ભરત ભારદ્વાજ
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આડે હજુ વરસની વાર છે પણ અત્યારથી રાજકીય સોગઠાં ગોઠવાવા માંડ્યાં છે. ભાજપે જામી પડેલા ને ખાઈ બદેલા નેતાઓને સ્થાને નવા મુરતિયાઓની ખોજ આદરી છે તો કૉંગ્રેસે આમ આદમી પાર્ટી પોતાનાથી આગળ ના નિકળી જાય એ માટે આવડે એવી બાજી ગોઠવવા માંડી છે ને તેમાં કૉંગ્રેસના નેતાઓની નજર જૂના જોગી શંકરસિંહ વાઘેલા બાપુ પર ઠરી છે. શંકરસિંહે પોતે નવરાત્રિના સપરમા દિવસોમાં કૉંગ્રેસમાં જોડાવાનો સંકેત આપ્યો છે તો કૉંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પણ બાપુ સાથે વાતચીત ચાલુ હોવાની વાત કરી છે એ જોતાં ચોકઠું ગોઠવાઈ જવાનાં એંધાણ છે.
આ ચોકઠું બંનેના ફાયદામાં છે કેમ કે શંકરસિંહ અને કૉંગ્રેસના કિસ્સામાં ‘ભઈને કોઈ દેતું નથી ને બુનને કોઈ લેતું નથી’ જેવો ઘાટ છે. શંકરસિંહે 2017માં અહમદ પટેલને હરાવવા માટે બગાવત કરીને કૉંગ્રેસ છોડી પછી જાત જાતના ઉધામા કરી જોયા ને પોતાના તંબુ પણ તાણી જોયા પણ મેળ પડ્યો નથી. કૉંગ્રેસમાં હતા ત્યારે તો ચાર લોકો ભાવ પણ પૂછતા પણ કૉંગ્રેસ છોડ્યા પછી શંકરસિંહની હાજરી સોશ્યલ મીડિયા સિવાય કશે રહી નથી. જૂના ભાયાતોને સહારે એક ઠેકાણેથી બીજા ઠેકાણે ફરતા રહીને ને નાના નાના કાર્યક્રમો કરીને બાપુ ગાડુ ગબડાવ્યા કરે છે પણ તેમનો કોઈ પ્રભાવ રહ્યો નથી.
શંકરસિંહ વાઘેલાએ 2017માં કૉંગ્રેસથી નોખા થયા પછી જન વિકલ્પ મોરચાની સ્થાપના કરી હતી. એ વખતે બાપુએ ગુજરાતના રાજકારણમાં અલગ રાજકીય વિકલ્પ ઊભો કરવાની મોટી મોટી વાતો કરેલી પણ 2017ની વિધાનસભા ચૂંટણીમાં જન વિકલ્પ પાર્ટીએ સાવ ધોળકું ધોળેલું ને એક પણ બેઠક જીતી શકી નહોતી. બાપુની પાર્ટીના મોટા ભાગના ઉમેદવારોની ડિપોઝિટ પણ જપ્ત થતાં બાપુના દાંડિયા સાવ ડૂલ થઈ ગયેલા.
બાપુએ એ પછી શરદ પવારનો હાથ ઝાલ્યો અને 2019માં એનસીપીમાં જોડાયા. શરદ પવારે બાપુને રાષ્ટ્રીય મહામંત્રી બનાવેલા પણ ગમે તે કારણોસર બાપુને શરદ પવાર સાથે સોર્યું નહીં તેમાં 2020માં એનસીપીમાંથી રાજીનામું આપીને આઝાદ થઈ ગયા. 2022ની વિધાનસભા ચૂંટણી પહેલાં બાપુ બહુ ગાજેલા પણ છેવટે પાણીમાં બેસી ગયેલા ને ચૂંટણી નહોતા લડ્યા. 2024માં ફરી સળવળાટ થયો હશે એટલે પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટી બનાવી નાંખી.
