Tue Jun 23 2026

Logo

રાજકોટમાં મૈત્રી કરારમાં રહેતી યુવતીનો ફ્લેટમાંથી મૃતદેહ મળી આવતા ચકચાર

2026-06-23 22:04:22
Author: Devayat Khatana
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: રાજકોટના ગોંડલ ચોકડી નજીક એક ફ્લેટમાંથી 23 વર્ષીય યુવતીનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. મૂળ જેતપુરના નવાગઢની વતની અને હાલ રાજકોટમાં આગમન રેસીડેન્સીમાં રહેતી નંદની બોસમીયા નામની યુવતીની સોમવારે સાંજે તેના જ ફ્લેટના હોલમાંથી ગળેફાંસો ખાધેલી લાશ મળી આવી હતી. 108ની ટીમે ઘટનાસ્થળે પહોંચી યુવતીને મૃત જાહેર કર્યા બાદ રાજકોટ તાલુકા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. જોકે, મૃતકના પરિવારજનોએ આ આત્મહત્યા નહીં પરંતુ હત્યા હોવાનો ગંભીર આક્ષેપ કરીને ન્યાયની માંગ કરી હતી.

મૃતક નંદની વ્યવસાયે એમ.આર. તરીકે ફરજ બજાવતી હતી અને રાજકોટમાં જૂનાગઢના પરિણીત યુવક અસલમ હુસેન સમા સાથે મૈત્રી કરાર કરીને રહેતી હોવાનું જાણવા મળ્યું હતું. નંદનીના પિતાના જણાવ્યા અનુસાર, તેમની દીકરી જૂનાગઢમાં જ્યારે ભાડાના મકાનમાં રહેતી હતી ત્યારે અસલમના સંપર્કમાં આવી હતી. અસલમ પરિણીત હોવા છતાં નંદની સાથે સંબંધમાં હતો, પરંતુ છેલ્લા કેટલાક સમયથી તે અવારનવાર નંદની સાથે ઝઘડો કરી શારીરિક હિંસા આચરતો હતો. અસલમ પોતાની પત્ની પાસે પાછા જવાની જીદ કરતો હોવાથી બંને વચ્ચે સતત વિવાદ થતો હતો અને આ જ ત્રાસના કારણે નંદની બે દિવસ પહેલાં તેના એક પરિચિતના ઘરે રહેવા પણ જતી રહી હતી.

સોમવારે સાંજે નંદનીએ ફોન ન ઉપાડતા તેના પરિવારજનોએ તપાસ કરાવી ત્યારે ફ્લેટનો મુખ્ય દરવાજો માત્ર અટકાવેલો હતો અને બાલ્કનીનો દરવાજો ખુલ્લો હતો, જ્યારે અંદર નંદનીનો મૃતદેહ લટકતી હાલતમાં હતો. મૃતકની બહેન રૂપલ અને પિતાએ આરોપ લગાવ્યો છે કે, અગાઉ જૂનાગઢમાં અસલમના પરિવારના સભ્યોએ નંદની પર હુમલો પણ કર્યો હતો. અસલમ ગેરકાયદે પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલો હોવાનો દાવો કરીને પરિવારે આશંકા વ્યક્ત કરી હતી કે અસલમે જ નંદનીની હત્યા કર્યા બાદ સમગ્ર ઘટનાને આત્મહત્યાનું રૂપ આપવા માટે લાશને ફાંસીએ લટકાવી દીધી છે, કારણ કે બનાવના સમયથી જ તેનો ફોન સ્વિચ ઓફ આવી રહ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, મૃતક નંદની બોસમીયા રાજકીય રીતે પણ સક્રિય રહી ચૂકી હતી. ગત વર્ષે યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તેણે આમ આદમી પાર્ટી તરફથી જેતપુર-નવાગઢ નગરપાલિકાના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી, જેમાં તેની હાર થઈ હતી. પોલીસે ગુનાની તપાસ માટે મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું અને પરિવારના આક્ષેપોના આધારે અસલમની ભૂમિકા અંગે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી હતી.