રાજકોટઃ શહેરમાં સાધુ વાસવાણી રોડ પર એક પરિવારે કરેલા સામુહિક આપઘાત કેસમાં મોટો ખુલાસો થયો હતો. રૂપિયા 98 હજારની પઠાણી ઉઘરાણી અને ગોંધી રાખવાના ત્રાસથી પરિવારને જીવન ટૂંકાવ્યું હતું. આ અંગેના ઓડિયો રેકોર્ડિંગથી ભાંડો ફૂટ્યો હતો. પોલીસે વ્યાજખોર સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
જાણો શું હતી ઘટના અને કેવી રીતે થયો ખુલાસો
27 જુલાઈના રોજ દિલીપભાઈ નટવરલાલ ખખ્ખર, તેમના પત્ની સ્મિતાબેન અને પુત્ર નિશિતે ઘઉંમાં નાખવાના ઝેરી ટીકડા ખાઈ આપઘાત કરી લીધો હતો. આ કેસમાં પિતા-પુત્ર વચ્ચે થયેલી છેલ્લી વાતચીતનું મોબાઇલ ઓડિયો રેકોર્ડિંગ સામે આવતા યુનિવર્સિટી પોલીસે સંદીપ લલિત લખતરીયા સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી હતી. આ મામલે મૃતક દિલીપભાઈના કૌટુંબિક ભત્રીજા ભાવિનભાઈ રસિકભાઈ ખખ્ખરે ફરિયાદ નોંધાવી હતી.
નિશિતે સોનાની બે વીંટી ફાઇનાન્સ કંપનીમાં ગીરવે મૂકી લોન લીધી હતી. આરોપી સંદીપ લખતરીયાએ આ નાણાં ચૂકવી વીંટી છોડાવી પોતાની પાસે રાખી લીધી હતી. ત્યારબાદ તેણે નિશિતને એસ્ટ્રોન ચોક સ્થિત લેન્ડમાર્ક બિલ્ડિંગની પોતાની ઓફિસે બોલાવ્યો હતો અને વીંટી આપવા ઉપરાંત વધારાના રૂ. 97 હજારની પઠાણી ઉઘરાણી કરી હતી. રૂપિયા ન ચૂકવે ત્યાં સુધી ઓફિસમાંથી બહાર નીકળવા નહીં દેવાની ગર્ભિત ધમકી આપી નિશિતને ગોંધી રાખ્યો હતો.
અહીં બેઠા-બેઠા જ વ્યવસ્થા કર
નિશિતે ઓફિસમાંથી પિતા દિલીપભાઈને ફોન કરી પરિસ્થિતિ જણાવી હતી અને સંદીપ સાથે વાત કરાવી હતી. દિલીપભાઈએ સંદીપને આજીજી કરતા કહ્યું કે, અગાઉ મકાન અને સોનું વેચી તમારું પૂરું કર્યું છે, નિશિતને ઘરે આવવા દેશો તો કંઈક વ્યવસ્થા થશે. જોકે, આરોપીએ સાંજ સુધીનો સમય આપવાનો પણ સ્પષ્ટ ઇનકાર કર્યો હતો અને કહ્યું કે અહીં બેઠા-બેઠા જ વ્યવસ્થા કર. નિશિતે પ્રોમિસરી નોટ લખી આપવા કે મામાના ઘરે જઈ દોઢ કલાકમાં નાણાં લાવવાની વિનંતી કરી છતાં સંદીપ માન્યો નહોતો.
આપણો નિર્ણય ફાઇનલ છે
રેકોર્ડિંગ મુજબ, આરોપીના ત્રાસથી લાચાર બનેલા નિશિતે પિતાને ત્રણેય જણા શહેર છોડી ભાગી જવાની વાત કરી હતી. જેની સામે લાચાર પિતાએ કહ્યું હતું કે, બહારગામ જવા માટે પણ પૈસા હોવા જોઈએ, આપણો નિર્ણય ફાઇનલ છે, તું ઘરે આવી જા. નિશિતે આપઘાત માટે પોતાની હિંમત ન ચાલતી હોવાનું જણાવતા પિતાએ કહ્યું હતું કે, તું ઘરે આવ, આપણે ત્રણેય જણા કરી લઈએ, તારા મમ્મી પણ કહે છે કે અમારી પાછળ તારે આવવું પડશે.
ઓફિસેથી છૂટીને ઘરે પહોંચેલા નિશિત અને તેના માતા-પિતાએ અંતે આ આર્થિક અને માનસિક ત્રાસ સહન ન થતાં સામૂહિક રીતે ઝેરી દવા ગટગટાવી લીધી હતી. મોબાઈલમાંથી મળેલા આ પુરાવા બાદ પોલીસે સંદીપ લખતરીયા અને આ કેસમાં સંડોવાયેલા અન્ય શખ્સો સામે કાયદેસરનો સકંજો કસ્યો હતો. આમ વ્યાજખોરના ત્રાસથી વધુ એક પરિવારે સામુહિક આપઘાત કર્યો હતો.