Wed Sep 30 2026

Logo

ગુજરાત AI યુગનું દેશનું 'પ્રાઈમ મુવર' બન્યું, દુનિયાનું પણ AI સેન્ટર બનવાની દિશામાં અગ્રેસરઃ મોઢવાડીયા

2026-09-11 13:21:00
Author: Mumbai Samachar Team
ગુજરાત AI યુગનું દેશનું 'પ્રાઈમ મુવર' બન્યું, દુનિયાનું પણ AI સેન્ટર બનવાની દિશામાં અગ્રેસરઃ મોઢવાડીયા

અગાઉ જ્યારે કમ્પ્યુટર રિવોલ્યુશન અને IT રિવોલ્યુશન થયું, તે વખતે ભારત પાસે તક હતી કે આપણે એ યુગનું નેતૃત્વ કરીએ. આપણા યુવાનોએ ત્યારે એ તક ઝડપી અને એને પરિણામે આપણા યુવાનો આજે વૈશ્વિક મંચ પર અગ્રસરે છે. પરંતુ કમનસીબે એ વખતે જે લીડ રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકારે લેવી જોઈતી હતી તે ન લેવાઈ, એટલે એ યુગનું નેતૃત્વ કરવાનો વારો આપણા દેશનો ન આવ્યો. હવે જ્યારે AI ના યુગમાં પ્રવેશ કરી રહ્યા છીએ,ત્યારે આપણા  વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ આખો દેશ- ભારત એ યુગનું નેતૃત્વ કરે, એ પ્રકારનું માર્ગદર્શન ગુજરાત સહિત તમામ રાજ્યોને આજે મળી રહ્યું છે તેમ, વિધાનસભા ગૃહમાં વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી અર્જુન મોઢવાડીયાએ જણાવ્યું હતું.

'વિકસિત ગુજરાત ડેટા સેન્ટર પોલિસી'  2026-2029 ના મુખ્યત્વે પ્રોત્સાહન અને ફાયદા અંગે ગૃહમાં ધારાસભ્ય દ્વારા પૂછાયેલા પ્રશ્નનો ઉત્તર આપતાં મંત્રી  મોઢવાડિયાએ કહ્યું હતું કે, આ યુગ-પરિવર્તન કહી શકાય એવી પોલિસી બનાવવાનો શ્રેય આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને જાય છે.આજનો દિવસ આપણે સૌ યાદ રાખશું. આજથી 10 વર્ષ પછી આ રાજ્યના જ નહીં પણ દેશના યુવાનો યાદ કરશે કેમ કે ભૂપેન્દ્ર પટેલની સરકારે એવી પોલિસી બનાવી હતી, જેને પરિણામે ગુજરાત આ AI યુગનું દેશનું 'પ્રાઈમ મુવર' બન્યું અને દુનિયાનું પણ AI માટેનું સેન્ટર બનવા જઈ રહ્યું છે.

AI માટે જરૂરી હોય તો તે ડેટા અને ડેટા સેન્ટરો છે, અને ડેટા સેન્ટરની ઈકોસિસ્ટમ બનાવવી ખૂબ જરૂરી છે. દુનિયાની અંદર આપણા ડેટા સેન્ટરોની જે ક્ષમતા (વીજળી વપરાશ) છે તે અંગે વાત કરીએ તો અત્યારે વૈશ્વિક સ્તરે 122 ગીગાવોટ ક્ષમતાના ડેટા સેન્ટરો કાર્યરત છે.

