વોલ્ટેજની સમસ્યા નિવારવા ગીર સોમનાથના ટીંબડી બાદ અન્ય 7 મહત્વપૂર્ણ સબસ્ટેશનોમાં સ્માર્ટ સિસ્ટમ લગાવાશે
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગામડાઓમાં 24 કલાક વીજ પુરવઠો પૂરો પાડી શકાય તે માટે ગુજરાત સરકાર દ્વારા જ્યોતિગ્રામ યોજના શરૂ કરવામાં આવી હતી. આ અંતર્ગત ગીર સોમનાથના ટીંબડી સબસ્ટેશન ખાતે રાજ્યનું પ્રથમ અદ્યતન સ્ટેટિક સિંક્રોનસ કમ્પેન્સેટર (સ્ટેટકોમ) સ્થાપિત કરવામાં આવ્યું હતું. જો કે હવે આવનારા સમયમાં રાજ્યના અન્ય 7 મહત્વપૂર્ણ સબસ્ટેશનો ખાતે પણ સ્ટેટકોમ સ્થાપિત કરવાની યોજના હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
મળતી વિગતો અનુસાર, સરકારના ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ (જેટકો) દ્વારા અદ્યતન સ્ટેટકોમ સ્થાપિત કરવામાં આવ્યું હતું. ‘સ્માર્ટ વોલ્ટેજ સ્ટેબિલાઇઝર’ તરીકે ઓળખાતી આ સિસ્ટમ ગ્રીડમાં વોલ્ટેજ સ્થિરતા, સતત વીજ પ્રવાહ સુનિશ્ચિત કરે છે અને ગ્રીડમાં કોઈ ફેરફાર થાય તો તરત જ પ્રતિક્રિયા આપે છે. વર્ષ 2019ના રોજ ગીર સોમનાથ જિલ્લાના 220 કેવી ટીંબડી સબસ્ટેશન ખાતે સ્ટેટકોમ કાર્યરત થયું હતું.
ટીંબડી સબસ્ટેશનમાં સિંગલ-સર્કિટ લિંક અને નજીકમાં વીજ ઉત્પાદનના સ્ત્રોતના અભાવે વોલ્ટેજમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળતો હતો. ખાસ કરીને, ખેતીમાં વીજળીની વધુ માંગ હોવાના કારણે વોલ્ટેજનું સ્તર 190 કેવીથી 245 કેવી વચ્ચે રહેતું હતું.
પીક સમયમાં વોલ્ટેજ 190–200 કેવી સુધી ઘટી જતો અને ખાસ કરીને ચોમાસા દરમિયાન જ્યારે માંગ ઓછી હોય, ત્યારે 235–245 કેવી સુધી વધી જતો. ટીંબડી ખાતે મળેલી સફળતા બાદ ગુજરાત સરકારે અન્ય મહત્વપૂર્ણ સ્થળોએ પણ સ્ટેટકોમ સ્થાપિત કરવાની યોજના બનાવી હતી. આ હેઠળ હાલના છ 220 કેવી સબસ્ટેશન—થરાદ, દિયોદર, સાગપરા, ખેરાલુ, કુકમા અને ધ્રાંગધ્રા—અને આવનારા 400 કેવી ધોલેરા-2 સબસ્ટેશન ખાતે સ્ટેટકોમ સ્થાપવાનો પ્રસ્તાવ હોવાનું સરકારે જણાવ્યું હતું.