Mon Oct 05 2026

Logo

ગુજરાતના ખેડૂતો જો આ ખેતી કરશે તો ખેતરમાં નીલગાય કે ભૂંડ પણ નહીં ઘૂસે

2026-09-11 09:30:00
Author: Mayur Patel
ગુજરાતના ખેડૂતો જો આ ખેતી કરશે તો ખેતરમાં નીલગાય કે ભૂંડ પણ નહીં ઘૂસે

AI Image


અમદાવાદઃ ખેડૂતો પરંપરાગત ખેતીના બદલે બાગાયતી ખેતી તરફ વળે તે માટે અનેક સ્કીમ ચલાવે છે. સરકારી સ્કીમનો લાભ લઈને અનેક ખેડૂતો માલામાલ બન્યા છે. હાલ કેન્દ્ર સરકારના CSIR એટલે કે કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઈન્ડસ્ટ્રિયલ રિસર્ચ  દ્વારા શરૂ કરાયેલા આ મિશન હેઠળ સુગંધિત છોડ જેમ કે લવેન્ડર, રોઝમેરી,લેમનગ્રાસની ખેતીને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું  છે.  જમ્મુના ડોડા જિલ્લાથી શરૂ થયેલી આ ખેતી હવે સમગ્ર જમ્મુ-કાશ્મીરમાં ફેલાઈ છે. પહાડી અને બંજર જમીન, જ્યાં પરંપરાગત પાક ઉગતા ન હતા, ત્યાં લેવેન્ડરના છોડ સફળતાપૂર્વક ઉગાડવામાં આવ્યા હતા. માત્ર પાક વેચવાને બદલે ખેડૂતોને સ્થાનિક સ્તરે જ એસેન્શિયલ ઓઈલ નિકાળવાની પ્રોસેસિંગ યુનિટ્સ આપવામાં આવ્યા હતા. ગુજરાતમાં એરોમા મિશન શરૂ થાય તો ખેડૂતોને શું ફાયદો થાય? આ અંગે મુંબઈ સમાચારના પ્રતિનિધિ જીગર પંડ્યાએ જમ્મુના વૈજ્ઞાનિકો સાથે ખાસ વાતચીત કરી હતી.

રિસર્ચ કરી રહેલા વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે પરંપરાગત પાકની સરખામણીએ સુગંધિત તેલ વેચીને ખેડૂતોની આવક બે થી ચાર ગણી વધી ગઈ છે.
જયારથી આ ખેતીની શરૂઆત કરવામાં આવી ત્યારથી અહીં જંગલી જાનવરોનો ત્રાસ નહીંવત થઈ ગયો છે.  વાંદરા કે રખડતા ઢોર સુગંધિત છોડને નુકસાન પહોંચાડતા નથી, જેથી પાક સુરક્ષિત રહે છે. આ ઉપરાંત ઓછા પાણી અને ખર્ચમાં વધુ ઉત્પાદન ખેડૂતો મેળવી શકે છે . આ છોડને વધુ ખાતર કે પાણીની જરૂર પડતી નથી. આ ઉપરાંત પ્રોસેસિંગ, પેકેજિંગ અને માર્કેટિંગના કારણે સ્થાનિક સ્તરે નવી રોજગારી ઊભી થઈ છે.

ખેડૂતો માત્ર ઉત્પાદક નહીં, 'એગ્રી-સ્ટાર્ટઅપ' બન્યા

CSIR-IIIM જમ્મુના નોડલ સાયન્ટિસ્ટ ડૉ. સુફલા ગુપ્તાના જણાવ્યા અનુસાર, એરોમા મિશન હેઠળ માત્ર છોડ વાવવા સુધી મર્યાદિત ન રહેતાં ખેડૂતોને આત્મનિર્ભર 'એગ્રી-સ્ટાર્ટઅપ' બનાવવામાં આવ્યા છે.  ખેડૂતો માત્ર કાચો પાક ન વેચે તે માટે ક્લસ્ટર બનાવીને મફત ડિસ્ટિલેશન (તેલ નિષ્કર્ષણ) યુનિટ્સ પૂરા પાડવામાં આવ્યા છે.  તેલની ગુણવત્તા ચકાસીને ખેડૂતો અને ઔદ્યોગિક ગ્રાહકો વચ્ચે સીધો સેતુ બાંધવામાં આવ્યો છે. ખેડૂતો હવે સુગંધિત તેલ ઉપરાંત સાબુ, અત્તર, મીણબત્તી અને ડિફ્યુઝર જેવા વેલ્યુ-એડેડ ઉત્પાદનો બનાવીને બજારમાં વેચી રહ્યા છે.

