Tue Jun 23 2026

Logo

મોડું મોડું મુંબઈમાં ચોમાસુ બેઠું, મુંબઈગરાને રાહત

2026-06-23 21:06:00
Author: Yogesh C. Patel
Article Image

ChatGTP Ai Generated Image


ગરમીથી રાહત, આખો દિવસ ઝરમર-ઝરમર વરસ્યો વરસાદ: નૈર્ઋત્યના ચોમાસાએ દહાણુ સુધીના વિસ્તારને આવરી લીધો: બે દિવસ યલો અલર્ટ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
અસહ્ય ગરમીથી ત્રાસી ગયેલા મુંબઈગરાઓ માટે સારા સમાચાર ગણીએ તો ખાસ્સી રાહ જોવડાવ્યા પછી આખરે મંગળવારે મુંબઈમાં સત્તાવાર રીતે ચોમાસું બેઠું હતું. સતત બે દિવસ વરસાદે હાજરી પુરાવ્યા પછી આવેલા નૈર્ઋત્યના ચોમાસાએ છેક દહાણુ સુધીના વિસ્તારને આવરી લીધો હતો અને ઝડપભેર ગુજરાત ભણી વધી રહ્યું છે. આગામી બે દિવસ મુંબઈ-થાણે માટે યલો અલર્ટ હોવાની આગાહી વેધશાળાએ કરી હતી.

સખત તાપમાં શેકાયેલા મુંબઈગરા કાગડોળે ચોમાસાની રાહ જોતા હતા. છેલ્લા બે દિવસથી મુંબઈના અમુક વિસ્તારમાં જોરદાર તો કેટલાક પરિસરમાં મધ્યમ વરસાદ વરસ્યો હતો. મોટા ભાગના વિસ્તારોમાં ઝરમર વરસીને વરસાદે હાજરી પુરાવતાં ગરમીથી થોડી રાહત મળી હતી. વળી, જળાશયોમાં પાણીની સપાટી નીચી જતાં પાણીકાપનો સામનો કરવો પડી રહ્યો છે. એવામાં મંગળવારે મુંબઈમાં સત્તાવાર ચોમાસું બેસતાં મુંબઈગરાઓએ હાશકારો અનુભવ્યો હતો..

સાધારત રીતે મુંબઈમાં 10 જૂને ચોમાસાનું આગમન થાય છે. ગયા વર્ષે તો મેના છેલ્લા સપ્તાહમાં જ ચોમાસાએ દેખા દીધી હતી, પરંતુ આ વર્ષે ચોમાસાએ લાંબી પ્રતીક્ષા કરાવડાવી હતી. ખાસ્સા 13 દિવસ મોડું આગમન થયું હતું. આઈએમડીના રેકોર્ડ અનુસાર ચોમાસું સૌથી વધુ 1974 અને 1958માં લંબાયું હતું. તે વર્ષે છેક 28 જૂને ચોમાસું બેઠું હતું.

આઈએમડીનાં વિજ્ઞાની સુષમા નાયરે ‘મુંબઈ સમાચાર’ને જણાવ્યું હતું કે મંગળવારે મુંબઈમાં બેસેલા ચોમાસાએ છેક દહાણુ સુધીના વિસ્તારને આવરી લીધો છે. મહારાષ્ટ્રના અમુક જ ભાગ ચોમાસાથી વંચિત રહ્યો છે. નૈર્ઋત્યનું ચોમાસું ઝડપભેર ગુજરાત ભણી વધી રહ્યું છે.

મુંબઈ મહાપાલિકાના આંકડા દર્શાવે છે કે મંગળવારની સવારે આઠથી સાંજે સાત વાગ્યા દરમિયાન સૌથી વધુ વરસાદ શહેરમાં મુંબઈ સેન્ટ્રલમાં 79 મિ.મી. નોંધાયો હતો. ત્યાર બાદ લોઅર પરેલમાં 74.4 મિ.મી., એફ સાઉથ વૉર્ડમાં 72.63 મિ.મી. વરસાદની નોંધ થઈ હતી.

પશ્ર્ચિમી પરામાં સૌથી વધુ મલાડમાં 61.8 મિ.મી., માલવણીમાં 52.2 મિ.મી. વરસાદ નોંધાયો હતો તો પૂર્વ પરાના માનખુર્દ ખાતે 51.2 મિ.મી. પવઈમાં 37.4 મિ.મી. વરસાદની નોંધ થઈ હતી. દિવસ દરમિયાન પડેલા વરસાદને કારણે પાણી ભરાવાની કોઈ ફરિયાદો પાલિકાના ક્ધટ્રોલ રૂમને મળી નહોતી. એ સિવાય વરસાદી ઘટનાઓની પણ નોંધ થઈ નહોતી. જોકે રાતે આઠ વાગ્યાની આસપાસ શહેરના ઘણા ભાગોમાં વરસાદનું જોર વધ્યું હતું.