Sun Jul 26 2026

Logo

સર્જકના સથવારે: શ્રદ્ધા જ મારી લઈ ગઈ મંઝિલ ઉપર મને રસ્તો ભૂલી ગયો તો દિશાઓ ફરી ગઈ

2026-07-26 09:14:00
Author: Ramesh Purohit
Article Image

 

 

 

 

ગુજરાતી ગઝલનો શાશ્ર્વત અવાજ ગની દહીંવાળા

 

- રમેશ પુરોહિત

 

ગની દહીંવાળા

 

ગતાંકથી શરૂ

 

ગુજરાતી ગઝલની લગભગ 150 વર્ષની અવિરત સફરમાં આપણને સશક્ત સર્જકો મળ્યા છે અને ગઝલ વધારે ને વધારે નીખરતી રહી છે. આાવા શાશ્ર્વતીને વરેલા સર્જક ગનીભાઈ દહીંવાળાના પ્રદાનની નોંધ જોઈએ એટલી નહીં લેવાઈ હોવાનો એક મત છે.

ગઝલમાં ઘણું બધું અનિવાર્ય છે અને તમામ જરૂરિયાતોના લેખા-જોખા થઈ શકે નહીં. ગઝલમાં અલંકારો અને પ્રતીકોનો યોગ્ય વિનિયોગ, કથનની તાજગી, નાવીન્ય, નાદસૌન્દર્ય અને સુંદર કલાત્મક ચિત્ર સર્જન અનિવાર્ય છે. શરૂઆતમાં ઉર્દૂ-ફારસીની  ઓથ લઈને ગઝલે પગરણ માંડ્યા, પણ ફૂલ ફાલી હોય તે ગુજરાતીમાં જ. બાલાશંકર કંથારિયા જેવા કવિઓએ ગુજરાતીમાં શ્રીગણેશ કર્યા અને સદ્નસીબે એક ખમતીધર પેઢી આવી અને ગઝલનાં રંગરૂપ ધીરેધીરે બદલાતાં ગયાં. આ બધા પાયાના પત્થારમાં ભાઈશ્રી ગની દહીંવાળાનું પ્રદાન નોંધનીય છે.

 

1942-45ના ગાળામાં રાંદેરમાં મુસ્લિમ ગુજરાત સાહિત્ય મંડળની સ્થાપના થઈ. અમીન આઝાદ, ઝાર રાંદેરી, સીરતી શેખ ચલ્લી, બેકાર અને આસિમ રાંદેરી, રતિલાલ અનિલ વગેરેએ મોગલ તહેઝીબના મુશાયરાથી આ શરૂઆત કરી.

 

ગઝલના છંદ શાસ્ત્રના ઉસ્તાદ દીવાન બહાદુર ઝવેરી હતા. એમણે ગુજરાતી ગઝલનું સૌ પ્રથમ સંપાદન સવાસો વર્ષ પહેલાં કર્યું હતું. એ જ સમયે ઝાર રાંદેરીનું અરૂઝ એટે છંદ શાસ્ત્રની શાસ્ત્રીય સમજ આપતું પુસ્તક મંડળ તરફથી પ્રકાશિત થયું. તમામ સાક્ષરોએ એ છંદશાસ્ત્રને પ્રમાણભૂત માન્યું. આ મંડળમાંથી ધીરે ધીરે મહાગુજરાત ગઝલ મંડળનો જન્મ થયો હતો.

 

એ જમાનો અત્યારની જેમ દોડધામનો ન હતો પણ નિરાંતે બેસીને સાહિત્ય, સંગીત, કલા, તત્ત્વજ્ઞાનની વાતો કરવાનો હતો. ગઝલની મહેફિલોમાં શાસ્ત્રીય ચર્ચા થતી. રાંદેર-સુરતના મુશાયરાઓમાં વિદ્વાન વ્યક્તિઓ પ્રમુખપદે આવતી અને ગઝલ પર અધ્યનશીલ પ્રવચન થતું, જે પ્રથા કવિ સુંદરમ્ સુધી ચાલી રહી હતી. આવી જ એક ઘટના રાંદેરમાં બની. જનાબ વહશી રાંદેરીને ત્યાં શાદીનો પ્રસંગ હતો. ગુજરાતભરના શાયરો-કવિઓ આવ્યા હતા. મુંબઈથી શયદા સાહેબ પણ હતા. શયદા-ઘાયલ વગેરેએ એ દિવસે સુરતના આર્યસમાજ હૉલમાં મુશાયરો યોજ્યો. એ વખતે મહાગુજરાત ગઝલ મંડળની વિધિવત્ સ્થાપના થઈ અને ગની દહીંવાળાનો શાયર તરીકે ઉદ્ભવ થયો. આમ ગની દહીંવાળા તમામ મહાન શાયરોની વચ્ચે સ્વીકૃતિ પામ્યાં.

