Thu Jun 18 2026

Logo

ભારતની જીત બાદ ધોની-ગંભીર વચ્ચે વર્ષો જૂની 'તકરાર'નો અંત? માહીની પોસ્ટ પર ગંભીરની કમેન્ટ

2026-03-09 15:22:56
Author: Savan Zalariya
Article Image

અમદાવાદ: ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026 ની ફાઇનલ દરમિયાન ભારતીય ટીમનો પૂર્વ કેપ્ટન એમ એસ ધોની હાજર રહ્યો હતો. ભારતની જીત બાદ તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ટીમને અભિનંદન પાઠવ્યા હતાં, આ પોસ્ટમાં તેણે ટીમના કોચ ગૌતમ ગંભીર માટે એક ખાસ મેસેજ આપ્યો હતો, હવે ગૌતમ ગંભીરે તેનો જવાબ આપ્યો છે, સોશિયલ મીડિયા પર આ બંને ભૂતપૂર્વ દિગ્ગજો વચ્ચે મિત્રતાનાં સ્પર્શ વિષે ચર્ચા થઇ રહી છે.

નોંધનીય છે કે એમ એસ ધોની અને ગૌતમ ગંભીરે ભારતીય ટીમને ICC મેન્સ ODI વર્લ્ડ કપ 2011માં ચેમ્પિયન બનાવવામાં મહત્વનો ફાળો આપ્યો હતો. શ્રીલંકા સામેની ફાઇનલ મેચમાં ગંભીરે 97 રનની ઇનિંગ રમી હતી, જ્યારે એમ એસ ધોનીએ અણનમ 91 રનની ઇનિંગ રમી જતી. એમ એસ ધોનીએ સિક્સર ફટકારીને ભારતને જીત અપાવી હતી, ધોનીની આ આઇકોનિક સિક્સરની હજુ પણ ચર્ચા ચર્ચા થતી રહે છે, 

ક્રિકેટ ફેન્સ ફાઇનલ મેચ જીતાડવાનો શ્રેય ધોનીને આપતા રહે છે, જ્યારે ગંભીરની મહત્વપૂર્ણ 97 રનની ઇનિંગ સાઈડ લાઈન થઇ ગઈ. એક ઈન્ટરવ્યુંમાં ગંભીરે નારજગી વ્યક્ત કરી હતી, તેણે કહ્યું હતું કે એક સિક્સરથી વર્લ્ડ કપ ન જીતી શકાય. ધોની અને ગંભીર ક્યારેય જાહેરમાં સાથે દેખાયા ન હતાં. 

ધોનીની ઈન્સ્ટાગ્રામ પોસ્ટ:

ગઈ કાલે રવિવારે અમદાવાદમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે T20 વર્લ્ડ કપ 2026 ની ફાઇનલમાં ધોનીએ હાજરી આપી. ટીમની જીત બાદ એમ એસ ધોનીએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી ટીમને અભિનંદન પાઠવ્યા અને કેપ્શનમાં ટીમના હેડ કોચ ગૌતમ ગંભીર માટે એક ખાસ મેસેજ પણ લખ્યો.

એમ એસ ધોનીએ લખ્યું, “અમદાવાદમાં ઇતિહાસ રચાયો, ટીમ અને સપોર્ટ સ્ટાફ અને વિશ્વભરમાં ભારતીય ક્રિકેટ ટીમના તમામ ચાહકોને ખૂબ ખૂબ અભિનંદન. ટીમને રમતા જોઈને ખૂબ આનંદ થયો. કોચ સાહેબના ચહેરા પર સ્મિત ખૂબ જ સુંદર લાગી રહી છે, સ્મિત સાથે જુસ્સાનું એક અદ્ભુત સંયોજન છે, ખૂબ જ સરસ.”

ગંભીરે ધોનીની ટિપ્પણીનો ટૂંકો જવાબ આપતા લખ્યું, "અને સ્મિતનું કારણ પણ કેટલું અદ્ભુત છે, તમને જોઈને આનંદ થયો."