાનોની તપાસ કરવી, જાહેર સ્થળોની મુલાકાતો લેવી અને શંકાસ્પદ માનવ તસ્કરો તથા વારંવાર ગુના કરનારાઓની પૂછપરછ કરવાનો સમાવેશ થાય છે.
પોલીસ અધિકારીઓને ગુમ થયેલા લોકોના મોબાઇલ ફોનને ઇલેક્ટ્રોનિક સર્વેલન્સ હેઠળ રાખવા, છેલ્લું સક્રિય સ્થાન ટ્રેક કરવા અને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ તથા વોટ્સએપ જેવી સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓની તપાસ કરવા પણ સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત અપહરણ તથા માનવ તસ્કરીના કેસોમાં અગાઉ ધરપકડ કરાયેલા શંકાસ્પદોની પૂછપરછ પણ કરી રહ્યા છે.