Mon May 18 2026

Logo

વિકાસ માટે ગુજરાતીઓની એક જ 'ડિમાન્ડ', ક્યારે મળશે 'સ્વતંત્ર રેલવે' ઝોન?

2026-05-18 15:07:00
Author: Mayur Kumar Patel
Article Image

કરોડોની કમાણી કરાવતું ગુજરાત હજુ પણ કેમ મુંબઈના ભરોસે? અલગ રેલવે ઝોન બને તો અમદાવાદ હેડક્વાર્ટર બને અને મુસાફરો-વેપારીઓના ધક્કા મટે!

અમદાવાદઃ પશ્ચિમ રેલવેનું હેડ ક્વાર્ટર મુંબઈમાં છે. ગુજરાત તેની અંતર્ગત આવે છે.  પશ્ચિમ રેલવેનું 70 ટકાથી વધુ ભૌગોલિક નેટવર્ક અને વાર્ષિક સરેરાશ 17 હજાર કરોડથી વધુ આવક ગુજરાતના અમદાવાદ, સુરત, વડોદરા, ભાવનગર, રાજકોટ ડિવિઝનમાંથી આવે છે. બધી બાબતોમાં સક્ષમ હોવા છતાં ગુજરાતને હજુ સુધી સ્વતંત્ર રેલવે ઝોનનો દરજ્જો મળ્યો નથી. ગુજરાત ધીમે ધીમે વિકસિત રાજ્ય બની રહ્યું છે, પરંતુ અલગ ઝોન મળ્યા પછી ગુજરાતના રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં ધરખમ ફેરફાર કરી શકાય છે. 

પૈસા અને સમયનો થઈ શકે છે બચાવ
તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા 18મા ઝોન તરીકે સાઉથ કોસ્ટ રેલવેને મંજૂરી આપવામાં આવી છે. ગુજરાતની સતત થઈ રહેલી ઉપેક્ષાના કારણે અનેક પ્રકારની ચર્ચા શરૂ થઈ છે. હાલ 70 ટકાથી વધુ ભૌગોલિક હોવા છતાં વિવિધ મંજૂરીઓ માટે મુંબઈ પર નિર્ભર રહેવું પડે છે. સૂત્રોના કહેવા પ્રમાણે જે નેટવર્ક કમાણીમાં મોખરે છે, તેના વેપારીઓ અને ઉદ્યોગકારોને ફ્રેટ કરાર, ઓપરેશનલ મંજૂરીઓ કે મોટા ટેન્ડરની પ્રક્રિયા માટે મુંબઈ ધક્કા ખાવા પડે છે. જો ગુજરાતને રેલવે ઝોનનો દરજજો આપવામાં આવે અને અમદાવાદને હેડ ક્વાર્ટર બનાવવામાં આવે તો પૈસા અને સમયનો બચાવ થઈ શકે છે.

મુંબઈ પરની નિર્ભરતા પણ બંધ થશે
લાંબા સમયથી થતી ચર્ચા મુજબ જો અમદાવાદને નવો સ્વતંત્ર રેલવે ઝોન બનાવવામાં આવે, તો તેનાથી ગુજરાતના રેલવે વિકાસને એક નવી ગતિ મળશે. અમદાવાદ ઝોન બનવાને કારણે સ્થાનિક પ્રોજેક્ટ્સથી લઈને રોજગારી અને મુસાફરોની સુવિધાઓમાં વ્યાપક સુધારો થશે. અમદાવાદમાં જનરલ મેનેજર ઓફિસ અને સંપૂર્ણ વહીવટી માળખું સ્થપાશે, જેના કારણે અત્યાર સુધી પશ્ચિમ રેલવેના વડામથક મુંબઈ પર રાખવી પડતી નિર્ભરતા સંપૂર્ણપણે સમાપ્ત થઈ જશે.

વેપાર-ઉદ્યોગ અને લોજિસ્ટિક્સને મળશે વેગ
નવો ઝોન બનવાથી સ્થાનિક પ્રોજેક્ટ્સની ફાઇલો મુંબઈ મોકલવાની જરૂર નહીં રહે અને સ્થાનિક કક્ષાએ જ પ્રોજેક્ટને સીધી મંજૂરી મળી શકશે. આ સાથે જ સ્વતંત્ર બજેટ મળવાના કારણે નિર્ણયો ખૂબ જ ઝડપથી લઈ શકાશે. આ ઉપરાંત અમદાવાદ ઝોન આવવાથી ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર (DFC) અને દિલ્હી-મુંબઈ ઈન્ડસ્ટ્રિયલ કોરિડોર (DMIC) સાથેનું કનેક્ટિવિટી પ્લાનિંગ સ્થાનિક સ્તરેથી જ વધુ સારી રીતે અને ઝડપથી શક્ય બનશે. આનાથી ગુજરાતના વેપાર-ઉદ્યોગ અને લોજિસ્ટિક્સને મોટો વેગ મળશે.