છેલ્લાં બે વર્ષથી આ પાર્ટીના બેનર હેઠળ બાપુ નિવેદનબાજી કર્યા કરે છે પણ કોઈ નોંધ લેતું નથી. એક જમાનામાં બાપુ પાસે વફાદાર સમર્થકોનો વર્ગ હતો પણ બાપુનાંં નાટકોના કારણે વફાદારો પણ રહ્યા નથી ને સમર્થકો પણ રહ્યા નથી. બાપુ પોતાના બે-ત્રણ ટૂણટૂણિયાઓને લઈને હું, બાવો ને મંગળદાસ કરીને પાર્ટી ચલાવ્યા કરે છે પણ નથી બાપુનો પ્રભાવ કે નથી તેમની પાર્ટીનો કોઈ પ્રભાવ. મોટા ભાગનાં ગુજરાતીઓને તો આવો કોઈ રાજકીય પક્ષ અસ્તિત્વ ધરાવે છે ને બાપુ હવે સક્રિય છે એ જ ખબર નથી.
કૉંગ્રેસની હાલત બાપુ કરતાં જરાય સારી નથી. બાપુની જેમ કૉંગ્રેસ પાસે પણ વફાદાર કાર્યકરો પણ નથી ને નેતાઓ પણ નથી. એક જમાનામાં કૉંગ્રેસ ભરતસિંહ સોલંકી, અર્જુન મોઢવડિયા, શક્તિસિંહ ગોહિલ ને સિધ્ધાર્થ પટેલ એ ચાર નેતાઓની આસપાસ ઘૂમરીએ ફર્યા કરતી. મોઢવાડિયા થાકીને ભાજપમાં જતા રહ્યા પછી તેમના સ્થાને અમિત ચાવડા ગોઠવાઈ ગયા એટલો ફરક પડ્યો છે, બાકી કશું બદલાયું નથી.
અમિત ચાવડા પોતે ભાજપની આંધી ખાળીને 2022ની વિધાનસભા ચૂંટણીમાં જીત્યા ખરા પણ મદડાલ કૉંગ્રેસને ફરી બેઠા કરવાની તેમનામાં તાકાત નથી. વાંક અમિત ચાવડાનો નથી પણ તેમના રાજકીય પૂર્વજોનો છે. અહમદ પટેલનું ગુજરાતનું રજવાડું સાચવવા એ લોકોએ કૉંગ્રેસને સાવ ખોખલી કરી નાંખી તેમાં કાર્યકરો જ રહ્યા નથી. અમિત ચાવડા લડી રહ્યા છે પણ લાકડાની બુઠ્ઠી તલવારથી. ભાજપની તોપો સામે આ બુઠ્ઠી તલવાર કઈ રીતે ચાલે ?
કૉંગ્રેસની બીજી તકલીફ સતત થઈ રહેલી હિજરત છે. 2022ની વિધાનસભા ચૂંટણીમાં કૉંગ્રેસે સાવ શરમજનક દેખાવ કરીને 182માંથી માત્ર 17 બેઠકો જીતી પછી શરૂ થયેલી હિજરતને કૉંગ્રેસ રોકી શકી નથી. 2024ની લોકસભા ચૂંટણીમાં ગેનીબેન ઠાકોરે બનાસકાંઠા લોકસભા બેઠક જીતી ત્યારે કૉંગ્રેસ પાસે ફરી બેઠા થવાની તક હતી પણ કૉંગ્રેસે કોઈ આયોજન ના કર્યું તેમાં તક રોળાઈ ગઈ. અત્યારે હાલત એ છે કે, કૉંગ્રેસનો કોઈ પણ નેતા જે કંઈ મહેનત કરે એ ભવિષ્યમાં ભાજપની પોતાના પર નજર પડે ને પોતાનો ઉદ્ધાર થઈ જાય એ ગણતરીએ જ કરે છે. કૉંગ્રેસ માટે કોઈ કશું કરતું જ નથી.