મંત્રી અર્જુન મોઢવાડીયાએ વૈશ્વિક ડેટા સેન્ટરોની વિગતો આપતાં જણાવ્યું હતું કે,અમેરિકા 4,745 ડેટા સેન્ટરો ધરાવે છે, જેની ક્ષમતા 53 ગીગાવોટ છે. દુનિયાના ડેટા સેન્ટરોની ક્ષમતાના 44% સાથે યુ.એસ.એ. અત્યારે નેતૃત્વ કરે છે.
યુ.કે.: 555 ડેટા સેન્ટરો અને 2.5 ગીગાવોટ ની ક્ષમતા ધરાવે છે.
ચીનમાં 369 ડેટા સેન્ટરો અને 31 ગીગાવોટની ક્ષમતા ધરાવે છે ‌ જે વૈશ્વિક ક્ષમતાના 26% એટલે ત્રીજો નંબરે છે 
જ્યારે યુરોપ  11.9 ગીગાવોટ ક્ષમતા ધરાવે છે.જાપાન અને દક્ષિણ કોરિયા  મળીને કુલ 6.6 ગીગાવોટ ક્ષમતા ધરાવે છે. જર્મની 523 ડેટા સેન્ટરો ધરાવે છે.
અમેરિકા અને ચાઈના બંને ભેગા કરીએ તો 70% ડેટા સેન્ટરો માત્ર આ બે દેશો પાસે છે. ડેટા સેન્ટરો એ આજના યુગના તેલના કૂવા (Oil Wells) છે ત્યારે ગુજરાત આ દિશામાં આગેકૂચ કરી રહ્યું છે.

તેમણે કહ્યું કે,વર્ષ ૨૦૦૦ની સાલમાં ત્યાં જમીનનો ભાવ શું હતો ? માત્ર ૧૫૦૦ રૂપિયા એકરનો ભાવ હતો ! આજે કલ્પના પણ ના કરી શકાય.  આ ૯૦૦ ચોરસ કિલોમીટર એરિયાનો વિસ્તાર, આ ધોલેરા છે તે હાઈટેક ઈન્ડસ્ટ્રીનું હબ બનવા જઈ રહ્યું છે. દુનિયાની અંદર જેમ ચીનની અંદર કે તાઈવાનની અંદર હાઈટેક સિટીઝ છે, એ સિટીઝ કરતાં પણ મોટું, દિલ્હી કરતાં પણ ૩ ગણું મોટું આ ધોલેરા બનવા જઈ રહ્યું છે.

તેમણે કહ્યું કે, આ સ્વપ્ન જોવાનો શ્રેય પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જાય છે એને સાકાર કરવાનો પણ એમનો આદેશ હતો અને અમે બધા તેને  સાકાર કરવા સહભાગી થયા છીએ. ગુજરાતમાં મુખ્યમંત્રી આ ઈકોસિસ્ટમ વિકસાવવામાં  અમને બધી જ મદદ કરી રહ્યા છીએ.

તેમણે કહ્યું કે,ધોલેરાની અંદર અત્યારે બધી હાઈટેક ઈન્ડસ્ટ્રીઓ આવી રહી છે. ધોલેરામાં જે રોકાણકારો ડેટા સેન્ટર સ્થાપશે, એને બીજા બધા તો લાભ મળશે જ, પણ એની સાથે સાથે ૨.૫% વધારાની કેપિટલ સબસિડી પણ ધોલેરાના વિસ્તારને મળવાની છે.

ગુજરાતમાં જે આ પોલિસી બની છે, એમાં ૫૧ ટકા વીજળી ગ્રીન એનર્જીની વાપરવાની આપણે સગવડ આપી છે.જ્યાં સુધી પાણીનો સવાલ છે,તો  જે પાણી વપરાવાનું છે, તેના માટે ડિસેલિનેશન પ્લાન્ટ નાખવામાં આવશે. અને એ પ્લાન્ટ મારફતે જે પાણી પેદા થાય, એમાંય ઇન્સેન્ટિવ (પ્રોત્સાહન) પાછું જે લોકોને આપીએ છીએ. એ પાણી વપરાવાનું છે અને હવે નવી ટેકનોલોજી એવી આવી રહી છે કે પાણી કોઈ વેસ્ટ નહીં જાય, એ જ પાણી રિસાયકલ થવાનું છે,એટલે કોઈ પાણી ઉપર કે આપણી વીજળી ઉપર કોઈ લોડ ન આવે, એવી આ ભારતની એકમાત્ર એવી પોલિસી છે કે જે વાપરનારાઓ માટે પણ ફ્રેન્ડલી છે, ઉત્પાદકો માટે પણ ફ્રેન્ડલી છે અને પર્યાવરણ માટે પણ ફ્રેન્ડલી છે.

