ગોંડલ માર્ગ અકસ્માત કેસમાં વીમા કંપનીને 7.5 ટકા વ્યાજ સાથે રૂ. 12.12 લાખ ચૂકવવાનો આદેશ આપ્યો
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: જિલ્લાના ગોંડલના એક 24 વર્ષ જૂના માર્ગ અકસ્માતના કેસમાં ગુજરાત હાઈ કોર્ટે પીડિત પરિવારને મોટી રાહત આપીને વળતરની રકમ બમણી કરી હતી. વર્ષ ૨૦૦૧માં થયેલા ગમખ્વાર માર્ગ અકસ્માત બાદ છ વર્ષ સુધી કોમામાં રહ્યા પછી મૃત્યુ પામનાર ટ્રાન્સપોર્ટ કોન્ટ્રાક્ટર ભગવાનજી ભૂતાણીના પરિવારને અગાઉ વર્ષ 2014માં ગોંડલની મોટર એક્સિડન્ટ ક્લેમ્સ ટ્રિબ્યુનલ દ્વારા અપાયેલા રૂ. 5.13 લાખના વળતરને હાઈ કોર્ટે અપૂરતું ગણાવ્યું હતું.
હાઇ કોર્ટે જસ્ટિસ નિશા ઠાકોરની બેંચે ટ્રિબ્યુનલના ચુકાદાને સુધારીને મૃતકના પત્નીને ચૂકવવા પાત્ર કુલ વળતરની રકમ વધારીને રૂ. 12.12 લાખ કરી હતી. કોર્ટે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે આ કેસને ઈજાનો દાવો નહીં પણ જીવલેણ અકસ્માત ગણવો જોઈએ, કારણ કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ મુજબ મૃત્યુ અકસ્માતમાં માથામાં થયેલી ગંભીર ઈજાના કારણે જ થયું હતું.
આ કેસની વિગતો અનુસાર વર્ષ 2001માં મૃતક બાઈક લઈને નેશનલ હાઇવે પર જઈ રહ્યા હતા ત્યારે એક પૂરપાટ આવતા મેટાડોર ચાલકે તેમને અડફેટે લીધા હતા. ટક્કર એટલી ભયાનક હતી કે બાઈક મેટાડોરના પૈડાં વચ્ચે 15 ફૂટ સુધી ઢસડાયું હતું.
આ અકસ્માતમાં ભગવાનજીભાઈને માથામાં ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેઓ છ વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ 2006માં મૃત્યુ પામ્યા હતા. હાઈ કોર્ટે પીડિતને છ વર્ષ સુધી ભોગવેલી વેદના અને પથારીવશ સ્થિતિને ધ્યાનમાં રાખીને 'પેઇન, શોક અને સફરિંગ' હેડ હેઠળ વધારાના રૂ. ૩ લાખનું વળતર મંજૂર કર્યું હતું.
કાનૂની દલીલો સાંભળ્યા બાદ, હાઈકોર્ટે ટ્રિબ્યુનલ દ્વારા મૃતકને અકસ્માત માટે 10 ટકા જવાબદાર ઠેરવવાના નિર્ણયને ફગાવી દીધો હતો. એફઆઈઆર અને પંચનામાના આધારે કોર્ટે તારણ કાઢ્યું હતું કે અકસ્માત માત્ર મેટાડોર ચાલકની ઝડપ અને બેદરકારીના કારણે જ થયો હતો.
વીમા કંપની આ અકસ્માતમાં મૃતકની કોઈ બેદરકારી સાબિત કરી શકી ન હતી. આ ચુકાદા સાથે હાઈ કોર્ટે વીમા કંપનીને વધારાનું રૂ. 6.99 લાખનું વળતર દાવા અરજી દાખલ કર્યાની તારીખથી 7.5 ટકાના વ્યાજ સાથે આગામી છ સપ્તાહમાં જમા કરાવવાનો આદેશ કર્યો હતો.