Sun Jul 12 2026

Logo

ગુજરાતમાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતિત! જાણો હવામાન વિભાગે કેવી આગાહી કરી?

2026-07-12 09:14:53
Author: Vimal Prajapati
Article Image

ગાંધીનગરઃ ગુજરાતમાં થોડા દિવસ પહેલા અનેક વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો હતો. જો કે, તેના પછી વરસાદે જાણે રિસામણા કરી લીધા છે. બે-ત્રણ દિવસથી વરસાદ બંધ થઈ ગયો છે. ખેડૂતો અત્યારે વાવણી માટે વરસાદની રાહ જોઈ રહ્યાં છે. પરંતુ આગાહી પ્રમાણે વરસાદ હજી પણ વધારે ખેંચાઈ શકે છે. હવામાન વિભાગની આવી આગાહીની કારણે ખેડૂતો અત્યારે ચિંતત છે. ચાલો વિગતે જાણીએ વરસાદ અંગે હવામાન વિભાગ દ્વારા કેવી આગાહી કરવામાં આવી છે.

વરસાદ ખેંચાતા ‘પડતા પર પાટું’ જેવી સ્થિતિ

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે 12 જુલાઈથી આગામી 18 જુલાઈ સુધી ઉત્તર ગુજરાતમાં થવાની કોઈ જ સંભાવનાઓ નથી. એકબાજુ ચોમાસું પણ લેટ ચાલી રહ્યું છે અને હવે વરસાદ ખેંચાતા ‘પડતા પર પાટું’ જેવી સ્થિતિ સર્જાઈ છે. ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં વરસાદની ભારે ઘટ છે. મગફળી, કપાસ સહિતના ખરીફ પાકોની વાવણી થઈ રહી છે, પરંતુ વરસાદ ના થતાં ખેડૂતોને રોવા વારો આવી શકે છે. 

ડેમ - સરોવરમાં નવા પાણીની પણ આવક નહિવત

વરસાદ ખેંચાતા અત્યારે ગરમી પણ વધી રહી છે. આ સાથે ડેમ- જળાશયો, તળાવ અને સરોવરમાં નવા પાણીની પણ આવક નહિવત સમાન છે. જો નવા નીરની આવક નહીં થાય તો આગામી સમયમાં રાજ્યમાં ખેતી માટે સિંચાઈના પાણીની અછત સર્જાઈ શકે છે. અરવલ્લી જિલ્લાના જળાશયોમાં તો થોડી પણ પાણીની આવક નથી થઈ, હતી એવી જ સ્થિતિ અત્યારે પણ યથાવત જોવી મળી રહી છે. ગત વર્ષની સરખાણીએ રાજ્યમાં વરસાદ ખૂબ જ ઓછો થયો છે. 

આ અઠવાડિયું સળંગ કોરુંધાકોર રહેશે

ગત વર્ષે આ સમયગાળા દરમિયાન નદી તળાવના નજીકના વિસ્તારોમાં એલર્ટ જાહેર કરી દેવામાં આવતું, જ્યારે આ વખતે તો નવા નીર માટે લોકો રાહ જોઈ રહ્યાં છે. કેમ કે કેટલાક વિસ્તારોમાં તો ખાબોચીયા ભરાય એટલો વરસાદ પણ હજી થયો નથી. તેમાં હવે હવામાન વિભાગ દ્વારા સળંગ અઠવાડિયું કોરુંધાકોર રહેવાની આગાહી કરવામાં છે. દક્ષિણ ગુજરાત અને રાજ્યના દરિયાકાંઠાના જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગરમાં થોડો ઘણો વરસાદ થશે બાકીના કોઈ પણ જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી નથી.