મંત્રીએ પેટા પ્રશ્નનો ઉત્તર આપતાં કહ્યું હતું કે,આપણે માનીએ છીએ કે ડેટા સેન્ટરની ક્ષમતા 1 ગિગાવાટથી શરૂ કરીને 1 કે 2 ગિગાવાટ સુધીની હોય છે, જે મોટાભાગે આંતરરાષ્ટ્રીય કંપનીઓ માટે હોય છે. પરંતુ આપણે જે ન્યૂનતમ ક્ષમતા રાખી છે તે 150 મેગાવાટ (એટલે કે 0.15 ગિગાવાટ) ની છે.આપણી પાસે હાલમાં 17 ગિગાવાટ માટેની અરજીઓ આવેલી છે. પ્રાથમિક તબક્કે આપણી ઇચ્છા એવી છે કે તેમાંથી 7.5 ગિગાવાટને ટૂંક સમયમાં જ 'વન-સ્ટ્રોક' (એક સાથે) મંજૂરી આપી દેવામાં આવે. ત્યારબાદ આપણી જરૂરિયાત અને ક્ષમતા મુજબ આગળના તબક્કામાં નિર્ણય લેવાશે.જે અરજીઓ આવી છે તે ધોલેરા માટે પણ છે અને અન્ય સેન્ટરો માટે પણ છે. પરંતુ તેના માટે બીજી એક મહત્વની જરૂરિયાત એ છે કે,સામાન્ય રીતે આપણી માન્યતા એવી હોય છે કે બધું વાયરલેસ ચાલે છે, પણ વાસ્તવમાં મોટાભાગનું કમ્યુનિકેશન વાયર મારફતે થાય છે. આ આખું નેટવર્ક દુનિયાના સમુદ્રોમાં પથરાયેલું છે, તેથી સબમરીન કેબલ સાથે જોડાવું જરૂરી છે.
 જ્યાં સબમરીન કેબલ આવશે ત્યાં કેબલ લેન્ડિંગ સ્ટેશન પણ બનાવવામાં આવશે. આ માટે અલગ નીતિ  પણ તૈયાર કરાઈ છે.

તેમણે ઉમેર્યું કે,તાજેતરમાં વડાપ્રધાનના હસ્તે ઉદ્ઘાટન થયેલા 3 સેમિકન્ડક્ટર પ્લાન્ટ્સમાં CEO થી લઈને ટોપ એક્ઝિક્યુટિવ્સ સુધીના મોટાભાગના લોકો વિદેશથી ભારત પાછા ફર્યા છે. આમ, 'રિવર્સ માઇગ્રેશન' (સ્વદેશ વાપસી) થશે અને આ ક્રાંતિ નવી પેઢી માટે નવી તકો સર્જશે.

ગુજરાતમાં આ ક્ષેત્રમાં રોકાણ માટે 

 જે અરજીઓ આવેલી છે, તે અરજીઓની ટોટલ ક્ષમતા મેં બતાવી દીધી છે. લગભગ 17 ગીગાવોટની આસપાસની છે. અને જો બધું મૂડીરોકાણ થાય, તો રૂ.17 લાખ કરોડ કરતાં વધારે થાય છે. પરંતુ આપણે બેન્કે કહ્યું એ પ્રમાણે 7.5 ની આસપાસ રાખીશું. એમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કંપનીઓ છે તેમ, તેમણે ઉમેર્યું હતું.