Wed Aug 19 2026

Logo

રાજ્યમાં આજથી વરસાદની ધબધબાટી: 5 સિસ્ટમ સક્રિય, નર્મદાનું જળસ્તર વધશે

2026-08-18 08:31:00
Author: Mayur Patel
Article Image

Ai Image


અમદાવાદઃ રાજ્યમાં 5 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. જેના કારણે આજથી કેટલાક જિલ્લામાં વરસાદ ધબધબાટી બોલાવશે. દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, દમણ, નર્મદા, ડાંગમાં યલો અલર્ટ આપવામાં આવ્યું છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, રાજ્યમાં  એકસાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. જેમાં મોન્સૂન ટ્રફ, શીયર ઝોન, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને ડિપ્રેશન સહિતની સિસ્ટમનો સમાવેશ થાય છે.  જેના કારણે સૌરાષ્ટ્રથી લઈ દક્ષિણ ગુજરાત સુધી વરસાદી માહોલ જોવા મળશે. રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી સામાન્યથી મધ્યમ વરસાદ પડશે.

હવામાન વિભાગ મુજબ, અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે. આજથી સૌરાષ્ટમાં મધ્યમ વરસાદ પડશે. કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, બોટાદ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીરસોમનાથના છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. જ્યારે વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, દમણ, વલસાડ, દાદરા અને નગર હવેલીમાં ઘણા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહીછે. અમદાવાદ, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, વાવ-થરાદના કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.

છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર મુજબ રાજ્યમાં આજે સવારે 6 કલાકે પૂરા થયેલા છેલ્લા 24 કલાકમાં 115 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. જે પૈકી 100 તાલુકામાં એક ઇંચથી ઓછો વરસાદ નોંધાયો હતો. વલસાડના ધરમપુરમાં સૌથી વધુ 1.57 ઇંચ, પારડીમાં 1.34 ઇંચ, સુબીરમાં 1.14 ઇંચ, ખેરગામમાં 1.06 ઇંચ, ઉમરપાડામાં 1.02 ઇંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે ડાંગ-આહવામાં 0.94 ઇંચ, નાનાપોંઢામાં 0.94 ઇંચ, સોનગઢમાં 0.91 ઇંચ, કપરાડામાં 0.91 ઇંચ, બારડોલીમાં 0.79 ઇંચ, સાગબારામાં 0.75 ઇંચ, વાલોડમાં 0.71 ઇંચ, વાંસદામાં 0.59 ઇંચ, નિઝારમાં 0.55 ઇંચ વરસાદ પડ્યો હતો.


અંબાલાલ પટેલે શું કરી છે આગાહી

રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આજથી ફરી વરસાદની આગાહી કરી છે. મધ્ય ગુજરાતના ભાગોમાં 23 થી 31 ઓગસ્ટ ભારે વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી છે.  સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વધુ વરસાદની શક્યતા છે. જેમાં ભાવનગર, અમરેલી અને ગીરસોમનાથના કેટલાક ભાગોમાં સારો વરસાદ પડી શકે છે. જ્યારે દ્વારકા, પોરબંદર અને જામનગરમાં હળવા વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે. આ તરફ પાટણ, સમી અને હારીજ વિસ્તારમાં પણ વરસાદી ઝાપટા પડી શકે છે. મહેસાણા, અરવલ્લી અને સાબરકાંઠામાં પણ વરસાદી ઝાપટાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

આ ઉપરાંત અંબાલાલે કહ્યું, બંગાળના ઉપસાગરમાં મજબૂત સિસ્ટમ બનશે. જેના કારણે મધ્યપ્રદેશમાં ભારે વરસાદ પડી શકે છે. તેથી નર્મદા નદીનું જળસ્તર વધવાની સાથે સરદાર સરોવર ડેમમાં પાણીની સપાટી વધી શકે છે.  અંબાલાલ પટેલ વરસાદની આગાહી કરતા કહ્યુ કે, સૂર્યએ મધા નક્ષત્રમાં પ્રવેશ કર્યો છે. મધા નક્ષત્રનું પાણી ખેતી માટે સારૂ ગણાય છે. રાજ્યમાં 19 સુધી ઓગસ્ટ વરસાદી ઝાપટાં પડી શકે છે.  31 ઓગસ્ટે સૂર્ય પૂર્વફાલ્ગુની નક્ષત્રમાં પ્રવેશ કરશે. આ પાણી કૃષિ માટે સારૂ ગણાતું નથી. આ દરમિયાન પવનની ગતિ વધારે રહી શકે છે.