Wed Jun 17 2026

Logo

1950 પછીનું સૌથી શક્તિશાળી ‘અલ નીનો’ લાવશે નબળું ચોમાસું, ભારત સરકાર એલર્ટ!

2026-06-15 14:00:34
Author: Mayur Patel
Article Image

નવી દિલ્હીઃ ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં હજુ ચોમાસાનું આગમન થયું નથી. આ વખતે અલ નીનોની ચર્ચા થઈ રહી છે. આ વર્ષનું અલ નીનો1950 બાદનું સૌથી શક્તિશાળી અલ નીનો હોઈ શકે છે, તેનાથી સમગ્ર વિશ્વનું હવામાન ચક્ર પ્રભાવિત થશે. તેની અસર ભારત પર પણ પડશે. દેશમાં ચોમાસું નબળું પડી શકે છે અને ઘણા ભાગમાં દુકાળ જેવી સ્થિતિ ઉદભવી શકે છે. સરકારે આગોતરી તૈયારી કરીને દેશભરમાં અલ નીનોની સૌથી વધુ અસર થનારા 197 જિલ્લાની ઓળખ કરી છે.

અલ નીનો આવશે કેવી રીતે ખબર પડે

આ વર્ષના અંત સુધી અલ નીનો ખૂબ જ શક્તિશાળી બનવાની સંભાવના હોવાનો હવામાન વિભાગે અંદાજ લગાવ્યો છે. વૈજ્ઞાનિકોના કહેવા પ્રમાણે, અલ નીનો આવવાનો સંકેત દક્ષિણ અમેરિકા તટ નજીકના પ્રશાંત મહાસાગરના એક ખાસ હિસ્સા (જેને નીનો 3.4 કહેવાય છે)નું તાપમાન છે. વૈજ્ઞાનિકો અનુસાર જ્યારે આ તાપમાન સતત પાંચ મહિના સુધી સામાન્યથી 0.5 ડિગ્રી સુધી વધારે રહે ત્યારે અલ નીન આવવાની શક્યતા પ્રબળ હોય છે. ચાલુ વર્ષે આ વિસ્તારનું તાપમાન ઝડપથી વધ્યું છે અને વિશ્વ હવામાન વિજ્ઞાન સંગઠન (World Meteorological Organization - WMO)   મુજબ અલ નીનો માટે તૈયાર રહેવું જોઈએ.

હવામાન પર કેવી થઈ શકે ગંભીર અસર

આ વર્ષે અલ નીનોની અસર જૂનથી ઓગસ્ટ સુધી સૌથી વધારે રહેવાની શક્યતા છે. આ ઘટના દર વર્ષે બે થી સાત વર્ષે થાય છે. એપ્રિલ-જૂનથી શરૂઆત થાય છે અને ઓક્ટોબર-ફેબ્રુઆરી વચ્ચે સૌથી વધારે અસર હોય છે. સામાન્ય રીતે તે 9-12 મહિના સુધી ચાલી શકે છે પરંતુ 2 વર્ષ સુધી પણ ચાલી શકે છે. અલ નીનો સમુદ્ર અને પવનના પ્રવાહોની સામાન્ય દિશાને ઉલટાવી દે છે. તેની અસરનો એક સંકેત વિષુવવૃત અને પેસિફિક ક્ષેત્રમાં સપાટી પરના પાણીનું તાપમાન સામાન્ય કરતાં વધુ હોવું તે છે.

આ વર્ષે લેટેસ્ટ ડેટા અનુસરા 2 ડિગ્રીથી વધારેનું અંતર જોવા મળી રહ્યું છે. 1997-98 અને 2015-16માં પણ આું જ અંતર જોવા મળ્યું હતું. એક્સપર્ટે એવી પણ ચેતવણી આપી છે કે જો આ વર્ષે પ્રશાંત મહાસાગરની  સપાટીની બિલકુલ નીચેનું પાણી પહેલાથી જ 6 ડિગ્રી વધુ ગરમ થઈ ગયું છે. પહેલાથી વધેલું તાપમાન, અલ નીનો અને ગ્લોબલ વોર્મિંગના કારણે નીકળનારી વધારાની ગરમી એક સાથે મળીને હવામાન પર ગંભીર અસર કરી શકે છે.

