Thu Jun 18 2026

Logo

સંજુ સેમસન માટે ગૌતમ ગંભીરે તોડ્યું મૌન, કહ્યું પાવરપ્લેમાં જ મેચ...

2026-03-15 19:03:34
Author: Mumbai Samachar Team
Article Image

નવી દિલ્હીઃ ભારતીય ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીરે જણાવ્યું હતું કે જ્યારે સંજૂ સેમસન ફોર્મમાં હોય છે ત્યારે તે પાવરપ્લેમાં જ વિરોધી ટીમ પાસેથી મેચ છીનવી શકે છે. આઈસીસી મેન્સ ટી-20 વર્લ્ડ કપના અંતિમ તબક્કામાં સંજૂએ શાનદાર પ્રદર્શન કર્યું. તેણે સેમિફાઇનલ અને ફાઇનલમાં વિસ્ફોટક અડધી સદી ફટકારી ભારતને રેકોર્ડ ત્રીજી વખત ટાઇટલ જીતવામાં મદદ કરી હતી. અભિષેક શર્મા અને સેમસને ફાઇનલમાં પાવરપ્લેમાં 92 રન કર્યા હતા, જેનાથી મેચ ન્યૂઝીલેન્ડ પાસેથી છીનવાઈ ગઈ હતી.

ગંભીરે કહ્યું હતું કે અમે જાણીએ છીએ કે સંજૂ શું કરી શકે છે. તેની પ્રતિભા અને વિસ્ફોટક બેટિંગ પર ક્યારેય કોઈ શંકા નહોતી. જો તે લયમાં હોય તો તે પ્રથમ છ ઓવરમાં મેચ જીતાડી શકે છે. વર્લ્ડ કપ પહેલા ન્યૂઝીલેન્ડ સામે સેમસનનું પ્રદર્શન નબળું હતું અને તેથી તેને આઈસીસી ટૂર્નામેન્ટની શરૂઆતની મેચોમાં પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરવામાં આવ્યો ન હતો.

પરંતુ જ્યારે ઝિમ્બાબ્વે સામેની કરો યા મરો મેચમાં તક આપવામાં આવી ત્યારે સેમસન ફોર્મમાં પરત ફર્યો અને તેણે 15 બોલમાં 24 રન કર્યા અને ત્યાર બાદ આગામી ત્રણ મેચમાં અનુક્રમે 97, 89 અને 89 રન કર્યા હતા.  

ગંભીરે કહ્યું હતું કે, "મેં તેને જીમમાં આ કહ્યું. વાસ્તવમાં અમે સાથે ટ્રેનિંગ લઈ રહ્યા હતા અને મેં તેને કહ્યું કે તું ઝિમ્બાબ્વે સામે રમશે અને તેણે કહ્યું, 'ઠીક છે.' અમારી વાતચીત અનૌપચારિક હોય છે. તે મુખ્ય કોચ અને ખેલાડી વચ્ચેના સંબંધ જેવી નથી. તે એક એવો સંબંધ છે જ્યાં અમારી મોટા ભાગની સામ-સામે વાતચીત પ્રેક્ટિસ સત્રો દરમિયાન થાય છે.

સેમસનની ગેરહાજરીમાં ભારતના ટોચના ક્રમમાં ઇશાન કિશન, અભિષેક શર્મા અને તિલક વર્મા જેવા ત્રણ ડાબા હાથના બેટ્સમેન હતા, પરંતુ ગંભીરે ભારપૂર્વક કહ્યું કે પ્લેઇંગ ઇલેવનમાં સેમસનનો સમાવેશ કરવાનો નિર્ણય ડાબા હાથના બેટિંગ કોમ્બિનેશનને તોડવા માટે નહીં, પરંતુ ટીમને વધુ આક્રમક શક્તિ આપવા માટે લેવામાં આવ્યો હતો.

તેણે કહ્યું હતું કે, "મને ખબર છે કે ઘણા લોકો આ વિચાર વિશે વાત કરશે કે અમે ટોચના ક્રમમાં ત્રણ ડાબા હાથના બેટ્સમેનોના કોમ્બિનેશનને તોડવા માંગીએ છીએ, પરંતુ એવું બિલકુલ નથી. અમે ફક્ત વધુ આક્રમક બનવા માંગતા હતા. છેલ્લા દોઢ વર્ષથી અમારી માનસિકતા મેદાન પર જવાની અને શક્ય તેટલું આક્રમક બનવાની રહી છે."

ગંભીરે કહ્યું હતું કે સંજૂને ટીમમાં લાવવાનું કારણ બીજા છેડેથી ઓફ-સ્પિનરને નિયંત્રિત કરવાનું નહોતું, પરંતુ તે જોવાનું હતું કે શું આપણે પ્રથમ છ ઓવરમાં વધુ આક્રમક બની શકીએ છીએ. અભિષેક ટુર્નામેન્ટની પ્રથમ ત્રણ મેચમાં પોતાનું ખાતું પણ ખોલાવી શક્યો ન હતો પરંતુ ત્યાર બાદ તેણે બે અડધી સદી ફટકારી જેમાં ફાઇનલમાં અડધી સદીનો પણ સમાવેશ થાય છે.

ગંભીરે કહ્યું હતું કે આઈપીએલ 2014માં મારો અનુભવ વધુ ખરાબ હતો જ્યારે હું સતત ચાર મેચમાં શૂન્ય પર આઉટ થયો હતો. મેં તેને ફક્ત એટલું જ કહ્યું હતું કે લોકો તમારો સ્કોર જોશે અને તમારા ફોર્મ વિશે વાત કરશે પરંતુ વાસ્તવમાં તમે ખરાબ ફોર્મમાં નથી તમે ફક્ત રન કરી રહ્યા નથી.