અમદાવાદઃ શહેરની સીબીઆઈ કોર્ટે ક્રિમિનલ કૉન્સ્પિરન્સી અને છેતરપિંડીના કેસમાં ખાનગી કંપની એમએસ. કુશલ ડાયમન્ડ તેમજ તેના ચીફ મેનેજિંગ ડિરેક્ટર બકુલ ઝવેરી અને ડિરેક્ટર મઝહર એસ. કાપડિયાને દોષિત ઠેરવી સજા ફટકારી છે. કોર્ટે કંપનીને રૂ.30 લાખનો દંડ કર્યો છે, જ્યારે બકુલ ઝવેરી અને મઝહર એસ. કાપડિયાને પાંચ વર્ષની રિગરસ ઇમ્પ્રિઝનમેન્ટની સજા સાથે રૂ.30-30 લાખનો દંડ ફટકાર્યો હોવાની માહિતી સૂત્રોએ આપી હતી.
સીબીઆઈ દ્વારા આ કેસમાં 15 માર્ચ 2000ના રોજ ફરિયાદ નોંધવામાં આવી હતી. કેસમાં નેશનલ સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન (એનએસઆઈસી), અમદાવાદના તત્કાલીન અધિકારીઓ વિરેન્દ્ર કુમાર સાવ્હની, રોહિત ધીંગરા અને રામ અવતાર અગ્રવાલ સહિત કુશલ ડાયમંડ્સ લિમિટેડના ડિરેક્ટરો સામે ગુનાહિત કાવતરું અને છેતરપિંડીના આક્ષેપો કરવામાં આવ્યા હતા.
તપાસ દરમિયાન પ્રકાશમાં આવ્યું હતું કે એનએસઆઈસી દ્વારા બિલ ડિસ્કાઉન્ટિંગ ફેસેલિટી અને રૉ મટિરિયલ આસિસ્ટન્સ સ્કીમ હેઠળ કુશલ ડાયમંડ્સ લિમિટેડને કુલ રૂ.2,34,85,081ની રકમ આપવામાં આવી હતી. આ રકમમાંથી અગાઉની બાકી રકમ સામે એડજસ્ટ કરાયેલી રકમ, ચેક અથવા ડિમાન્ડ ડ્રાફ્ટ મારફતે મળેલી ચુકવણી, વિદેશી ખરીદદાર પાસેથી મળેલી રકમ તથા અર્નેસ્ટ મની ડિપોઝિટની એડજસ્ટમેન્ટ સહિત કુલ રૂ.1,34,88,717ની રકમ એડજસ્ટ થઈ હતી.
આ તમામ એડજસ્ટમેન્ટ બાદ પણ 31 માર્ચ 1996ના રોજ કુશલ ડાયમંડ્સ લિમિટેડ પાસેથી રૂ.99,96,364ની રકમ બાકી રહી હતી. સીબીઆઈ મુજબ આ રકમ એનએસઆઈસીને થયેલા રૉંગફુલ લૉસ તરીકે દર્શાવવામાં આવી હતી.
તપાસ પૂર્ણ થયા બાદ સીઆઈઆઈએ 8 જાન્યુઆરી 2002ના રોજ આઠ આરોપી સામે ચાર્જશીટ દાખલ કરી હતી. તેમાં કુશલ ડાયમંડ્સ લિમિટેડ, તેના ત્રણ ડિરેક્ટરો બકુલ ઝવેરી, મઝહર એસ. કાપડિયા અને સુભાષ છન્નાણા તેમજ એનએસઆઈસીના ચાર અધિકારીઓ વિરેન્દ્ર કુમાર સાવ્હની, રોહિત ધીંગરા, રામ અવતાર અગ્રવાલ અને રાજેશ અરોરાનો સમાવેશ થતો હતો.
કેસની લાંબી સુનાવણી બાદ અમદાવાદની સીબીઆઈ કોર્ટે કંપની તથા બકુલ ઝવેરી અને મઝહર એસ. કાપડિયાને દોષિત ઠેરવી ઉપરોક્ત સજા ફટકારી છે. બીજી તરફ એનએસઆઈસીના જાહેર સેવક એવા વિરેન્દ્ર કુમાર સાવ્હની, રોહિત ધીંગરા, રામ અવતાર અગ્રવાલ અને રાજેશ અરોરાને કોર્ટે તેમની સામેના આરોપોમાંથી નિર્દોષ જાહેર કર્યા હતા.
આ કેસના અન્ય આરોપી અને કુશલ ડાયમંડ્સ લિમિટેડના ડિરેક્ટર સુભાષ છન્નાણાનું ટ્રાયલ દરમિયાન અવસાન થયું હતું, જેના પગલે તેમની સામેની કાર્યવાહી કોર્ટ દ્વારા અબેટ કરવામાં આવી હતી.