Mon Oct 12 2026

Logo

મરાઠી વિવાદ વચ્ચે હવે સંજય દત્તે આપ્યું નવું નિવેદન, કોને યાદ કર્યા?

2026-09-10 22:36:26
Author: Mumbai Samachar Team
મરાઠી વિવાદ વચ્ચે હવે સંજય દત્તે આપ્યું નવું નિવેદન, કોને યાદ કર્યા?

મુંબઈ : બોલિવૂડ અભિનેતા સંજય દત્તના મરાઠી ભાષાને લઈને કરેલા નિવેદન બાદ શરૂ થયેલા વિવાદ વચ્ચે તેમણે હવે તેમણે ફેરવી તોળ્યું છે. સંજય દત્તે મહારાષ્ટ્રના પરિવહન પ્રધાન પ્રતાપ સરનાઈકને ફોન કરીને પોતાના નિવેદન અંગે ખુલાસો કર્યો હતો અને તેમનું નિવેદન મજાકના સ્વરૂપમાં હતું તેમ જણાવ્યું હતું. સાથે જ તેમના નિવેદનથી કોઈને ખોટો સંદેશ ગયો હોય તો તેમણે દિલગીર છે.  

થાણેમાં સંસ્કૃતિ યુવા પ્રતિષ્ઠાન દ્વારા આયોજિત દહીંહાંડી કાર્યક્રમમાં સંજય દત્ત ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન પ્રતાપ સરનાઈકે તેમને મરાઠીમાં બોલવાની વિનંતી કરી હતી. તેના જવાબમાં સંજય દત્તે મજાકિયા અંદાજમાં જણાવ્યું હતું કે તેઓ છ વર્ષ યરવડા જેલમાં રહ્યા હોવા છતાં મરાઠી શીખી શક્યા નથી. તેમના આ નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ ચર્ચા અને ટીકાઓ શરૂ થઈ હતી. 
 
વિવાદ વધ્યા બાદ સંજય દત્તે પ્રતાપ સરનાઈક સાથે ફોન પર વાત કરી હતી. તેમણે વાતની શરૂઆત ‘પ્રતાપ ભાઈ, જય મહારાષ્ટ્ર’ કહીને કરી હતી અને પોતાનું અગાઉનું નિવેદન માત્ર મજાકના સ્વરૂપમાં હતું તેમ સ્પષ્ટ કર્યું હતું. સંજય દત્તે જણાવ્યું હતું કે મને સારી મરાઠી આવડે છે અને મારા નિવેદનથી કોઈ ખોટો સંદેશ ગયો હોય તો દિલગીર છે. 
 
સંજય દત્તે પોતાના મહારાષ્ટ્ર સાથેના સંબંધનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે તેમનો પરિવાર મુંબઈનો છે અને તેઓ આ જ અહીં જ ઉછર્યા છે. મહારાષ્ટ્રે તેમને ઘણું આપ્યું હોવાનું જણાવી તેમણે રાજ્ય અને તેની સંસ્કૃતિ પ્રત્યે પોતાનું જોડાણ વ્યક્ત કર્યું હતું. આપને જણાવવાનું કે આ સમગ્ર વિવાદની શરૂઆત થાણેના દહીંહાંડી કાર્યક્રમમાં થઈ હતી. આ કાર્યક્રમમાં સંજય દત્ત ઉપરાંત સુનીલ શેટ્ટી, ક્રિકેટર સૂર્યકુમાર યાદવ સહિત અનેક કલાકારો અને રાજકીય નેતાઓ હાજર રહ્યા હતા. પ્રતાપ સરનાઈક મરાઠી ભાષાના ઉપયોગ અંગે આગ્રહ રાખતા હોવાથી કાર્યક્રમમાં અનેક સેલિબ્રિટીઓએ મરાઠીમાં સંવાદ કર્યો હતો. 
 
સંજય દત્તના નિવેદન બાદ સોશિયલ મીડિયા પર પણ વિવિધ પ્રતિક્રિયાઓ સામે આવી હતી. કેટલાક લોકોએ તેમના નિવેદનની ટીકા કરતાં સવાલ કર્યો હતો કે મરાઠી શીખવાની જવાબદારી માત્ર રિક્ષા અને ટેક્સીચાલકોની જ છે કે કેમ. આ ચર્ચા વચ્ચે સંજય દત્તે હવે પોતાનું વલણ સ્પષ્ટ કરીને જણાવ્યું છે કે તેમનો હેતુ કોઈની લાગણી દુભાવવાનો કે મરાઠી ભાષાનું અપમાન કરવાનો નહોતો. 
 
ફોન પરની વાતચીત દરમિયાન સંજય દત્તે દિવંગત શિવસેના પ્રમુખ બાળાસાહેબ ઠાકરેની યાદને પણ તાજી કરી વાગોળીહતી. મુશ્કેલ સમયમાં બાળાસાહેબ ઠાકરેએ પોતે અને પોતાના પરિવારને આપેલા સહકારનો તેમણે ઉલ્લેખ કર્યો હતો. આ રીતે સંજય દત્તે પોતાના નિવેદન અંગે સ્પષ્ટતા કરવાની સાથે મહારાષ્ટ્ર અને મરાઠી સંસ્કૃતિ સાથેના પોતાના જૂના સંબંધને પણ દર્શાવ્યો હતો.