અમદાવાદઃ શહેરમાં GST ઈન્સ્પેક્ટરના ઘરમાં 3.62 લાખની ચોરી થતાં ચકચાર મચી ગઈ હતી. જીએસટી ઈન્સ્પેક્ટરનું નામ નિરવભાઈ દરજી છે અને તેઓ કડીમાં ફરજ બજાવે છે. જ્યારે તેમના પત્નિ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીમાં જુનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે.
શું છે મામલો
અમદાવાદમાં મહિલા પશ્ચિમ પોલીસ સ્ટેશન નજીક આવેલા એક એપાર્ટમેન્ટમાં રહેતા જીએસટી ઇન્સ્પેક્ટરના ઘરે તસ્કરો ત્રાટક્યા હતા. મકાનમાં ઘૂસેલા તસ્કરોએ સોના-ચાંદીના દાગીના સહિત કુલ 3.62 લાખ રૂપિયાની મતા ચોરી કરતા સેટેલાઈટ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. પ્રિયંકાબેન દરજી જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીમાં આઠ વર્ષથી જુનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે. તેમના પતિ નિરવભાઈ દરજી કડીમાં જીએસટી ઈન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવે છે. ગત તા.7મીએ દંપતી નોકરીએ ગયું હતું અને સાંજે પ્રિયંકાબેન ઘરે આવ્યા ત્યારે તેમના ઘરના મુખ્ય દરવાજાનું તાળું નહોતું. તેમણે ચોરીની શંકાએ આસપાસના લોકો અને પોલીસને બોલાવી હતી. જે બાદ તેમણે ઘરમાં તપાસ કરતાં તસ્કરો સોના-ચાંદીના દાગીના ચોરી કરીને ફરાર થઈ ગયા હોવાનું સામે આવ્યું હતું.
જે બાદ પ્રિયંકાબેન દરજીએ સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આસપાસમાં લાગેલા સીસીટીવીના આધારે તસ્કરોની ભાળ મેળવવા તપાસ હાથ ધરી હતી. જીએસટી ઈન્સ્પેક્ટરના ઘરમાં જ ચોર ઇસમો ત્રાટકતાં ચકચાર મચી ગઈ હતી અને સ્થાનિકોમાં જો જીએસટી અધિકારીનું જ ઘર સલામત ન હોય તો આમ આદમીની શું સલામતી તેવી ચર્ચા વહેતી થઈ હતી.