અમદાવાદ: ભૂતપૂર્વ ઓપનિંગ બૅટ્સમૅન અને ટીમ ઇન્ડિયાના હેડ-કોચ ગૌતમ ગંભીરે (Gautam Gambhir) વર્લ્ડ કપમાં ભારતે તેના કોચિંગમાં રવિવારે મેળવેલી મહાન સિદ્ધિ ચાર મોટી હસ્તીને અર્પણ કરી છે.
છેલ્લા બે વર્ષથી (ખાસ કરીને ટેસ્ટ ફોર્મેટમાં ભારતીય ટીમના ખરાબ પર્ફોર્મન્સને કારણે) ગંભીરની ખૂબ ટીકા થતી હતી, પરંતુ રવિવારે ભારતીય ટીમે ટી-20 વર્લ્ડ કપની ટ્રોફી ત્રીજી વખત જીતી લીધી એ સાથે હવે ગંભીરની ગણતરી રાહુલ દ્રવિડની જેમ ઉચ્ચ સ્તરના હેડ-કોચ તરીકે થવા લાગી છે.
ખુદ ગૌતમ ગંભીરે આ ઉપલબ્ધિ રાહુલ દ્રવિડને, બીસીસીઆઈની બેંગલૂરુ-સ્થિત ક્રિકેટ ઍકેડેમીના ચીફ વીવીએસ લક્ષ્મણને, ચીફ સિલેકટર અજિત આગરકરને તેમ જ બીસીસીઆઈના ભૂતપૂર્વ સેક્રેટરી અને આઈસીસી ચેરમૅન જય શાહને ડેડિકેટ (Dedicate) કરી છે.
ગૌતમ ગંભીરે રવિવારે ઐતિહાસિક વિજય બાદ પત્રકારોને કહ્યું હતું કે ‘મારી અને ટીમ ઇન્ડિયાની આ અપ્રતિમ સફળતામાં આ ચાર દિગ્વજોનું મોટું યોગદાન છે.'
ભારતે રવિવારે ફાઇનલમાં ન્યૂ ઝીલૅન્ડને 96 રનથી હરાવી દીધું હતું. ભારત ટી-20નો વર્લ્ડ કપ ત્રીજી વખત જીતનાર પ્રથમ દેશ બન્યો છે. આ ટાઈટલ બૅક-ટુ-બૅક જીતનાર પણ ભારત પહેલો દેશ છે અને આ ફોર્મેટનો વિશ્વ કપ યજમાન દેશ જીત્યો હોય એવું પણ પહેલી વાર બન્યું છે.
ગંભીરે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ‘બે વર્ષ પહેલાં રાહુલ દ્રવિડે ટીમ ઇન્ડિયા મને બહુ સારી સ્થિતિમાં સોંપી હતી તેમ જ લક્ષ્મણે બેંગ્લૂરુ-સ્થિત સેન્ટર ઑફ એકસેલન્સમાં ટીમ ઇન્ડિયાના તેમ જ ઊભરતા ખેલાડીઓને તૈયાર કરવામાં જે ભૂમિકા ભજવી છે એ લાજવાબ છે. હું સૌથી પહેલાં આ ટ્રોફી રાહુલભાઈને ડેડિકેટ કરવાનું પસંદ કરીશ. લક્ષ્મણે પણ આ સફળતા મેળવવાના મિશન માટે બિહાઈન્ડ ધ ડોર્સ સતત ભૂમિકા ભજવી હતી એટલે તેઓ પણ આ ટ્રોફી માટે એટલા જ હકદાર છે. અજિત આગરકરે સિલેક્શનની બાબતમાં ઘણી ટીકાઓ સહન કરી હતી, પરંતુ તેની નિષ્ઠાને દાદ દેવી પડે.'

ગૌતમ ગંભીરે જય શાહની બાબતમાં કહ્યું હતું કે ‘બે વર્ષના મારા કોચિંગના સમયગાળા દરમ્યાન હું ખાસ કરીને ન્યૂ ઝીલૅન્ડ અને સાઉથ આફ્રિકા સામેની સિરીઝના પરાજય વખતે હતાશ હતો ત્યારે ખાસ તો કોઈએ પણ મને હિંમત અપાવવા મારો સંપર્ક નહોતો કર્યો, પરંતુ જય શાહે મને કૉલ કરીને મારો આત્મવિશ્વાસ વધાર્યો હતો. અગાઉ મને ક્યારેય હેડ-કોચ તરીકેનો અનુભવ નહોતો એમ છતાં જય શાહે મારામાં સતત વિશ્વાસ જાળવી રાખ્યો એ બદલ હું તેમનો ખૂબ ખૂબ આભારી છું. હું એવું માનું છું કે આ ચાર હસ્તીઓ જ્યાં સુધી વહીવટમાં સક્રિય રહેશે ત્યાં સુધી ભારતીય ક્રિકેટ સલામત છે.'

હેડ-કોચ ગૌતમ ગંભીરે કેપ્ટન સૂર્ય કુમાર યાદવ તેમ જ ભારતીય ટીમના તમામ ખેલાડીઓના પણ ખૂબ વખાણ કર્યા હતા. તેણે કહ્યું હતું કે ‘આઈસીસીની સર્વોત્તમ ટૂર્નામેન્ટની સેમિ ફાઇનલ અને ફાઇનલમાં 250-પ્લસ રન કરવા એ જ બાહોશ ભારતીય ટીમની ગજબની હિંમત દર્શાવે છે.'