Wed Oct 14 2026

Logo

સંજય દત્તના મરાઠી વિવાદમાં આ અભિનેત્રીએ ઝંપલાવ્યું, જાણો 'બાબા' સાથે 'યલગાર'માં કેવી હતી 'કેમેસ્ટ્રી'?

2026-09-10 21:27:16
Author: Mumbai Samachar Team
સંજય દત્તના મરાઠી વિવાદમાં આ અભિનેત્રીએ ઝંપલાવ્યું, જાણો 'બાબા' સાથે 'યલગાર'માં કેવી હતી 'કેમેસ્ટ્રી'?

મુંબઈ: બોલીવુડ અભિનેતા સંજય દત્તે તાજેતરમાં થાણેમાં યોજાયેલા દહીં હાંડી કાર્યક્રમમાં મરાઠીમાં બોલવાનો ઈનકાર કર્યા બાદ ભાષાને લઈને ચર્ચા શરૂ થઈ છે. આ મામલે હવે સંજય દત્ત સાથે મોટા પડદે કામ કરી ચુકેલી અભિનેત્રીએ પણ ઝંપલાવ્યું છે અને આ મુદ્દે પોતાની પ્રતિક્રિયા આપી છે. વાત કરી રહ્યા છીએ નગમાની. 

નગમા અને સંજય દત્તનો જૂનો ફિલ્મી સંબંધ પણ આ મુદ્દાને રસપ્રદ બનાવે છે. બંને કલાકારો પ્રથમ વખત 1992માં આવેલી ફિલ્મ 'યલગાર'માં સાથે જોવા મળ્યા હતા. ફિરોઝ ખાનના દિગ્દર્શનમાં બનેલી આ એક્શન ફિલ્મમાં સંજય દત્તે વિશાલ સિંઘલની ભૂમિકા ભજવી હતી, જ્યારે નગમાએ તેમની પત્ની અનુ સિંઘલનું પાત્ર ભજવ્યું હતું. ફિલ્મનું ગીત 'આખિર તુમ્હેં આના હૈ' પણ ખૂબ લોકપ્રિય થયું હતું.  

નગમાએ જણાવ્યું હતું કે કોઈપણ ભાષા શીખવી કે બોલવી એ વ્યક્તિની પરિસ્થિતિ અને જરૂરિયાત પર આધારિત હોય છે.આ સમગ્ર મુદ્દા પર વાત કરતાં નગમાએ પોતાના અનુભવનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેણે જણાવ્યું હતું કે જ્યારે તેઓ શાળામાં ભણતા હતા ત્યારે અભ્યાસક્રમમાં મરાઠી ભાષાનો સમાવેશ કરવામાં આવ્યો હતો. મહારાષ્ટ્રમાં રહેતા હોવાથી તેમને શાળામાં મરાઠી શીખવી પડી હતી.

ઉલ્લેખનીય છે કે થાણેમાં શિંદે જૂથ શિવસેના દ્વારા આયોજિત દહીં હાંડી કાર્યક્રમમાં સંજય દત્તે લોકોને હિન્દીમાં સંબોધવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન શિવસેના નેતા પ્રતાપ સરનાઈકે તેમને મરાઠીમાં બોલવાની વિનંતી કરી હતી. અહેવાલો અનુસાર, સંજય દત્તે હસતાં હસતાં મરાઠીમાં બોલવાનો ઇનકાર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે તેમણે યરવડા જેલમાં છ વર્ષ વિતાવ્યા, પરંતુ તેમ છતાં તેઓ મરાઠી શીખી શક્યા નથી. તેમના આ નિવેદન બાદ સોશિયલ મીડિયા તેમજ રાજકીય વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ હતી.

નગમાએ કહ્યું હતું કે તેની માતા પણ મહારાષ્ટ્રની હોવાથી તેમને મરાઠી આવડે છે. આ ઉપરાંત આસપાસના લોકો સાથે સતત વાતચીત કરવાથી પણ તેની મરાઠી વધુ સારી બની હતી. તેમના ઘરે કામ કરતી મહિલા પણ મહારાષ્ટ્રની હતી અને તેઓ તેમની સાથે મરાઠીમાં જ વાત કરતા હતા. નગમાએ એમ પણ જણાવ્યું હતું કે તેમણે એક મરાઠી ફિલ્મમાં પણ કામ કર્યું છે.

નગમાએ ભાષા અને અભિવ્યક્તિની સ્વતંત્રતા અંગે પણ પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. તેણે કહ્યું હતું કે કોઈ ભાષા શીખવી કે બોલવી એ વ્યક્તિની પરિસ્થિતિ અને જરૂરિયાત પર નિર્ભર કરે છે. સાથે જ તેમણે અભિવ્યક્તિની સ્વતંત્રતા અંગે કોઈ ચોક્કસ ટિપ્પણી કરવાની જરૂરિયાત ન હોવાનું પણ જણાવ્યું હતું.