મુંબઈઃ હાલમાં પશ્ચિમ એશિયામાં ભૂરાજકીય કટોકટી પ્રવર્તી રહી હોવા છતાં એક્સપોર્ટ-ઈમ્પોર્ટ બૅન્ક ઑફ ઈન્ડિયા અર્થાત્ એક્ઝિમ બૅન્કે વર્તમાન નાણાકીય વર્ષ 2026-27માં 10 ટકા લોન વૃદ્ધિનો અંદાજ મૂક્યો હોવાનું એક અધિકારીએ જણાવ્યું હતું.
મુંબઈ સ્થિત વડું મથક ધરાવતી અને ભારતીય નિકાસકારોને ટેકો આપતી એક્ઝિમ બૅન્ક વર્તમાન નાણાકીય વર્ષમાં લોનમાં 10 ટકાની વૃદ્ધિનો અંદાજ રાખી રહી છે, એમ મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટીવ હર્ષા બંગારીએ જણાવતા ઉમેર્યું હતું કે નાણાકીય વર્ષ 2027નો લોન વૃદ્ધિદર વર્ષ 2026નાં 12 ટકાના વૃદ્ધિદરની તુલનામાં ઓછો રહેશે, પરંતુ ચલણ અથવા તો વિનિમય દરમાં વધઘટની લોનના ઉપાડ પર મહત્ત્વની ભૂમિકા રહશે.
ગત નાણાકીય વર્ષ 2026માં અમારી લોન બૂકમાં વિદેશી ચલણના મૂલ્ય આધારિત લોનનો હિસ્સો 58 ટકાનો રહ્યો હતો અને શેષ હિસ્સો રૂપિયાના મૂલ્યમાં હતો. તેમ જ રૂપિયામાં ચંચળતાની લોન વૃદ્ધિ પર પાંચ ટકા જેટલી સકારાત્મક અસર પડી હોવાનું જણાવતા તેમણે ઉમેર્યું હતું કે નાણાકીય વર્ષ 2027માં લોન બુકમાં 10 ટકાની વૃદ્ધિનો અંદાજ કોન્સ્ટન્ટ કરન્સી ધોરણે મુકવામાં આવ્યો છે.
આગામી દિવસોમાં બૅન્ક નિકાસકારોની ધિરાણની માગમાં સતત વૃદ્ધિ રહેશે અને તેમાં પણ ખાસ કરીને રૂપિયાની લોનના હિસ્સામાં વધારો થવાની શક્યતા વ્યક્ત કરતાં તેમણે ઉમેર્યું હતું કે એક્ઝિમ બૅન્ક દ્વારા આપવામાં આવતું મોટાભાગનું ધિરાણ મધ્યમથી લાંબા સમયગાળા માટે હોય છે, જે મુખ્યત્વે પશ્ચિમ એશિયાની ભૂરાજકીય કટોકટી જેવાં પરિબળોથી પ્રભાવિત નથી થતું.
પશ્ચિમ એશિયાના ભૂરાજકીય સંઘર્ષની અસર અંગે પૂછવામાં આવતાં તેમણે કહ્યું હતું કે બૅન્કનું આ ક્ષેત્રમાં ખૂબ ઓછું રોકાણ છે અને ચૂકવણી પર ખાસ અસર નથી થઈ. જોકે, આ વિસ્તારમાં પ્રોજેક્ટ પ્રવૃત્તિઓ અટકી જતાં ધિરાણ વૃદ્ધિ પર થોડાઘણાં અંશે માઠી અસર પડી શકે છે. તેમ જ જો કટોકટી લંબાઈ જાય તો પુરવઠાચેઈનનાં વિક્ષેપોને કારણે નિકાસકારોનું માર્જિન દબાણ હેઠળ આવી શકે અને તેઓ આવકના વિસ્તરણ માટે સ્થાનિક બજાર પર વધુ ધ્યાન કેન્દ્રીત કરે તેવી શકયતા નકારી ન શકાય.
વધુમાં નાણાકીય વર્ષ 2027માં બૅન્ક ગત નાણાકીય વર્ષનાં રૂ. 86,000 કરોડના ઋણની તુલનામાં રૂ. 99,500 કરોડના ઋણ લેવાની યોજના ધરાવી રહી હોવાનું જણાવતાં તેમણે ઉમેર્યું હતું કે નાણાકીય વર્ષ 2027માં બોરોઈંગની યોજનામાં 3.5 અબજ ડૉલરના દરિયાપારના બોરોઈંગનો પણ સમાવેશ થાય છે.