Thu Jun 18 2026

Logo

કુવૈત નજીક પેટ્રોલિયમ ટેન્કરમાં વિસ્ફોટ, પેટ્રોલિયમ દરિયામાં ઢોળાયું

London   2026-03-05 09:36:00
Author: Savan Zalariya
Article Image

લંડન: પશ્ચિમ એશિયામાં ગત શનિવારે શરુ થયેલું યુદ્ધ વધુને વધુ ભયાનક સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. એવામાં અહેવાલ છે કે કુવૈતના દરિયાઈ ક્ષેત્રમાં પેટ્રોલિયમ વહન કરી રહેલા એક ટેન્કર જહાજમાં એક મોટો વિસ્ફોટ થયો હતો, જેને કારણે જહાજને નુકશાન પહોંચ્યું છે અને પેટ્રોલિયમ દરિયાઈ પાણીમાં ઢોળાઈ રહ્યું છે.

યુનાઇટેડ કિંગડમ મેરીટાઇમ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન(UKMTO)ના અહેવાલ મુજબ બુધવારે લગભગ 22:40 UTC (ભારતીય સમય મુજબ 5 માર્ચ સવારે 4:10 વાગ્યે) ટેન્કરમાં વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટ બાદ આગ લાગી ન હતી. 

ટેન્કરનાં ક્રૂ મેમ્બર્સને કોઈ ઈજા પહોંચી નથી. અધિકારીઓ આ ઘટનાની તપાસ કરી રહ્યા છે. આ વિસ્ફોટનું કારણ હજુ સ્પષ્ટ નથી, પણ શંકા છે ટેન્કરને નિશાના બનાવીને મિસાઈલ હુમલો કરવામાં આવ્યો હોઈ શકે છે.

વિમાન વડે હુમલો થયો હોવાની શંકા:
UKMTOએ જણાવ્યું કે ટેન્કરમાંથી પેટ્રોલિયમ પાણીમાં પડી રહ્યું છે, જેની પર્યાવરણને અસર થઇ શકે છે. UKMTO એ નિવેદનમાં જહાજોને સાવધાનીપૂર્વક પરિવહન કરવાની સલાહ આપી અને કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિની જાણ UKMTO ને કરવા સુચન કર્યું.

અહેવાલ મુજબ કુવૈતના મુબારક અલ-કબીર વિસ્તાર પાસે ટેન્કરમાં વિસ્ફોટ થયા બાદ, ટેન્કરના માસ્ટરે એક નાનું વિમાન નજીકથીપસાર થતું જોયું હતું..
કુવૈતના ગૃહ મંત્રાલયએ એક નિવેદન જાહેર કરીને જણાવ્યું કે આ ઘટના કુવૈતના દરિયાઈ ક્ષેત્રની ભાર બની હતી, આ ઘટના મુબારક અલ કબીર બંદરથી 60 કિમી (37 માઇલ)થી વધુ  દૂર બની હતી.


નોંધનીય છે કે ગઈ કાલે યુએસની સબમરીને શ્રીલંકા નજીકના ઈરાનના એક ફ્રિગેટ જહાજને ટોર્પિડો વડે તોડી પાડ્યું હતું, જેમાં 80 થી વધુ લોકો માર્યા છે.