 

ગનીભાઈનું સૌથી મોટું યોગદાન એ છે કે તેમણે ગુજરાતી ગઝલને ઉર્દૂ પ્રકારની ભાષાશૈલીમાંથી બહાર કાઢીને સરળતા, મીઠાશ અને લોકબોલીના શણગાર સજાવ્યા. ગઝલ માત્ર ઉચ્ચ વર્ગનું કાવ્ય ન રહે, પરંતુ સામાન્ય વાચકના હૃદય સુધી પહોંચે તેવો માર્ગ તૈયાર કર્યો.

પ્રેમ, વિરહ જેવા વિષયો સાથે સાથે માનનવીય સંવેદના, જીવનદર્શન, પ્રકૃત્ત, કરુણા અને તરન્નુમ સહજ રીતે રજૂ કર્યા. એમણે સાબિત કર્યું કે સરળ ભાષામાં ઊંડા ભાવો વ્યક્ત થઈ શકે છે.

 

આ કવિમાં ભાવની પ્રામાણિકતા છે. તેમની કવિતામાં કૃત્રિમતાને બદલે જીવનના સાચા અનુભવો વ્યક્ત થાય છે. ઉર્દૂમાં જેને મૌસિકી કહેવાય છે ેવી સંગીતમયતા ગઝલ-ગીત બન્નેમાં સહજતાથી આવી છે. લય, મુધરતા અને ગેયતા વિશેષ જોવા મળે છે.

 

ગનીભાઈએ હંમેશાં માનવપ્રેમને મહત્ત્વ આપ્યું છે. સુરતનું સંસ્કાર જીવન, સામાન્ય માણસની લાગણીઓ અને રોજ-બ-રોજના જીવન અનુભવો જીવંત બને છે. આમ એમણે ગઝલ ફક્ત કાવ્યપ્રકાર તરીકે નહીં, પરંતુ લોકજીવનની અભિવ્યક્તિનું શક્તિશાળી માધ્યમ બનાવ્યું. માનવમનની શાશ્ર્વત લાગણીઓ વ્યક્ત થઈ હોવાથી એમનું યોગદાન અવિસ્મરણીય છે.’

 

એમની ગઝલનો મત્લા આપણે વાંચ્યો જેમાં એમણે કહ્યું છે કે ‘દિવસો જુદાઈના જાય છે, એ જશે જરૂર મિલન સુધી, મને હાથ ઝાલી ને લઈ જશે, હવે શત્રુઓ જ સ્વજન સુધી.

 

આ શેરનો બાહ્ય અર્થ તો સમજાય એવો છે. પરંતુ શાયરે એનો જે આંતરિક અર્થ છે જેને પોતાની કવિત્વશક્તિથી આ શેરમાં સંગોપી લીધો છે. જ્યારે જિવાત્મા જન્મે છે ત્યારથી એનો પરમાત્મા સાથેનો વિરહ શરૂ થાય છે. ખરેખર તો જિંદગી તો જુદાઈના દિવસો છે. આ દિવસો જલદીથી પૂરા કરવાનું કામ સદ્ગુણો તો કરી શકે નહીં પણ કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર, માથા જેવા દુશ્મનો કરી શકે. એટલે શાયર કહે છે કે આ મારા દુશ્મનો જ મને સ્વજન એટલે કે પરમાત્મા સુધી મારો હાથ ઝાલીને લઈ જશે.

 

આ ગઝલના મત્લાની, જેમ એનો ‘મક્તા’ એટલે છેલ્લો શેર પણ સૂક્ષ્મ છે એટલો જ સરળ પણ છે. હૃદયની આગ વધે અને આપણે શ્ર્વાસ લઈએ તો આગ પ્રબળ બને. ગનીભાઈની કમાલ તો જુઓ, એ કહે છે કે આગ વધે નહીં માટે ઈશ્ર્વરે જ કૃપા કરી અને કોઈ આવીને શ્ર્વાસ બંધ કરી ગયું. જીવન અને મૃત્યુનું ચિંતન સરળતાથી અને સ્વાભાવિકતાથી થયું છે.

 

જો હૃદયની આગ વધી ‘ગની’, 

તો ઈશ્ર્વરે જ કૃપા કરી,

કોઈ શ્ર્વાસ બંધ કરી ગયું,

 કે પવન ન જાયે અગન સુધી.

આવો જ જીવન-મૃત્યુ વિશેનો બીજો શેર છે જેમાં ચિંતન તો છે જ પણ સાથે સાથે ઉપમા અલંકારનું સૌન્દર્ય પણ છે:

જિંદગાનીને દુલ્હનની જેમ શણગારી ‘ગની’,

એને હાથોહાથ સોંપી જેમના ઘરની હતી.

