દિવ્યકાંત પંડ્યા
એક સમય હતો જ્યારે હોલિવૂડ માટે ભારત ખાસ મહત્ત્વનું માર્કેટ ગણાતું નહોતું. ફિલ્મ અહીં રિલીઝ થતી, બસ એટલું જ. પોસ્ટર આવી જાય, ટ્રેલર આવી જાય અને વાત પૂરી. સ્ટાર્સ અહીં પ્રમોશન માટે ખાસ આવતા નહોતા. ઘણી વાર અમેરિકામાં ફિલ્મ રિલીઝ થાય અને અહીં બે-ત્રણ અઠવાડિયા પછી આવે. ત્યારે લાગતું કે આપણે લિસ્ટમાં છેલ્લે છીએ, પણ હવે હોલિવૂડ ભારતને સિરિયસલી લે છે. અને આ બદલાવ છેલ્લાં થોડાં વર્ષોમાં જ આવ્યો છે.
પરિસ્થિતિ બદલાઈ રહી હતી, પણ ‘અવેન્જર્સ: એન્ડગેમ’ પછી બધાને ખાસ સમજાયું કે ભારતમાં પાવર છે. એ ફિલ્મ માટે અહીં જે ક્રેઝ હતો એ કોઈ સામાન્ય વાત નહોતી. સવારે 6 વાગ્યાના શો, લાંબી લાઈનો, ટિકિટના બ્લેક ... આ બધું આપણે જોયું.
સ્ટુડિયોઝને ક્લિયર મેસેજ ગયો કે જો ફિલ્મ ઇવેન્ટ જેવી હોય તો ભારતીય ઓડિયન્સ સંપૂર્ણ સપોર્ટ આપે છે. પછી ‘એવેટાર’ની બે સિક્વલ્સ આવી અને ફરી સાબિત થયું કે સ્કેલવાળી ફિલ્મ માટે લોકો થિયેટરમાં આવે છે. ઘણા અઠવાડિયા સુધી ફિલ્મ ચાલી. હવે ભારત ગ્લોબલ કલેક્શનનો ભાગ છે.
હવે રિલીઝ પેટર્ન જુઓ. પહેલાં અહીં ફિલ્મ મોડી આવતી. હવે મોટાભાગની મોટી હોલિવૂડ ફિલ્મ્સ અમેરિકા સાથે જ એ જ દિવસે અહીં રિલીઝ થાય છે. ‘સ્પાઇડર-મેન: નો વે હોમ’, ‘ડોક્ટર સ્ટ્રેન્જ’, ‘બ્લેક પેન્થર’, બધી સાથે જ રિલીઝ. કારણ સરળ છે. જો અહીં મોડું થશે તો પાયરસી થઈ જશે. લોકો ઑનલાઇન જોઈ લેશે. એટલે હવે સ્ટુડિયો પોતે જ ખાતરી કરે છે કે ભારત ફર્સ્ટ ટિયર માર્કેટ જેમ ટ્રીટ થાય.
ડબિંગમાં પણ મોટો ફેરફાર આવ્યો છે. હવે હિન્દી ડબ તો આવે જ છે, પણ સાથે તમિળ અને તેલુગુમાં પણ ફિલ્મ આવે છે. સાઉથ માર્કેટને હવે અવગણવામાં આવતું નથી. ‘ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ’ હોય કે ‘જુરાસિક વર્લ્ડ ડોમીનિયન’, ડબ વર્ઝનનો ફાયદો સ્પષ્ટ દેખાય છે. લોકો પોતાની ભાષામાં એક્શન અને વિઝ્યુઅલ્સનો આનંદ લે છે. હોલિવૂડ હવે સમજે છે કે ફક્ત અંગ્રેજી જાણનાર ઓડિયન્સ પર આધાર રાખીને ચાલશે નહીં.
માર્કેટિંગમાં પણ ફેરફાર દેખાય છે. ‘મિશન: ઇમ્પોસિબલ ડેડ રેકનિંગ’ વખતે ટોમ ક્રૂઝે ભારતીય મીડિયા સાથે ખાસ વાત કરી. આ પહેલાં આવું ઓછું જોવા મળતું. ‘ફ્રોઝન 2’ અને ‘ધ સુપર મારિયો બ્રધર્સ મૂવી’ જેવી એનિમેશન ફિલ્મ્સે અહીં પરિવાર ઓડિયન્સને ધ્યાનમાં રાખીને પ્રમોશન કર્યું.
પહેલાં હોલિવૂડ ફિલ્મ આવે એટલે સીધી જગ્યા મળી જતી. હવે એવું નથી. જો મોટી હિન્દી ફિલ્મ કે પેન-ઇન્ડિયા સાઉથ ફિલ્મ આવી રહી હોય તો હોલિવૂડ ડેટ બદલે છે. એ પણ હવે ભારતીય કેલેન્ડર જુએ છે, કારણ કે અહીંની ફિલ્મ્સ પણ હવે સ્કેલમાં મોટી છે. ‘બાહુબલી 2’ અને ‘આરઆરઆર’ પછી ભારતીય દર્શકને ભવ્યતા અહીં પણ મળી રહે છે.
