Tue Aug 25 2026

Logo

ગૌતમ ગંભીર કેમ બેને બદલે ત્રણ ટેસ્ટવાળી સિરીઝની તરફેણમાં છે?

Colombo   2026-08-22 17:35:09
Author: Ajay Motiwala
ગૌતમ ગંભીર કેમ બેને બદલે ત્રણ ટેસ્ટવાળી સિરીઝની તરફેણમાં છે?

PTI


કોલંબોઃ શ્રીલંકા સામેની બે ટેસ્ટની સિરીઝમાં ભારત 1-0થી અપરાજિત સરસાઈમાં આવી ગયું છે અને રવિવારે બીજી અને અંતિમ ટેસ્ટ શરૂ થાય એ પહેલાં હેડ-કોચ ગૌતમ ગંભીર (Gautam Gambhir)એ એવું મંતવ્ય આપ્યું છે જેનાથી ભારત સહિત ઘણા દેશોના ક્રિકેટ બોર્ડ વિચારવા મજબૂર થઈ જશે. ગંભીરે કહ્યું છે કે `બે નહીં, પણ ત્રણ ટેસ્ટની સિરીઝ હોવી જોઈએ, કારણકે બે મૅચવાળી શ્રેણીની પહેલી ટેસ્ટ (Test)માં જે ટીમ હારી જાય એના ખેલાડીઓ પર વધારાનું અને બિનજરૂરી માનસિક દબાણ આવી જતું હોય છે.'

ગંભીરે રવિવારની ટેસ્ટ પહેલાંની પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે `બે નહીં, પણ ત્રણ ટેસ્ટની સિરીઝ હોવી જોઈએ કે જેથી પ્રથમ ટેસ્ટ હારી જનારી ટીમને શ્રેણીમાં કમબૅક કરવાનો મોકો મળી શકે. સિરીઝ જો બે ટેસ્ટની હોય તો પ્રથમ ટેસ્ટ હારી જનારી ટીમને સિરીઝ જીતવાનો મોકો જ ન મળે. એ ટીમ બહુ બહુ તો શ્રેણી ડ્રૉ કરાવી શકે.'

ગંભીરે પચીસ વર્ષ પહેલાંની વાત યાદ કરતા કહ્યું, `મને બરાબર યાદ છે, 2001માં ઑસ્ટ્રેલિયા સામેની સિરીઝમાં ભારત પહેલી ટેસ્ટ હારી ગયું એમ છતાં છેવટે કમબૅક કરી શક્યું હતું અને એ શ્રેણી 2-1થી જીતી ગયું હતું.'

ગૌતમ ગંભીરે શ્રીલંકા સામેની પ્રથમ ટેસ્ટમાં કુલ 10 વિકેટ લેનાર નવા લેફ્ટ-આર્મ સ્પિનર માનવ સુથાર અને પહેલા દાવમાં 167 રન બનાવીને વિજયનો પાયો નાખનાર ટૉપ-ઑર્ડરના બૅટ્સમૅન અને મૅન ઑફ ધ મૅચ દેવદત્ત પડિક્કલના ખૂબ વખાણ કર્યા હતા અને યશસ્વી જયસ્વાલ વારંવાર કટ શૉટમાં વિકેટ ગુમાવી રહ્યો છે એ વિશે પૂછવામાં આવતાં કહ્યું,

`હું જો ખેલાડીઓને અમુક પ્રકારના શૉટ રમવા પર નિયંત્રણ મૂકું અથવા તેમની વિકેટ વિશે તેમ જ તેમના શૉટ વિશે ચર્ચા કરતો રહું તો તેઓ રન કેવી રીતે બનાવશે? હા, હું તેને અમુક પ્રકારના શૉટ રમવામાં સુધારો કરવાનું જરૂર કહી શકું. ઉદાહરણ તરીકે, જો કોઈ બૅટ્સમૅન પુલ શૉટ મારવા જતાં આઉટ થઈ જતો હોય તો હું તેને પુલ શૉટ ફરી ન મારવાનું કહેવાને બદલે એમાં કેવી રીતે સુધારો લાવવો એની સલાહ જરૂર આપી શકું.'

દરમ્યાન કોલંબોમાં શનિવારે મેદાન પર ગૌતમ ગંભીરની બૅટિંગ-કોચ સિતાંશુ કોટક, કેપ્ટન શુભમન ગિલ અને ચીફ સિલેકટર અજિત આગરકર સાથે ઘણી ચર્ચા થઈ હતી.