અમદાવાદઃ અમદાવાદ અને વડોદરામાં બનેલી ત્રણ ઘટનામાં ત્રણ જણાના મોત સાથે લોહીના સંબંધોના પણ મોત નિપજ્યા હોય તેમ લાગી રહ્યું છે. શહેરના સરખેજ વિસ્તારમાં રહેતી 22 વર્ષીય સોફિયા ફારૂકની હત્યા કથિત રીતે પિતા અને પુત્રએ કરી હોવાનું બહાર આવ્યું હતું તો કલોલમાં અમેરિકાથી આવેલા દીકરાએ પિતાને મોતને ઘાટ ઉતાર્યા હતા અને વડોદરામાં પિતાએ માત્ર શકને કારણે ત્રણ મહિનાના પુત્રને કૂવામાં ફેંકી દીધાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ હતી.
ઘટનાની મળતી વિગતો અનુસાર અમદાવાદના સરખેજમાં સોફિયાના પિતા મોહંમદ ફારૂક નવાબખાન (56) અને તેનો પુત્ર હાબિલ ફારૂક (38) સોફિયાથી નારાજ હતા. સોફિયાનાં એક યુવક સાથેનો વીડિયો વાયરલ થયો હતો. અહેવાલ અનુસાર ત્યારબાદ બન્ને પિતા-પુત્ર યુવતીનાં અન્ય છોકરાઓ સાથેની વાતચીતનો વિરોધ કરતા હતા. બન્નએ તેને મારી નાખવાનો પ્લાન બનાવ્યો હતો અને તેને ઘેલજીપુરા ગામ નજીકની અવાવરૂ જગ્યાએ લઈ જઈ તેને મારી નાખી હતી અને સમગ્ર ઘટનાને હીટ એન્ડ રનમાં ખપાવવાની કોશિશ કરી હતી.
પોલીસ આ કેસમાં વધારે તપાસ કરી રહી છે. તો બીજી બાજુ અમેરિકાથી છ મહિના પહેલા આવેલો કલ્પેશ પ્રજાપતિ (40) માતા સાથે રહેતો હતો. તેનાં પિતા 16 વર્ષથી અલગ રહેતા હતા. ઘટનાના દિવસે પિતાએ માતા સાથે ઝગડો કરી તેને કથિત રીતે મારી હતી અને પૈસા માગ્યા હતા. આ મામલે કલ્પેશ પિતા પાસે પહેલીવાર ગયો અને પાછો આવ્યો હતો. તે ફરી ગયો અને લાકડીથી પિતા પર હુમલો કર્યો હતો, જેમાં પિતાનું મોત નિપજ્યું હતું. જ્યારે મહીસાગર પોલીસે આશિષ ભુરિયા નામના એક યુવકની ધરપકડ કરી હતી, જેણે પોતાના 3 મહિનાના પુત્રને કૂવામાં ફેંકી દીધો હતો. આશિષને શક હતો કે આ બાળક તેનું નથી અને આ મામલે તે પત્ની સાથે ઝગડા કરતો હતો, તેમ સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.