કૉંગ્રેસ માટે નવી આફત આમ આદમી પાર્ટી પણ છે. આપના કારણે 2022ની ચૂંટણીમાં કૉંગ્રેસનું ભારે ધોવાણ થયેલું ને ભાજપને ભારે ફાયદો થયેલો. આપને ગણીને પાંચ બેઠકો જ મળેલી પણ લગભગ 12 ટકા મતો મેળવીને ભાજપ વિરોધી મતોમાં મોટું ગાબડું પાડેલું. કૉંગ્રેસ ભાજપનો તોડ શોધી શકી નથી ત્યાં હવે આપનો તોડ શોધવાની નવી આફત આવીને પડી છે. આપ પાસે ગુજરાતમાં મોટું સંગઠન નથી કે આખા ગુજરાતને પ્રભાવિત કરી શકે એવો કોઈ નેતા પણ નથી પણ સૌરાષ્ટ્રમાં ગોપાલ ઈટાલિયા અને આદિવાસી પટ્ટામાં ચૈતર વસાવા જેવા થોડાક નેતાઓએ ભાજપ સામે જબરદસ્ત લડાયકતા બતાવી રહ્યા છે તેના કારણે કૉંગ્રેસનો રહ્યોસહ્યો ગરાસ પણ લૂંટાઈ જવાનો ખતરો છે.
આ માહોલમાં શંકરસિંહ વાઘેલા કૉંગ્રેસમાં જોડાય તો કૉંગ્રેસને શું ફાયદો થાય એ સવાલ છે. શંકરસિંહે ગુજરાતમાં ભાજપના પૂર્વાવતાર જનસંઘ અને પછી ભાજપને પણ મજબૂત કરવામાં મોટું યોગદાન આપ્યું છે તેનો ઈનકાર ના થઈ શકે. ક્ષત્રિય અને ઠાકોર મતદારોને ભાજપ તરફ વાળવામાં બાપુની મોટી ભૂમિકા છે એ ભાજપે પણ સ્વીકારવું પડે પણ એ ભૂતકાળ છે. અત્યારે બાપુ પાસે પોતાની કહેવાય એવી કોઈ મતબેંક નથી ને પોતાનો પ્રભાવ હોય એવો કોઈ મતવિસ્તાર નથી એ જોતાં બાપુ કૉંગ્રેસને માથે પડે એવી શક્યતા વધારે છે. બાપુ ખટપટિયા માણસ પણ છે ને પહેલાં ભાજપ ને પછી કૉંગ્રેસને ઝાઝા જુહાર રાજકીય ખટપટોના કારણે જ કરવા પડેલા. કૉંગ્રેસમાં પાછા આવશે એટલે બાપુ ખટપટો તો કરશે જ તેથી જૂથબંધી પણ વધશે.
અલબત્ત ‘ના મામા કરતાં કાણો મામો સારો’ એ હિસાબે કૉંગ્રેસ બાપુને લાલ જાજમ પાથરીને આવકારી શકે. કૉંગ્રેસમાં કોઈ નથી આવતું તેના કરતાં બાપુ તો બાપુ, આવ્યા તો ખરા એમ માનીને કૉંગ્રેસ રાજી થઈ શકે. બાપુને લઈને કૉંગ્રેસે કશું ખોવાનું નથી કેમ કે કૉંગ્રેસ પાસે ખોવા જેવું કશું નથી. એ રીતે બાપુના કારણે જે પણ ફાયદો થાય એમાં કૉંગ્રેસ માટે વકરો એટલો નફો જ છે તેથી કૉંગ્રેસ બાપુને લઈ શકે. રાજકારણમાં ચમત્કારો બનતા હોય છે એ હિસાબે બાપુ અત્યારે ભલે પતી ગયેલી પાર્ટી લાગતા હોય પણ છેલ્લે છેલ્લે ચમકારો બતાવીને કૉંગ્રેસને ફાયદો કરાવી જાય એવું બને.