દરેક સ્ટેશનોનો ડેવલપમેન્ટ પણ થશે
નવો રેલવે ઝોન બનતાં જ સ્થાનિક સ્તરે રેલવેમાં નવી ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. વહીવટી અને ટેકનિકલ સ્ટાફની નવી જગ્યાઓ ઊભી થતાં ગુજરાતના યુવાનો માટે રોજગારીની મોટી તકો સર્જાશે. ગુજરાતના નાના-મોટા રેલવે સ્ટેશનોના આધુનિકીકરણ અને વિકાસ માટે સ્પેશિયલ અલગ બજેટ ફાળવવામાં આવશે, તેનાથી મુસાફરો માટે આધુનિક સુવિધાઓ, નવી ટ્રેનો અને સ્ટેશનોના રિડેવલપમેન્ટના કામકાજ ઝડપથી પૂર્ણ કરી શકાશે. આ ઉપરાંત, અનેક પ્રોજેક્ટના ટેક્નિકલ અને ફાઈનાન્શિયલ મંજૂરી માટે છેક મુંબઈ લાંબા થવાને બદલે અલગ ઝોનથી વધુ રાહત મળી શકે છે.

પશ્ચિમ રેલવેની ક્યારે થઈ હતી સ્થાપના
પશ્ચિમ રેલવે તેના વર્તમાન સ્વરૂપમાં 5 નવેમ્બર, 1951ના તેની પુરોગામી તત્કાલીન 'બોમ્બે, બરોડા એન્ડ સેન્ટ્રલ ઇન્ડિયા રેલવે' (BB & CI) તેમ જ અન્ય સ્ટેટ રેલવે જેવી કે સૌરાષ્ટ્ર, રાજપૂતાના અને જયપુરના વિલીનીકરણ સાથે અસ્તિત્વમાં આવી હતી. પશ્ચિમ રેલવે અસ્તિત્વમાં આવ્યા બાદ તેના અધિકાર ક્ષેત્રમાં કેટલાક વધુ ફેરફારો કરવામાં આવ્યા હતા. પશ્ચિમ રેલવે સમગ્ર ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્ય પ્રદેશના કેટલાક ભાગોમાં સેવા પૂરી પાડે છે. પશ્ચિમ રેલવેમાં છ ડિવિઝન સામેલ છે. જેમ કે મુંબઈ સેન્ટ્રલ, વડોદરા, અમદાવાદ, રતલામ, રાજકોટ અને ભાવનગર. અગાઉના બે મંડળો, જયપુર અને અજમેરને 1 ઓક્ટોબર 2002ના રોજ ઉત્તર પશ્ચિમ રેલવેમાં ભેળવી દેવામાં આવ્યા હતા અને કોટા મંડળને 1 એપ્રિલ 2003ના પશ્ચિમ મધ્ય રેલવેનો ભાગ બનાવી દેવામાં આવ્યો હતો. 1 એપ્રિલ, 2003ના એક નવા ડિવિઝન એટલે કે અમદાવાદ મંડળ બનાવવામાં આવ્યું હતું. પશ્ચિમ રેલવે દ્વારા સેવા પૂરી પાડવામાં આવતા ભારતના પશ્ચિમ કિનારા પર અનેક પોર્ટ આવેલા છે, જેમાં કંડલા, મુંદ્રા, પીપાવાવ, નવલખી, બેડી, ઓખા અને ભાવનગર મુખ્ય છે.

ઐતિહાસિક દૃષ્ટિએ પણ પશ્ચિમ રેલવેનું મહત્ત્વ
મુંબઈમાં પશ્ચિમ રેલવેનો ઉપનગરીય વિભાગ (સબર્બન સેક્શન) શહેરના વ્યાપારી કેન્દ્ર ચર્ચગેટથી વિરાર અને આગળ દહાણુ રોડ સુધી ફેલાયેલો છે, જે 123 કિલોમીટરનું અંતર અને 37 સ્ટેશનોને આવરી લે છે. આ સેક્શન પર પહેલી ઈલેક્ટ્રિક ટ્રેન 5 જાન્યુઆરી, 1928ના રોજ કોલાબા અને બોરીવલી વચ્ચે શરૂ કરવામાં આવી હતી. ઐતિહાસિક દ્રષ્ટિએ મુંબઈમાં પશ્ચિમ રેલવેની પ્રથમ ઉપનગરીય સેવા એપ્રિલ 1867માં શરૂ કરવામાં આવી હતી, જેમાં વિરાર અને બેક બે વચ્ચે એક-એક ટ્રેન દોડતી હતી. બાદમાં તેને ચર્ચગેટ સુધી લંબાવવામાં આવી હતી. 1900 સુધીમાં, બંને દિશામાં 44 ટ્રેનો વાર્ષિક દસ લાખથી વધુ મુસાફરોને લાવવા-લઈ જવાનું કામ કરતી હતી.

લોકલમાં રોજના 30 લાખથી વધુ પ્રવાસી કરે છે ટ્રાવેલ
મુંબઈમાં દોડતી 3000થી વધુ સેવાઓમાંથી 1406 સેવાઓ પશ્ચિમ રેલવે દ્વારા ચલાવવામાં આવે છે. આ ટ્રેનો પીક અવર્સ દરમિયાન ૩ મિનિટની અસાધારણ ફ્રિકવન્સી  સાથે ચલાવવામાં આવે છે. પશ્ચિમ રેલવે દરરોજ અંદાજે 30થી 35 લાખ મુસાફરોને તેમના ગંતવ્ય સ્થાન સુધી પહોંચાડે છે. વિશ્વની સૌપ્રથમ 'લેડીઝ સ્પેશિયલ' ટ્રેન પણ પશ્ચિમ રેલવે પર જ શરૂ કરવામાં આવી હતી. આ ઉપરાંત, ભારતની પ્રથમ એસી ઉપનગરીય ટ્રેન ચલાવવાનું શ્રેય પણ પશ્ચિમ રેલવેને ફાળે જાય છે.