(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ લંડન ખાતે આજે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ધીમા સુધારા સાથે દોઢ મહિનાની નીચી સપાટીએથી પાછા ફર્યાં હતાં. જોકે, ફુગાવામાં વધારાની ચિંતા અને અમેરિકી ટ્રેઝરીની યિલ્ડ ઊંચી સપાટીએ હોવાથી સુધારો મર્યાદિત રહ્યો હતો, જ્યારે ચાંદીમાં પીછેહઠ જળવાઈ રહી હતી. આમ વૈશ્વિક નિરુત્સાહી અહેવાલે સ્થાનિક ઝવેરી બજારમાં ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. 460નો અને સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 470થી 471નો ઘટાડો આવ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં 999 ટચ ચાંદીમાં વૈશ્વિક નિરુત્સાહી અહેવાલે ઔદ્યોગિક વપરાશકારોની લેવાલી ખપપૂરતી રહી હતી અને જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની માગ નિરસ રહેતાં હાજરમાં વેરારહિત ધોરણે ભાવ કિલોદીઠ રૂ. 460ના ઘટાડા સાથે રૂ. 2,68,040ના મથાળે રહ્યા હતા. તેમ જ આજે સોનામાં પણ રોકાણકારો, જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ શુષ્ક રહી હતી. તેમ જ વિશ્વ બજારમાં પણ ભાવ સાધારણ વધ્યા હોવાથી હાજરમાં વેરારહિત ધોરણે 10 ગ્રામદીઠ 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ રૂ. 470 ઘટીને રૂ. 1,57,107 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 471 ઘટીને રૂ. 1,57,739ના મથાળે રહ્યા હતા.
ગત શુક્રવારે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમૅક્સ વિભાગ પર સોનાના ભાવ ગત 30મી માર્ચ પછીની નીચી સપાટી સુધી ગબડ્યા બાદ આજે લંડન ખાતે સત્રના આરંભે ઘટ્યા મથાળેથી સાધારણ 0.1 ટકાના સુધારા સાથે આૈંસદીઠ 4540.27 ડૉલર આસપાસ અને જૂન ડિલિવરી વાયદામાં ભાવ 0.4 ટકાના ઘટાડા સાથે 4544 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે ચાંદીમાં ઑલ ફોલ ડાઉન જળવાઈ રહેતાં ભાવ આગલા બંધ સામે 0.3 ટકા ઘટીને આૈંસદીઠ 75.70 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
એકંદરે વૈશ્વિક સ્તરે સોનાના ભાવ સાંકડી વધઘટે અથડાઈને ટેકો શોધી રહ્યા છે. જોકે, ક્રૂડતેલના વધતા ભાવને ધ્યાનમાં લેતા અમેરિકી ફેડરલ રિઝર્વ લાંબા સમયગાળા સુધી વ્યાજદરમાં કાપ મૂકે તેવી શક્યતા ન હોવાથી અને અમેરિકી ટ્રેઝરીની યિલ્ડ ઊંચી સપાટીએ હોવાથી સોનામાં સુધારાનો અવકાશ મર્યાદિત રહ્યો હોવાનું જેફરીઝ હેઠળની ટ્રાડુ ડૉટ કૉમનાં વિશ્લેષક નિકોઝ ઝ્ુબોરસે જણાવ્યું હતું.
પ્રાપ્ત અહેવાલ અનુસાર આજે અમેરિકી 10 વર્ષીય ટ્રેઝરીની યિલ્ડ વધીને ફેબ્રુઆરી, 2025 પછીની સૌથી ઊંચી સપાટીએ પહોંચી હતી. તેમ જ સ્ટ્રેટ ઑફ હોર્મુઝ દરિયાઈ માર્ગ બંધ રહ્યો હોવાથી બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં પણ ભાવ વધીને બેરલદીઠ 110 ડૉલરની ઉપર ક્વૉટ થઈ રહ્યા હતા. આમ ક્રૂડતેલના વધેલા ભાવને ધ્યાનમાં લેતાં હવે અમેરિકી ફેડરલ રિઝર્વ આગામી ડિસેમ્બરના અંત સુધીમાં વ્યાજદરમાં કાપ મૂકે તેવી માત્ર 40 ટકા શક્યતા બજાર વર્તુળો સીએમઈ ફેડ વૉચ ટૂલ પર જોઈ રહ્યા છે.
કેન્દ્રવર્તી બૅન્કો દ્વારા વ્યાજદરમાં કપાતની શક્યતાઓ ઘટતાં હવે જેપી મોર્ગને વર્ષ 2026માં સોનાના સરેરાશ ભાવનો અંદાજ જે અગાઉ આૈંસદીઠ 5708 ડૉલરનો મૂક્યો હતો તે ઘટાડીને 5243 ડૉલરનો મૂક્યો છે.