Mon May 18 2026

Logo

ભારતની પહેલી બુલેટ ટ્રેનની જોવા મળી પહેલી ઝલકઃ સોશિયલ મીડિયા પર તસવીર વાયરલ

2026-05-18 19:46:00
Author: Mumbai Samachar Team
Article Image

નવી દિલ્હીઃ દેશની સૌથી પહેલી બુલેટ ટ્રેનની ઝલક બતાવવામાં આવી છે. રેલવે મંત્રાલયે આ ટ્રેનની તસવીર દર્શાવીને લોકોના ઉત્સાહમાં વધારો કર્યો છે. રેલવે મંત્રાલયમાં ગેટ નંબર ચાર પર એની તસવીર લગાવી છે, જે ભારતના ભવિષ્યની સૌથી સુપરસ્પીડ ટ્રેન છે. સત્તાવાર રીતે ભારતની પહેલી બુલેટ ટ્રેન હશે, જે મુંબઈ અને અમદાવાદ વચ્ચે દોડાવવામાં આવશે. સોશિયલ મીડિયા પર આ ફોટોને લઈ જોરદાર ચર્ચા પણ જાગી છે અને આધુનિક રેલવે ઈતિહાસની એક શરુઆત પણ માની રહ્યા છે.

હાઈ સ્પીડના યુગમાં ભારતનો પ્રવેશ
ભારતમાં સૌથી પહેલા તો આ બુલેટ ટ્રેનનો કોરિડોર મુંબઈ-ગુજરાત વચ્ચે તૈયાર કરવામાં આવી રહ્યો છે, તેનાથી દેશમાં હાઈ સ્પીડ યુગના મંડાણ થશે. આ બુલેટ ટ્રેન આગામી દિવસોમાં ભારતીય રેલવેની પણ કાયાપલટ કરશે. બુલેટ ટ્રેનની આધુનિક ડિઝાઈન, સુપર સ્પીડ અને આધુનિક ટેક્નોલોજીને કારણે પ્રવાસીઓની મુસાફરી પણ સુલભ બની રહેશે, જ્યારે આ સપનું સાકાર થવાથી બુલેટ ટ્રેન દોડાવનારા દેશની યાદીમાં પણ ભારતનું નામ જોડવામાં આવશે.

બુલેટ ટ્રેનના કોરિડોરમાં 12 સ્ટેશન
508 કિલોમીટર લાંબા મુંબઈ અમદાવાદ હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટ ભારતનો સૌથી પહેલો બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ છે. આ ટ્રેન મહારાષ્ટ્ર, ગુજરાત અને દાદરા નગર હવેલીથી પસાર થશે. આ રુટમાં બાર સ્ટેશન હશે, જેમાં મુંબઈ (બીકેસી), થાણે, વિરાર, વાપી, બિલિમોરા, સુરત, ભરુચ, વડોદરા, આણંદ અમદાવાદ (સાબરમતી) પહોંચશે. 

ગુજરાતમાં 8 સ્ટેશનનું ફાઉન્ડેશન કામ સંપન્ન
ભારતીય રેલવેના જણાવ્યાનુસાર ગુજરાતના આઠ સ્ટેશનમાં ફાઉન્ડેશનનું કામ પૂરું થયું છ, જ્યારે મહારાષ્ટ્રમાં થાણે, વિરાર અને બોઈસરમાં પણ ઝડપથી કામકાજ ચાલી રહ્યું છે. મુંબઈમાં બીકેસી (બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ) સ્ટેશનમાં પણ ખોદકામનું કામ લગભગ પૂરું થયું છે. એના સિવાય દરિયામાંથી પસાર થનારી ટનલનું કામ પણ પ્રગતિના પંથે છે.

કલાકના 280 કિલોમીટરની ઝડપથી દોડાવાશે
હાઈ સ્પીડ ટ્રેનને મેક ઈન્ડિયાની પહલ અન્વયે તૈયાર કરવામાં આવી છે. ચેન્નઈની ઈન્ટિગ્રલ કોચ ફેક્ટરી (આઈસીએફ) અને બેંગ્લુરુની બીઈએમએલને મળીને ટ્રેન-સેટ તૈયાર કરી રહ્યા છે. રેલવેના દાવા અનુસાર આ ટ્રેનની ડિઝાઈન કલાકના 280 કિલોમીટરની ઝડપથી દોડાવી શકાય એ રીતે તૈયાર કરવામાં આવશે, જે મુંબઈથી અમદાવાદ વચ્ચેની મુસાફરી બેથી ત્રણ કલાકમાં પૂરી થશે.

જાપાની ટેક્નોલોજીથી તૈયાર કરવામાં આવશે
બુલેટ ટ્રેન પ્રોજેક્ટને જાપાનની હાઈ સ્પીડ રેલ ટેકનોલોજીની મદદથી તૈયાર કરવામાં આવી રહી છે. જોકે, ભારતના હવામાન અને જરુરિયાતોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવશે. સુરક્ષા અને સુવિધા મુદ્દે આ ટ્રેન વૈશ્વિકસ્તરની સુવિધા આધારિત હશે. નિષ્ણાતોનું માનવું છે કે આ પ્રોજેક્ટ ભારતની જાહેર પરિવહન સિસ્ટમમાં મોટું પરિવર્તન લાવશે.