ભારત માટે શું છે મહત્વનું
WMOનું કહેવું છે કે, દક્ષિણ એશિયાના મોટાભાગના વિસ્તારમાં જૂન-સપ્ટેમ્બર સુધી દક્ષિણ-પશ્ચિમ ચોમાસામાં વરસાદ સામાન્યથી ઓછો રહેવાની સંભાવના છે. ભારતીય હવામાન વિભાગે દક્ષિણ-પશ્ચિમ ચોમાસાના લાંબાગાળાની સરેરાશ લગભગ 90 ટકા રહેવાનો અંદાજ લગાવ્યો છે, જે સામાન્યથી ઓછા વરસાદનો સંકેત છે.  ભારતીય હવામાન વિભાગે કહ્યું કે, મોનસૂન મિશનલ કપલ્ડ ફોરકાસ્ટ સિસ્ટમના પૂર્વાનુમાન મુજબ, દક્ષિણ-પશ્ચિમ ચોમાસું દરમિયાન અલ નીનોની સ્થિતિ વધુ મજબૂત થશે.

લા નીનોથી અલગ છે અલ નીનો
અલ નીનોથી પૃથ્વીના તાપમાનમાં વધારો થાય છે. તેનાથી વિરુદ્ધ લા નીનો તાપમાનમાં ઘટાડો કરે છે. નિષ્ણાતો અનુસાર અલ નીનોના કારણે ભારતમાં ઓછો વરસાદ થાય છે અને તેનાથી ચાલુ વર્ષે ચોમાસામાં સામાન્યથી ઓછો વરસાદ પડવાની સંભાવના છે.  

ભારતમાં ચોમાસું કેમ નબળું પડ્યું?

ભારતમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસું અચાનક નબળું પડ્યું છે. દેશમાં 64 ટકા વરસાદની અછત નોંધાઈ છે. ભારતીય અર્થતંત્ર માટે કરોડરજ્જુ ગણાતા દક્ષિણ-પશ્ચિમ ચોમાસુંને લઈ એક તસવીર સામે આવી છે. સેટેલાઈટ ઈમેજ અને ભારતીય હવામાન વિભાગના તાજેતરના આંકડા મુજબ, દેશના મોટાભાગના હિસ્સામાં ચોમાસું અચાનક નબળું પડ્યું છે. અંતરીક્ષમાં લેવામાં આવેલી તસવીરમાં ચોમાસાના વાદળો ગાયબ હોવાનું સામે આવ્યું છે.

જૂનના બે સપ્તાહમાં દેશમાં વરસાદનો ગ્રાફ સામાન્યથી ઘણો નીચે પહોંચી ગયો છે. જેનાથી ખરીફ પાકના વાવેતર અને પાણીની ઉપલબ્ધતા પર સંકટના વાદળો ઘેરાયા છે. હવામાન વૈજ્ઞાનિકો મુજબ, દરિયામાં ભેજની કોઈ સમસ્યા નથી પરંતુ હવાના વર્તને ચોમાસાની ગતિ પર સંપૂર્ણ બ્રેક લગાવી છે.

હવામાન વિભાગે 4 જૂનથી 15 જૂન દરમિયાન વચ્ચે જાહેર કરેલા આંકડા મુજબ, આ સમયગાળા દરમિયાન દેશમાં માત્ર 19.2 મિમી વરસાદ નોંધાયો છે, જ્યારે સામાન્ય રીતે આ દરમિયાન 53.7 મિમી વરસાદ પડતો હોય છે. આમ હાલ દેશમાં અત્યારે 64 ટકા વરસાદની ખાધ છે. નિષ્ણાતોના કહેવા પ્રમાણે દેશના કેટલાક રાજ્યોમાં ચોમાસું સમયસર બેસી ગયું હતું પરંતુ અચાનક ધીમું થઈ જવાનું કારણે દરિયાનું તાપમાન કે પાણીની અછત નથી પરંતુ ધરતીથી અનેક કિલોમીટર ઉપર વાયુમંડળમાં ચાલી રહેલા હવાઓના  દબાણનું પરિણામ છે. 

આ સમયે આકાશની ઉપરની સપાટી પર વહેતી 'વેસ્ટરલી જેટ સ્ટ્રીમ' (પશ્ચિમી પવનોનો પ્રવાહ) પોતાની સામાન્ય જગ્યાએથી ઘણી વધારે દક્ષિણ તરફ સરકી આવી છે. આ અસામાન્ય બદલાવ ચોમાસાના સૌથી મુખ્ય એન્જિન એટલે કે 'ઈસ્ટરલી જેટ' (પૂર્વીય પવનો)ના માર્ગમાં અવરોધ બની ગયો છે.