ગુજરાતના ખેડૂતો માટે એરોમા મિશન શા માટે આશીર્વાદરૂપ?

સાયન્ટિસ્ટે જણાવ્યું કે, ગુજરાતની આબોહવા, જમીન અને ખેતીની હાલની પરિસ્થિતિ જોતાં એરોમા મિશન રાજ્યમાં નવી આર્થિક ક્રાંતિ લાવી શકે તેમ છે. ઓછું પાણી અને ખારી-બંજર જમીન આ પાક માટે અનુકૂળ છે.  ડૉ. સુફલા ગુપ્તાના જણાવ્યા મુજબ, કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત જેવા સૂકા અને ખારાશવાળા વિસ્તારોમાં લેમનગ્રાસ, પામરોઝા, ખસ અને તુલસી જેવા સુગંધિત પાકો સરળતાથી ઉગી શકે છે. અગાઉ ગુજરાતમાં લેમનગ્રાસના સફળ ટ્રાયલ પણ લેવામાં આવ્યા છે. આ પાકોને વધુ ખાતર કે પાણીની જરૂર પડતી નથી, જેથી પાણીની અછત ધરાવતા વિસ્તારો માટે તે ઉત્તમ વિકલ્પ છે.

જંગલી જાનવરો અને નીલગાયના ત્રાસથી મુક્તિ

ગુજરાતના ખેડૂતો હાલમાં નીલગાય (રોઝ), વાંદરા અને રખડતા ઢોરના ત્રાસથી હેરાન છે. સુગંધિત પાકોની ખાસિયત એ છે કે તીવ્ર સુગંધને કારણે પશુઓ કે જંગલી જાનવરો તેને ખાતા નથી કે નુકસાન પહોંચાડતા નથી, જેથી ઊભો પાક સંપૂર્ણ સુરક્ષિત રહે છે.

સ્થાનિક સ્તરે તૈયાર બજાર

ગુજરાતમાં ફાર્માસ્યુટિકલ, કોસ્મેટિક્સ, સાબુ અને અત્તર (પરફ્યુમ) બનાવતી વિશાળ ઇન્ડસ્ટ્રીઝ પહેલેથી જ કાર્યરત છે. સુગંધિત તેલનું સ્થાનિક સ્તરે ઉત્પાદન થવાથી ખેડૂતો આ ઉદ્યોગો સાથે સીધું જોડાણ કરી ઊંચા ભાવ મેળવી શકે છે.

ઇન્ડસ્ટ્રિયલ બાયોટેક પાર્ક અને સ્ટાર્ટઅપ માટે સહાય

CSIR-IIIM ના અન્ય વરિષ્ઠ વૈજ્ઞાનિક ડૉ. સૌરભ સરને જણાવ્યું કે જમ્મુ-કાશ્મીરમાં સ્થાપિત વર્લ્ડ ક્લાસ ઇન્ડસ્ટ્રિયલ બાયોટેક પાર્ક અને બાયોનેસ્ટ ઇન્ક્યુબેશન સેન્ટર દેશભરના ઉદ્યોગસાહસિકો અને ખેડૂતો માટે ખુલ્લા છે. અહીં ખેડૂતો અને સ્ટાર્ટઅપ્સને 3 મહિનાથી 1 વર્ષ સુધીની ટ્રેનિંગ આપવામાં આવે છે. 100 થી 500 લિટર સુધીના એક્સટ્રેક્શન અને ફર્મેન્ટેશન પ્લાન્ટની સુવિધા હોવાથી કોઈપણ મોટા રોકાણ વગર પ્રોટોટાઇપ બનાવી શકાય છે. ગુજરાતના ખેડૂતો કે યુવાનો પણ આ સુવિધાઓનો લાભ લઈને એગ્રી-બિઝનેસ સ્થાપી શકે છે.

જો ગુજરાત સરકાર અને રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓ સાથે મળીને ખેડૂતોને યોગ્ય ટેકનિકલ માર્ગદર્શન, પ્રોસેસિંગ યુનિટ્સ અને માર્કેટિંગ પ્લેટફોર્મ પૂરું પાડે, તો એરોમા મિશન ગુજરાતના ખેડૂતોની આવક બમણી કરવામાં ગેમ-ચેન્જર સાબિત થઈ શકે તેમ છે.