Mon May 18 2026

Logo

NEET પેપર લીક કૌભાંડમાં CBIની મોટી કાર્યવાહી: કોચિંગ સેન્ટરના સ્થાપકની ધરપકડ

2026-05-18 19:56:01
Author: Mumbai Samachar Team
Article Image

નવી દિલ્હી: દેશભરમાં ચર્ચાસ્પદ બનેલા NEET-UG પેપર લીક કેસમાં કેન્દ્રીય તપાસ એજન્સી (CBI)એ મોટી સફળતા મેળવી છે. સેન્ટ્રલ બ્યુરો ઑફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ)એ નીટ-યુજી પેપેર લીક કેસમાં કથિત સંડોવણી બદલ રેણુકાઈ કરિયર સેન્ટરના સંસ્થાપક શિવરાજ રઘુનાથ મોટેગાંવકરની ધરપકડ કરી હતી. 

ત્રીજી મેએ લેવાયેલી પરીક્ષાનું પ્રશ્નપત્ર શિવરાજના નિવાસ્સ્થાનની ઝડતી દરમિયાન અંગત મોબાઈલ ફોનમાં મળી આવતા તેમની ધરપકડ કરી હતી, જે લાતુર સ્થિત આરસીસી કોચિંગ ક્લાસના માલિક છે તેમ જ સંચાલન પણ કરે છે. આ સંસ્થા નીટ યુજીની પરીક્ષા તૈયાર કરાવે છે, જ્યારે એની નવ બ્રાન્ચ છે. મુખ્ય બ્રાન્ચ લાતુરમાં છે. 

અધિકારીઓએ કહ્યું હતું કે રઘુનાથ નીટ પેપર ફૂટવાના અને પ્રસારમાં સંડોવાયેલી ગેંગના સક્રિય સભ્ય હતા. આખા દેશ અને વિદેશમાં થયેલી પરીક્ષાના દસ દિવસ પહેલાં 23 એપ્રિલે રઘુનાથને ેતેમના સાગરીતો સાથે કાવતરું કરીને પ્રશ્નપત્ર અને જવાબો મોકલાવ્યા હતા.

સીબીઆઈએ ડીલીટ કરાયેલા ડેટાને મેળવવા જપ્ત કરેલા મોબાઈલ ફોનને ફોરેન્સિક એનાલિસિસ માટે મોકલાવ્યા હતા. એજન્સીએ આક્ષેપ કર્યો હતો કે રઘુનાથે ફૂટી ગયેલા પ્રશ્નપત્ર અને જવાબની હસ્તલિખિત નોંધના રૂપમાં અનેક લોકોને આપી હતી. પરીક્ષા થઈ ગયા બાદ આ હસ્તલિખિત નોંધનો નાશ કરવામાં આવ્યો હતો.

એજન્સીએ રવિવારે બપોરે લાતુરના શિવનગર વિસ્તારના કોચિંગ સેન્ટરમાં દરોડા પાડ્યા હતા. એજન્સીએ અગાઉ કેમિસ્ટ્રીના લેકચરર પી.વી. કુલકર્ણી અને બાયોલોજી લેકચરર મનિષા માંધેની ધરપકડ કરી હતી. આ બન્નેની ઓળખાણ સીબીઆઈ કસ્ટડીમાં રહેલા મનીષા વાઘમારે કરાવી હતી. શિવરાજ મોટેગાંવકર કેમિસ્ટ્રીના લેક્ચરર કુલકર્ણીના નજીકના માણસ માનવામાં આવે છે. સંસ્થા અને આવાસ પર તપાસ વખતે રસાયણ વિજ્ઞાનનું પ્રશ્નપત્ર પણ જપ્ત કરવામાં આવ્યું હતું. આ કેસમાં અત્યાર સુધીમાં 10 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

છેલ્લા 24 કલાકમાં સીબીઆઈ વિભિન્ન જગ્યામાંથી પાંચ જગ્યાએ તપાસ હાથ ધરી હતી, જ્યાં વાંધાજનક દસ્તાવેજ, લેપટોપ અને મોબાઈલ પણ જપ્ત કર્યાં છે, જેની વિગતવાર તપાસ કરવામાં આવી છે. 
(એજન્સી)