સ્ટ્રીમિંગે પણ મોટી ભૂમિકા ભજવી છે. નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઇમ, ડિઝની+ આ બધાએ હોલિવૂડ ક્ધટેન્ટને બધે પહોંચાડ્યું. ‘સ્ટ્રેન્જર થિંગ્સ’, ‘સ્કવીડ ગેમ’ જેવી સિરીઝ ભારતભરમાં લોકપ્રિય થઈ. જ્યારે લોકો ઘરે અમેરિકન શો જુએ છે, ત્યારે થિયેટરમાં આવતી ફિલ્મ માટે પણ એ વધુ તૈયાર હોય છે.
આઈમેક્સ સ્ક્રીન્સનું વધતું નેટવર્ક પણ મહત્ત્વનું છે. ‘ડ્યુન: પાર્ટ ટુ’ અને ‘ઓપનહાઇમર’ જેવી ફિલ્મ્સ માટે લોકો ખાસ આઈમેક્સમાં ગયા. પહેલા એવું નહોતું. મોટા સ્ટુડિયો હવે ભારતમાં પોતાની પકડ મજબૂત કરવા માંગે છે. ડિઝનીએ સ્ટાર ઈન્ડિયા ખરીદી પછી પરિસ્થિતિ જ બદલી નાખી. ડિઝની+ હોટસ્ટારના (હવે જિયો હોટસ્ટાર) કારણે માર્વેલ અને બીજા હોલિવૂડ બ્રાન્ડ્સ સીધા ઘર સુધી પહોંચી ગયા.
એ છતાં ભારત એકસરખું માર્કેટ નથી. મુંબઈ, દિલ્હી, બેંગલુરુ જેવાં મોટાં શહેરોમાં હોલિવૂડ ફિલ્મ્સ સરળતાથી ચાલે છે. પણ નાનાં શહેરોમાં હજી પણ ફક્ત મોટી એક્શન કે સુપરહીરો ફિલ્મ જ કામ કરે છે. સામાન્ય ડ્રામા ફિલ્મને ત્યાં એટલો રિસ્પોન્સ મળતો નથી. એટલે સ્ટુડિયો હવે સમજવા લાગ્યા છે કે દરેક શહેર માટે અલગ વિચારવું પડે. ક્યાં વધારે શો મૂકવા, ક્યાં ડબ વર્ઝન પર ભાર આપવો, આ બધું હવે ગણતરીથી થાય છે.
ફેન કલ્ચર પણ હવે વધ્યું છે. કોમિક કોન જેવી ઇવેન્ટ્સમાં યુવાઓ માર્વેલ કે ડીસી પાત્રોના કપડાં પહેરીને આવે છે.
સુપરહીરો ફિલ્મ રિલીઝ થાય ત્યારે મિડનાઈટ શો હાઉસફુલ થાય છે. આ ક્રેઝ પહેલા ઓછો હતો. એક મોટું કારણ ચીન માર્કેટનું અનિશ્ચિત થવું પણ છે. પહેલા ઘણા હોલિવૂડ બ્લોકબસ્ટર માટે ચીન મોટી કમાણી આપતું. હવે ત્યાં રેગ્યુલેશન અને પોલિટિકલ પરિસ્થિતિને કારણે અનિશ્ચિતતા છે. આવી સ્થિતિમાં ભારત સ્થિર અને વધતું માર્કેટ લાગે છે. યુવા વસતિ મોટી છે. મલ્ટિપ્લેક્સ ચેઇન્સ ટિયર-2 શહેરોમાં ફેલાઈ રહી છે. આ લાંબા ગાળે સ્ટુડિયોઝ માટે આકર્ષક છે.
સાચી વાત એ છે કે હોલિવૂડ હવે ભારતને ગંભીરતાથી ગણે છે. રિલીઝ ડેટ, ડબિંગ, માર્કેટિંગ, પ્રીમિયમ સ્ક્રીન્સ બધું જ પ્લાનિંગ સાથે થાય છે. ભારતીય ઓડિયન્સ પણ ગ્લોબલ ફિલ્મ્સ વિશે અપડેટેડ છે. અમદાવાદ કે મુંબઈનો યુવાન ‘ડ્યુન’ કે ‘ધ બેટમેન’ વિશે એટલી જ ચર્ચા કરે છે જેટલી અમેરિકામાં થાય છે.
લાસ્ટ શોટ
‘ઓપનહાઇમર’ કોઈ માસ એક્શન ફિલ્મ નહોતી. છતાં ભારતમાં તેને જબરદસ્ત રિસ્પોન્સ મળ્યો હતો.