આપણે ગનીભાઈની ગઝલના લયની વાત કરી. શબ્દોના આરોહ અવરોહથી લયનું પ્રાગટ્ય થાય છે. શબ્દોની પુનરુક્તિથી ગઝલ વેધક બને છે. નીચેના શેરમાં શબ્દોને બેવડાવ્યા વગર એ બીજો શબ્દ પ્રયોજી શક્યા હોત પણ જે અસર ઊપજે છે તે ઊપજી ન શકત. શેર છે:

પહેલી પહેલી વર્ષાએ આ મહેક્યા 

મહેક્યા શ્ર્વાસ ‘ગની’

આજે હૈયું ભીની ભીની માટીનો ઢગ હોઈ શકે.

નાજુક નાજુક નાડીના આ ફોરમ સરખા ધબકારા

ફૂલોને પણ ફૂલગુલાબી લોહી રગેરગ થઈ શકે.

ગનીભાઈએ ગઝલમાં પ્રાકૃતિક સૌન્દર્યની પડછે પ્રેમ વિભાવનાના રંગો છાંટીને અનેક સુંદર રમણીય દૃશ્યો સર્જ્યાં છે. કલ્પનો, પ્રતીકો અને ગઝલચિતની ત્રિવેણીમાં અનેક ગઝલો અવતરી છે. દરેક વિષય પર એમણે લખ્યું છે. આવા સફળ અને સરળ શાયરની કલમ પાસેથી ગુજરાતને સદાબહાર ગઝલો અને કંઈ કેટલાય ક્યારેય ન ભૂલી શકાય એવા શાશ્ર્વત શેરો મળ્યા છે. આવા થોડાક શેરોથી સમાપન કરીએ:

શ્રદ્ધા જ મારી લઈ ગઈ મંઝિલ ઉપર મને,

રસ્તો ભૂલી ગયો તો દિશાઓ ફરી ગઈ.

*  *  *

પ્રભુની છે કૃપા કે એ કસબ પર મારો કાબૂ છે,

અગર જો એમનું ચાલે ન આપે 

એ સ્મરણ માગ્યું

*  *  *

જિંદગીનો એ જ સાચેસાચ પડઘો છે ‘ગની’

હોય ના વ્યક્તિ ને તેનું નામ બોલાયા કરે.

*  *  *

તમારો પ્યાર આખા વિશ્ર્વની દેખત મને આપો,

તમે વ્હોરી લો બદનામી અને 

ઈજ્જત મને આપો.

*  *  *

પ્રથમ આકાર પામે લાગણી સંબંધના સ્તર પર

ન પામે માવજત મનની તો 

એ સંશય થવા લાગે.

*  *  *

‘ગની’ પર્વતોની સામે આ રહ્યું છે શીશ અણનમ,

કોઈ પાંપણો ઢળી તો હું ઝૂકી ઝૂકી ગયો છું.

*  *  *

ન ધરા સુધી, ન ગગન સુધી, 

નહીં ઉન્નતિ ન પતન સુધી,

અહીં આપણે તો જવું હતું, 

ફક્ત એકમેકના મન સુધી.

*  *  *

દિલડાં સુખડની જેમ પરસ્પર ભલે બળ્યાં

સંબંધમાં સુવાસ સતત આવતી રહી.

*  *  *

સાવ હળવા ફૂલ જેવું દિલ હતું

શું થયું કે શ્ર્વાસ ભારે થઈ ગયા?

*  *  *

શાંત એ તોફાન દુનિયાએ કદી જોયું નથી,

આંખડી વરસી રહે ને કોઈ ભીંજાયા કરે.

*  *  *

બાળ સહજ હોડી જેવું કંઈ કાગળ કાગળ રમીએ

પાછળ વહેતું આવે જીવન, 

આગળ આગળ રમીએ.

*  *  *

પડી જઈએ ચરણમાં, 

તે છતાં મસ્તક હો આકાશે,

‘ગની’, એકાદ તો સંબંધની એવી સપાટી હો.

*  *  *

શ્ર્વાસ થઈ આવો અને રહી જાવ અંતરમાં તમે

બારમાસીને હૃદય ક્યારીમાં રોપીશું અમે.

*  *  *

દોરશું ન ચિત્ર ફૂલોનું તો સુગંધો વહેરો

પાનખરમાંય લીલો જીવ અમે રહેવાના.

*  *  *

ઉપસ્થિત તમે છો તો લાગે છે ઉપવન

કલાકારનું ચિત્ર સંપૂર્ણ જાણે, 

તમે જો ન હો તો બધા કહી ઊઠે કે;

વિધાતાથી કોઈ કસર થૈ ગઈ છે

*  * *

તમારી યાદમાં ફૂલોથી અદકું હાસ્ય વેર્યું છે

નવી રીતે હસી લીધું અમે આંસુ વહાવીને

* * *