Wed Aug 19 2026

Logo

ભૂકંપ માટે અત્યંત સંવેદનશીલ ગણાતા ગુજરાતમાં જૂલાઈ માસમાં 7 વખત ધરા ધ્રુજી!

2026-07-30 21:48:31
Author: Devayat Khatana
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ:
ભૌગોલિક સ્થિતિને કારણે ભૂકંપ માટે અત્યંત સંવેદનશીલ રાજ્ય ગણાતા ગુજરાતમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયો હતો.  ચોમાસાની ઋતુમાં અમદાવાદ નજીક ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ગાંધીનગર સ્થિત સિસ્મોલોજી સેન્ટર દ્વારા તેની પૃષ્ટી કરવામાં આવી હતી. સિસ્મોલોજી સેન્ટરના જણાવ્યા અનુસાર, અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારમાં ગુરુવારે વહેલી સવારે 04:39 વાગ્યે ભૂકંપનો હળવો આંચકો નોંધાયો હતો.  

રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 2.6 માપવામાં આવી હતી, જેનું કેન્દ્રબિંદુ અમદાવાદ શહેરથી દક્ષિણ-દક્ષિણપશ્ચિમ દિશામાં 29 કિલોમીટર દૂર રાસમ ગામ નજીક અને જમીનમાં 20 કિલોમીટરની ઊંડાઈએ સ્થિત હતું. આ આંચકો પ્રમાણમાં ખૂબ જ ઓછી તીવ્રતાનો હોવાથી તેનાથી કોઈ પણ પ્રકારની જાનમાલની હાનિ કે નુકસાનના અહેવાલ પ્રાપ્ત થયા નથી, પરંતુ વહેલી સવારે ભૂકંપ નોંધાતા તંત્ર સતર્ક બન્યું હતું.

સૂત્રોના જણાવ્યા અનુસાર, ભૂકંપ વહેલી સવારના સમયે આવ્યો હોવાથી તેમજ ગ્રામ્ય વિસ્તાર નજીક કેન્દ્ર હોવાથી તેની આસપાસનું વાતાવરણ શાંત હોઈ તેની અસર શહેરનાઆ અમુક વિસ્તારોમાં પણ તેનો અહેસાસ થયો હતો.  2.6ની તીવ્રતાનો ભૂકંપ હળવી શ્રેણીમાં આવતો હોઈ મોટા ભાગે કોઈ ગંભીર નુકસાન થતું નથી.

ઉલ્લેખનીય છે કે આ મહિનામાં ગુજરાતમાં હળવી શ્રેણીના અનેક ભૂકંપના આંચકા અનુભવાઈ ચૂક્યા છે. અમદાવાદ જિલ્લામાં નોંધાયેલો ભૂકંપનો આંચકોએ ગુજરાતમાં જુલાઇ મહિનામાં  નોંધાયેલો ભૂકંપનો 7મો આંચકો હતો. આ મહિનામાં 5 જૂલાઈના રોજ કચ્છના ફતેહગઢમાં, 8 જુલાઇના રોજ ઉપલેટામાં, 16 જૂલાઈના રોજ કચ્છના ખાવડા અને ધોળાવીરામાં, 23 જૂલાઈના રોજ સુરત નજીક ખંભાતના અખાતમાં તેમજ 25 જૂલાઈના રોજ અમરેલી નજીક ભૂકંપનો આંચકો નોંધાયો હતો. 

ગુજરાત ભૂકંપ માટે અત્યંત સંવેદનશીલ રાજ્ય

ગુજરાત તેની ભૌગોલિક સ્થિતિને કારણે ભૂકંપ માટે અત્યંત સંવેદનશીલ રાજ્ય માનવામાં આવે છે. ભારત સરકારના માપદંડો મુજબ, ગુજરાત ઝોન ૨ થી ઝોન ૫ એમ ચાર અલગ-અલગ સિસ્મિક ઝોનમાં વહેંચાયેલું છે. સિસ્મિક ઝોન 5ને સૌથી ખતરનાક ઝોન માનવામાં આવે છે. ગુજરાતનો કચ્છ જિલ્લો, ખાસ કરીને ભુજ, અંજાર, રાપર અને ભચાઉ આ ઝોનમાં આવે છે. જામનગર, રાજકોટ, મોરબી, અને સુરેન્દ્રનગર, બનાસકાંઠા અને પાટણના કેટલાક ભાગો તેમજ અમદાવાદ શહેર અને તેની આસપાસનો વિસ્તાર ઝોન ૪ની સરહદ પર ગણાય છે. ભૂકંપ માટે અત્યંત સંવેદનશીલ ગુજરાતમાં માર્ચ મહિનામાં સૌરાષ્ટ્ર-કચ્છના પેટાળમાં હલચલ જોવા મળી હતી. એક મહિનામાં ભૂકંપના 15 જેટલા આંચકા અનુભવાયા હતા.

ગુજરાતમાં માર્ચ ૨૦૨૬ દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં, ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના પટ્ટામાં ભૂકંપના હળવા આંચકાઓ નોંધાયા હતા. ગાંધીનગર સ્થિત સિસ્મોલોજી વિભાગ (ISR) દ્વારા જાહેર કરવામાં આવેલા ડેટા મુજબ, આ મહિનામાં નોંધપાત્ર પ્રમાણમાં પેટાળમાં હલચલ જોવા મળી હતી. જેમાં ૨.૫ થી લઈને ૩.૪ ની તીવ્રતા સુધીના આંચકાઓનો સમાવેશ થાય છે.