સ્થાનિક ચાંદીમાં રૂ. 12,608નો અને સોનામાં રૂ. 2749નો કડાકો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ ગત શુક્રવારે અમેરિકા મે મહિનાના જોબ ડેટા અપેક્ષા કરતાં મજબૂત આવવાની સાથે આજે મધ્ય પૂર્વનાં ભૂરાજકીય તણાવને કારણે ક્રૂડતેલમાં તેજી અને ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહેવાની સાથે અમેરિકી ટ્રેઝરીની યિલ્ડ પણ વધી આવતા લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ઘટીને બે મહિનાની નીચી સપાટીએ પહોંચ્યા હતા. તેમ જ ચાંદીમાં પણ ભાવઘટાડો આગળ ધપ્યો હતો. આમ વૈશ્વિક નિરુત્સાહી અહેવાલ સાથે સ્થાનિક ઝવેરી બજારમાં પણ ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. 12,608નો અને સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 2749નો કડાકો બોલાઈ ગયો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે મુખ્યત્વે ચાંદીમાં વૈશ્વિક નિરુત્સાહી અહેવાલે ભાવમાં ઘટાડાતરફી વલણ રહ્યું હતું. તેમ જ ભાવઘટાડાના માહોલમાં ઔદ્યોગિક વપરાશકારો અને જ્વેલરી ઉત્પાદકોની લેવાલી મર્યાદિત રહેતાં વેરારહિત ધોરણે ભાવ કિલોદીઠ રૂ. 12,608ના ઘટાડા સાથે રૂ. 2,44,300ના મથાળે રહ્યા હતા. તે જ પ્રમાણે સોનામાં પણ વિશ્વ બજાર પાછળ વેરારહિત ધોરણે 10 ગ્રામદીઠ 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ રૂ. 2738ના ઘટાડા સાથે રૂ. 1,50,882 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ રૂ. 2749ના ઘટાડા સાથે રૂ. 1,51,489ના મથાળે રહ્યા હતા. જોકે, સોનામાં ઘટ્યા મથાળેથી માત્ર રોકાણલક્ષી છૂટીછવાઈ માગ હતી, જ્યારે જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ નિરસ રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
અમેરિકાના ગત મે મહિનાના જોબ ડેટા બજારની અપેક્ષા કરતાં ઘણાં સારા આવ્યા હોવાથી તેમ જ વિશ્વ બજારમાં બે્રન્ટ ક્રૂડતેલના ભાવ વધી આવતા ફુગાવામાં થનારા અપેક્ષિત વધારાની ભીતિને ધ્યાનમાં લેતા અમેરિકી ફેડરલ રિઝર્વ લાંબા સમયગાળા સુધી વ્યાજદર જાળવી રાખે ગત શુક્રવારે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડાતરફી વલણ રહ્યા બાદ આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ વધુ 0.4 ટકા ઘટીને આૈંસદીઠ 4313.99 ડૉલર અને ઑગસ્ટ ડિલિવરી વાયદામાં ભાવ 0.6 ટકા ઘટીને 4340.90 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ વધુ 0.3 ટકા ઘટીને આૈંસદીઠ 67.60 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
ગત મે મહિનામાં અમેરિકામાં બજારની અપેક્ષા કરતાં વધુ 1,72,000 રોજગારોનો ઉમેરો થયો હોવાના નિર્દેશો અને અમેરિકી ટ્રેઝરીની યિલ્ડ વધી આવતા સોના અને ચાંદી સહિતની કિંમતી ધાતુઓના ભાવ દબાણ હેઠળ આવ્યા હોવાનું બાયબીટના ચીફ માર્કેટ એનાલિસ્ટ હૅન ટૅને જણાવ્યું હતું. નોંધનીય બાબત એ છે કે અમેરિકાના જોબ ડેટાની જાહેરાત પશ્ચાત સીએમઈ ફેડ વૉચ ટૂલ પર હવે બજાર વર્તુળો આગામી ડિસેમ્બર અંત આસપાસ વ્યાજદરમાં વધારો કરવામાં આવે તેવી 70 ટકા શક્યતા જોઈ રહ્યા છે, જ્યારે ગત સપ્તાહે બજાર વર્તુળો 45 ટકા શક્યતા વ્યક્ત કરી રહ્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર આજે ઈઝરાયલે ઈરાન પર હુમલા કરતાં ક્રૂડતેલના ભાવમાં બેરલદીઠ ચાર ડૉલર જેટલો વધારો થવાની સાથે ફુગાવામાં વધારાની ભીતિ પણ સપાટી પર આવતાં સોના-ચાંદીના ઘટાડાને ટેકો મળ્યો હતો. જોકે, હવે બજારની નજર આગામી બુધવારે જાહેર થનારા અમેરિકાના ક્નઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સના અને ગુરુવારે જાહેર થનારા પ્રોડ્યુસર પ્રાઈસ ઈન્ડેક્સના ડેટા પર સ્થિર થઈ હોવાનું સૂત્રોએ ઉમેર્યું હતું.