Mon Oct 05 2026

Logo

મથકો પાછળ સિંગતેલમાં રૂ. 30નો ઉછાળો

2026-09-10 19:27:19
Author: Ramesh Gohil
મથકો પાછળ સિંગતેલમાં રૂ. 30નો ઉછાળો

1થી 10 સપ્ટેમ્બર દરમિયાન મલયેશિયાની પામતેલની નિકાસમાં 11 ટકાનો ઘટાડો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈઃ
ગુજરાતના મથકો પર આજે સ્થાનિક તેમ જ દેશાવરોની પ્રબળ માગને ટેકે સિંગતેલમાં તેજીનો અન્ડરટોન જળવાઈ રહેતાં તેલિયા ટીનના વેપાર 15 કિલોદીઠ રૂ. 35ના ઉછાળા સાથે રૂ. 2770માં અને લૂઝમાં 10 કિલોદીઠ રૂ. 25ના ઉછાળા સાથે રૂ. 1750માં થયાના પ્રોત્સાહક અહેવાલ સાથે સ્થાનિક જથ્થાબંધ ખાદ્યતેલ બજારમાં પણ સિંગતેલના ભાવમાં 10 કિલોદીઠ રૂ. 30ની તેજી આગળ ધપી હતી. જોકે, આજે મલયેશિયાના બુર્સા મલયેશિયા ડેરિવેટીવ્સ એક્સચેન્જ ખાતે ક્રૂડ પામતેલના વાયદામાં 81 રિંગિટનો ઘટાડો આવ્યાના અહેવાલ ઉપરાંત ગઈકાલે શિકાગો ખાતે સોયાતેલના વાયદામાં 17 સેન્ટનો ઘટાડો આવ્યાના ઓવરનાઈટ અહેવાલ છતાં આજે સ્થાનિકમાં હાજર, ડાયરેક્ટ ડિલિવરી અને સેલરિસેલ ધોરણે કામકાજો નિરસ રહેતાં આયાતી તેલમાં અને અન્ય દેશી તેલના ભાવમાં ટકેલું વલણ રહ્યું હતું. 

વધુમાં આજે કાર્ગો સર્વેયર ઈન્ટરટેક સર્વિસીસ દ્વારા જાહેર કરવામાં આવેલી પ્રાથમિક આંકડાકીય માહિતી અનુસાર ગત તા. 1થી 10 સપ્ટેમ્બર દરમિયાન મલયેશિયાની પામતેલની નિકાસ આગલા ઑગસ્ટ મહિનાના સમાનગાળાના 4,45,466 ટન સામે 11.71 ટકા ઘટીને 3,93,295 ટનની સપાટીએ રહી હોવાનું જણાવ્યું હતું. 

આજે સ્થાનિકમાં ડાયરેક્ટ ડિલિવરી શરતે 10 કિલોદીઠ ગોકુલ એગ્રોના સોયા રિફાઈન્ડના રૂ. 1455 અને સન રિફાઈન્ડના રૂ. 1705, એડબ્લ્યુએલના આરબીડી પામોલિનના રૂ. 1490 અને સન રિફાઈન્ડના રૂ. 1740, પતંજલિ ફૂડ્સના આરબીડી પામોલિનના રૂ. 1495, ગોલ્ડન એગ્રીના આરબીડી પામોલિનના રૂ. 1500 અને જી-વનના સોયા રિફાઈન્ડના રૂ. 1435 ક્વૉટ થઈ રહ્યા હતા, પરંતુ વેપારનો અભાવ હતો. વધુમાં આજે ગોકુલ એગ્રોની સોયા રિફાઈન્ડમાં 10 કિલોદીઠ રૂ. 1472ના મથાળે બાયબેકમાં લેવાલી નીકળી હોવાના અહેવાલ હતા. 

આજે મધ્ય પ્રદેશનાં મથકો પર સોયાસીડની અંદાજે 40,000 ગૂણીની આવક સામે મંડીમાં વેપાર ક્વિન્ટલે રૂ. 5650થી 5850માં અને પ્લાન્ટ ડિલિવરી શરતે રૂ. 5950થી 6050માં થયા હતા. તેમ જ આજે ગુજરાતમાં ગોંડલ મથકે નવી મગફળીની આવક 2500 ગૂણીની અને જૂનીની આવક 700 ગૂણીની થઈ હતી, જ્યારે રાજકોટ મથકે નવી મગફળીની 1300 ગૂણીની અને જૂની મગફળીની 1200 ગૂણીની આવક હતી. તેમ જ બન્ને મથકો પર મણદીઠ જૂની મગફળીના વેપાર રૂ. 1400થી 1550માં અને નવી મગફળીના વેપાર રૂ. 1500થી 1850માં થયા હતા. 

આજે હાજરમાં વિવિધ દેશી-આયાતી ખાદ્યતેલના 10 કિલોદીઠ ભાવમાં આરબીડી પામોલિનના રૂ. 1500, સોયા રિફાઈન્ડના રૂ. 1490, સન રિફાઈન્ડના રૂ. 1760, સિંગતેલના રૂ. 1800, કપાસિયા રિફાઈન્ડના રૂ. 1680 અને સરસવના રૂ. 1770ના મથાળે રહ્યા હતા.