Tue Aug 18 2026

Logo

ઘાટકોપર મૃત્યુઆંક વધીને આઠ થયો: બચાવ કામગીરી ૩૦ કલાકથી વધુ ચાલી

2026-08-14 08:43:00
Author: Sapna Desai
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:  ઘાટકોપર પશ્ર્ચિમના અશોક નગરમાં બુધવારે વહેલી સવારના થયેલા ભૂસ્ખલનમાં ગુરુવારે કાટમાળમાંથી ૨૮ વર્ષીય વ્યક્તિનો મૃતદેહ મળ્યા બાદ મૃત્યુઆંક વધીને આઠ થયો હોવાનું અધિકારીએ જણાવ્યું હતું. ઘટનાના એક દિવસ બાદ રેસ્ક્યૂ ઓપરેશન દરમ્યાન કાટમાળ હેઠળથી મળી આવેલા મૃતકની ઓળખ સદ્દામ વઝીર અલી ખાન તરીકે થઈ છે, જે બુધવારે સવારે ૩.૩૮ વાગ્યાની આસપાસ ભૂસ્ખલન થયા બાદ કાટમાળ નીચે ફસાયેલા લોકોમાંનો એક હતો.

બુધવારે મળસ્કે ચિરાગ નગરમાં ગૌશિયા ચાલમાં ભેખડ ધસી પડવાને કારણે બુધવાર સુધીનો મૃત્યુઆંક સાત થયો હતો, જેમાં ગુરુવારે વધુ એક મૃતદેહ મળી આવ્યો હતો. તો હૉસ્પિટલમાં હજી પણ જખમીઓ પર સારવાર ચાલી રહી છે ત્યારે ગુરુવારે પણ સતત વરસાદ વચ્ચે બચાવ કામગીરી ચાલુ રાખવામાં આવી હતી, એ દરમ્યાન કાટમાળ હેઠળથી સદ્દામનો મૃતદેહ મળી આવ્યો હતો.

સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ મૃતક સદ્દામ  ખાન વિકેત યાદવનો મિત્ર હતો, જેનું પણ આ ઘટનામાં મૃત્યુ થયું હતું. દુર્ઘટના સમયે બંને વિકેત યાદવના જન્મદિવસની ઉજવણી કરી રહ્યા હતા ત્યારે તેઓ સાથે હતા. ગુરુવારે શોધખોળ દરમિયાન ખાનનો મૃતદેહ મળી આવ્યો હતો, જ્યારે બચાવ ટીમો કાટમાળમાંથી બહાર કાઢવાનું ચાલુ રાખ્યું હતું. અધિકારીઓએ જણાવ્યું કે તેનો મૃતદેહ મોટા પથ્થરોમાં ફસાઈ ગયો હતો, જેના કારણે તેને બહાર કાઢવામાં અડચણ આવી હતી. લાંબા સમય સુધી ચાલેલા ઓપરેશન બાદ આખરે તે મળ્યો હતો અને તેને રાજાવાડી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.

ઘાટકોપરમાં ચોમાસાની ફરજ માટે પૂર્વ-તૈયાર કરાયેલી નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ)ની  ટીમોને ભેખડ ધસી પડવાની દુર્ઘટના બાદ તરત બચાવ કામગીરી માટે મોકલવામાં આવી હતી. એનડીઆરએફના અધિકારીના જણાવ્યા મુજબ સ્થાનિક લોકો સદ્દામ ખાન ગુમ હોવાનું સતત કહી રહ્યા હતા તેથી ગુરુવારે સવારે શોધ કામગીરી વધુ તીવ્ર બનાવી દીધી હતી. જોકે એક વિશાળ પથ્થરને કારણે કામગીરી ધીમી પડી ગઈ હતી. પથ્થરને હટાવવા દરમ્યાન તેના નીચેથી  ખાનનો મૃતદેહ આખરે મળી આવ્યો હતો.

 સતત વરસાદને કારણે વિશાળ પથ્થર તોડવો  પડકારજનક રહ્યું હતું. જગ્યા સાંકડી હોવાથી ક્રેશ સાઈટની અંદર મશીનરી જવી મુશ્કેલ હતી. તેથી   પથ્થરને મેન્યુઅલી તોડવો પડ્યો હતો. એટલું જ નહીં પણ આ મોટો પથ્થર પણ  ખૂબ જ અસ્થિર હતો અને તેથી ગમે ત્યારે તે પડી જવાનો ડર પણ હતો અને તેને કારણે એનડીઆરએફની ટીમના સભ્યો માટે પણ જોખમ ઊભું થયું હતું. ડોગ જેસી સાથેની ટીમે લગભગ ૩૦ કલાક સુધી પાલિકા અને મુંબઈ ફાયર બ્રિગેડ સાથે સંયુક્ત રીતે કાટમાળ હેઠળથી શોધવાનું અને કાટમાળ દૂર કરવાની કામગીરી ચાલી હતી.

પાલિકાના અધિકારીના જણાવ્યા મુજબ ગુરુવારે બપોરે ૧.૨૫ વાગ્યે જ શોધ કામગીરી બંધ કરવામાં આવી હતી. દુર્ઘટના સ્થળની સંપૂર્ણ તપાસ કરવામાં આવી હતી અને કાટમાળ નીચે વધુ કોઈ પીડિત ફસાયેલા નથી તેની બચાવ ટીમોને ખાતરી થયા પછી જ કામગીરી બંધ કરવામાં આવી હતી.

આ દરમ્યાન વરસાદ સતત ચાલુ હોવાને કારણે તેમ જ આ દુર્ઘટના બાદ તકેદારીના પગલારૂપે પાલિકાએ સાઈટની આજુબાજુમાં રહેલા  ઝૂંપડીઓના રહેવાસીઓને પણ ત્યાંથી હટાવી દીધા હતા અને તેમના માટે કામચલાઉ રહેઠાણની વ્યવસ્થા કરી આપવામાં આવી હોવાનું પાલિકાના અધિકારીએ જણાવ્યું હતું.