Tue Aug 25 2026

Logo

ગુજરાતમાં ગરમીનો પારો 41 ડિગ્રીને પાર: 9 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ....

2026-03-11 08:36:44
Author: Tejas Rajapara
ગુજરાતમાં ગરમીનો પારો 41 ડિગ્રીને પાર: 9 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ....

અમદાવાદ: માર્ચ મહિનાની શરૂઆત સાથે જ દેશભરમાં હવામાનના બે વિરોધાભાસી સ્વરૂપો જોવા મળી રહ્યા છે. એક તરફ પશ્ચિમ ભારતમાં સૂર્યનારાયણ આકરા પાણીએ થયા છે અને ઉનાળાની શરૂઆતમાં જ આકરી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે, તો બીજી તરફ ઉત્તર અને પૂર્વ ભારતમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ સર્જાયો છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ બદલાતા હવામાનને લઈને વિવિધ રાજ્યો માટે ચેતવણી જાહેર કરી છે.

ગુજરાતમાં માર્ચ મહિનામાં જ ગરમીએ પોતાનું અસલી રૂપ બતાવવાનું શરૂ કરી દીધું છે. અમદાવાદ સહિત રાજ્યના 9 જિલ્લાઓમાં હવામાન વિભાગે 'ઓરેન્જ એલર્ટ' જાહેર કર્યું છે. આજે 11 માર્ચ, 2026ના રોજ અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી, જૂનાગઢ અને કચ્છમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. બપોરના સમયે તાપમાનનો પારો 41 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જતાં રસ્તાઓ સુમસામ જોવા મળી રહ્યા છે. લોકોને બિનજરૂરી કામ વગર ઘરની બહાર ન નીકળવા સલાહ આપવામાં આવી છે.

14 રાજ્યોમાં વરસાદ અને વાવાઝોડાની ચેતવણી

ગરમીના પ્રકોપ વચ્ચે દેશના 14 રાજ્યોમાં વરસાદી માહોલ જામવાની શક્યતા છે. બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓડિશા અને ઉત્તર-પૂર્વના રાજ્યો (આસામ, મેઘાલય, મણિપુર વગેરે) માં આગામી અઠવાડિયામાં વરસાદની આગાહી છે. ખાસ કરીને 11 અને 12 માર્ચ દરમિયાન જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં 50 કિમીની ઝડપે પવન ફૂંકાવા સાથે વીજળી અને કરા પડવાની ઉચ્ચ સંભાવના છે. પહાડી વિસ્તારોમાં બદલાતા આ હવામાનને કારણે તાપમાનમાં ઘટાડો નોંધાઈ શકે છે પરંતુ વાવાઝોડાને કારણે સાવચેતી રાખવી જરૂરી છે.

પડોશી રાજ્ય રાજસ્થાનમાં પણ ગરમીનું જોર વધ્યું છે. પિલાની, બાડમેર અને જેસલમેર જેવા જિલ્લાઓમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીને આંબી શકે છે, જોકે ત્યાં હાલ વરસાદની કોઈ શક્યતા નથી. બીજી તરફ, ઉત્તરાખંડમાં 11 થી 15 માર્ચ દરમિયાન વરસાદ અને તેજ પવનની આગાહી છે, જ્યાં ઊંચાઈવાળા વિસ્તારોમાં કરા પડી શકે છે. આમ, સમગ્ર દેશમાં હાલમાં કુદરતના બે અલગ મિજાજ જોવા મળી રહ્યા છે, જેની સીધી અસર ખેતી અને સામાન્ય નાગરિકોના આરોગ્ય પર પડી શકે છે.