Sun May 31 2026

Logo

ગિફ્ટ સિટીમાં કરોડોના રોકાણ કૌભાંડમાં કૉંગ્રેસ પ્રમુખ સહિત બેની ધરપકડ

2026-05-23 14:09:00
Author: Mayur Kumar Patel
Article Image

ગાંધીનગરઃ  ગિફ્ટ સિટીમાં ઓફિસ ધરાવતી એક કંપનીએ રૂ. 100 કરોડની છેતરામણી કર્યાની ઘટના બહાર આવી હતી. અહીં શૂટસ્પેસ ડિજિટલ પ્રા. લિમિટેડ નામની કંપનીએ ઊંચુ વળતર આપવાની લાલચે હજારો રોકાણકારોને છેતર્યા હોવાની ફરિયાદો થઈ હતી. આ અંગે 13 રોકાણકારોએ ફરિયાદ નોંધાવી હતી. આ મામલે પોલીસે અરવલ્લી જિલ્લા કૉંગ્રેસ પ્રમુખ અરૂણ વીરચંદભાઈ પટેલ અને સચિન અમૃતભાઈ પટેલની ધરપકડ કરી હતી. જ્યારે કૌભાંડનો માસ્ટર માઈન્ડ ઉત્પલ પટેલ વિદેશ ભાગી ગયો હોવાનું સામે આવ્યું હતું. આ મામલે SITની રચના કરીને તપાસનો ધમધમાટ શરૂ કરાયો હતો.

આ રીતે લોકોનો જીત્યો હતો વિશ્વાસ

શૂટસ્પેસ ડિજિટલ કંપનીએ લોકોને  બેંકો કરતાં વધુ વ્યાજ અને ડિવિન્ડ કરતાં પણ વધારે નફો તથા વિદેશ પ્રવાસની ઓફરો આપીને વિશ્વમાં લીધા હતા.  રોકાણના બદલામાં લગભગ 5 ટકા માસિક વળતરનું વચન આપવામાં આવ્યું હતું. કંપની પાસે ડેટા સ્ટોરેજ માટે જરૂરી ક્ષમતાના સર્વર ન હોવા છતાં 48 મહિનાની મુદતના ખોટા ડિજિટલ કરાર કરીને નાણાં મેળવાયા હતા. જે અંગે 13 રોકાણકારોએ સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી. જે બાદ કૌભાંડમાં સામેલ સાથીદાર કંપની ક્લાઉડજી ડિજિટલના બોર્ડ ઓફ ડાયરેક્ટર અને અરવલ્લી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અરૂણ વીરચંદભાઈ પટેલ તથા ઝોનલ મેનેજર આરોપી સચિન અમૃતભાઈ પટેલની ધરપકડ કરવામાં આવી હતી.

માસ્ટરમાઈન્ડ સામે જાહેર થઈ શકે છે લુકઆઉટ નોટિસ

આ ઉપરાંત પોલીસ દ્વારા કૌભાંડના માસ્ટર માઈન્ડ ઉત્પલ પટેલની ટેકનિકલ સોર્સથી વિગત મેળવવાની કવાયત હાથ ધરી હતી. ટૂંક સમયમાં જ તેના વિરુદ્ધ લુકઆઉટ નોટિસ પણ બહાર પાડવામાં આવે તેવી શક્યતા છે. 

બેંકો પાસેથી લીધી હતી લોન

તપાસ દરમિયાન સામે આવેલી વિગત પ્રમાણે, આ કંપનીએ રાષ્ટ્રીયકૃત બેંકો પાસેથી મોટી રકમની લોન પણ મેળવી હતી.  બેંક લોન દ્વારા લક્ઝુરિયસ કાર ખરીદવામાં આવી હોવાના પુરાવા પણ મળ્યા હતા. તેમજ રોકાણકારોના રૂપિયાથી મોડાસા અને રાજસ્થાનમાં જમીન તથા બે મોટા વૈભવી રહેણાંક બંગલો પણ વસાવવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

5000થી વધુ લોકો ભોગ બન્યાની આશંકા

5000થી વધુ લોકો આનો ભોગ બન્યા હોવાની આશંકા છે. જેમાં માત્ર ગુજરાતના જ નહીં, પરંતુ જમ્મુ-કાશ્મીર સહિત અન્ય રાજ્યોના રોકાણકારોનો પણ સમાવેશ થાય છે. મધ્યમવર્ગીય અને ઉચ્ચ મધ્યમવર્ગીય પરિવારના રોકાણકારોએ રૂ. 5 લાખથી 3 કરોડ સુધીનું રોકાણ આ ફર્મમાં કર્યું હતું.