અમદાવાદ: ઉત્તર પ્રદેશના લખનઉથી સાઉદી અરેબિયાના દમ્મામ જતી ઈન્ડિગોની ફ્લાઈટમાં બોમ્બની ધમકી મળ્યા બાદ અમદાવાદ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.
ધમકી મળતાની સાથે જ પાયલોટે સ્થાનિક એર ટ્રાફિક કંટ્રોલને જાણ કરી
આ અંગે મળતી માહિતી મુજબ લખનઉથી દમ્મામ જતી ફ્લાઇટને બોમ્બની ધમકી મળ્યા બાદ તેને અમદાવાદ એરપોર્ટ પર વાળવામાં આવ્યું હતું. લખનઉથી બપોરે લગભગ 4.00 વાગ્યે 133 લોકો સાથે રવાના થયેલી ફ્લાઇટ 6E 097 ને અમદાવાદ તરફ વાળવામાં આવી હતી. જેમાં ધમકી મળતાની સાથે જ પાયલોટે સ્થાનિક એર ટ્રાફિક કંટ્રોલને જાણ કરી હતી અને વિમાનને સાંજે લગભગ 5.55 વાગ્યે સુરક્ષિત રીતે ઉતાર્યું હતું.
બોમ્બની ધમકી એક ટીશ્યુ પેપર પર લખેલી મળી
ફ્લાઇટમાં બોમ્બની ધમકી એક ટીશ્યુ પેપર પર લખેલી મળી આવી હતી. જેને સુરક્ષા એજન્સીઓએ કબજે લીધી છે. તેમજ ફ્લાઇટના તમામ મુસાફરોના હસ્તાક્ષરના નમૂના લેવામાં આવી રહ્યા છે. જેથી ધમકી પર મળેલા હસ્તાક્ષર ઓળખી શકાય.
એર ટ્રાફિક કંટ્રોલર્સે તાત્કાલિક ફલાઈટને મુખ્ય ટર્મિનલથી દૂર ખસેડી
જોકે, ઇમરજન્સી લેન્ડિંગ બાદ એર ટ્રાફિક કંટ્રોલર્સે તાત્કાલિક ફલાઈટને મુખ્ય ટર્મિનલથી દૂર ખસેડી હતી. તેમજ ઇમરજન્સી ટીમો અને એરપોર્ટ સુરક્ષા માર્શલ્સે તમામ મુસાફરોને ટર્મિનલ પર ખસેડતા પહેલા ટાર્મેક પર સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા.