Thu Jul 23 2026

Logo

ડીઝલનો પોકારઃ સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં ટ્રેક્ટરની લાંબી લાઈનો, વિફરેલા ખેડૂતોનો હાઈવે પર ચક્કાજામ!

2026-05-21 15:36:00
Author: Devayat Khatana
Article Image

અમદાવાદ: એકતરફ દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઈંધણ બચાવવા સહિતની અપીલ કરી રહ્યા છે અને બીજી તરફ ઈંધણની કિંમતમાં વધારો ઝીંકાય રહ્યો છે.ત્યારે આ સ્થિતિની વચ્ચે ગુજરાતના અનેક જિલ્લામાં ડીઝલની અછત સર્જાઇ છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના જૂનાગઢ, પોરબંદર અને અમરેલી જિલ્લામાં ડીઝલની ભારે અછતની સીધી અસર ખેડૂતો અને સામાન્ય વાહનચાલકો પર પડી રહી છે. અમરેલી જિલ્લાના અનેક પેટ્રોલ પંપો પર મોટા વાહનો અને ટ્રેક્ટરોની લાંબી લાઈનો લાગી હતી.
 
મળતી વિગતો અનુસાર, સૌરાષ્ટ્રના અમરેલી, જૂનાગઢ અને પોરબંદર જિલ્લાઓમાં ડીઝલની ભારે અછત સર્જાતા ખેડૂતો અને વાહનચાલકોની હાલત કફોડી બની છે. ખાસ કરીને અમરેલી પંથકમાં ડીઝલ માટે વહેલી સવારથી પંપો પર લાઈનો લગાવતા ખેડૂતોનો ધીરજનો અંત આવતા આક્રોશ ફાટી નીકળ્યો હતો. છેલ્લા પાંચ દિવસથી 40 ડિગ્રી જેટલા કાળઝાળ તાપમાનમાં એક કિલોમીટર લાંબી કતારોમાં ઉભા રહેવા છતાં ડીઝલ ન મળતા ખેડૂતોએ રાજુલા-સાવરકુંડલા હાઇવે પર ટ્રેક્ટરો આડા રાખીને ચક્કાજામ કર્યો હતો. ચોમાસું નજીક છે અને ઉનાળુ પાકને સિંચાઈની તાતી જરૂર છે, ત્યારે બરાબર સીઝન સમયે જ જમીન ખેડવા અને પંપસેટ ચલાવવા માટે પૂરતું ઈંધણ ન મળતાં પાક સુકાઈ જવાની ભીતિથી ખેડૂતોમાં રોષ વ્યાપી ગયો છે.

ડીઝલની આ કટોકટી માત્ર અમરેલી પૂરતી સીમિત નથી, પરંતુ જૂનાગઢના માળિયાહાટીના અને પોરબંદર શહેરમાં પણ અનેક પેટ્રોલ પંપ રવિવાર સાંજથી જ ખાલીખમ થઈ ગયા હતા. આસપાસના પંપો પર જથ્થો ન હોવાથી ચાલુ પંપો પર વાહનોની ભારે ભીડ ઉમટી પડી હતી. ડીઝલ ન મળવાથી રોષે ભરાયેલા ખેડૂતોએ પંપ પર એકઠા થઈને 'ભારત માતાની જય' તથા 'વંદે માતરમ્'ના નારા લગાવી ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા. આ સમગ્ર મામલે અમરેલી જિલ્લા પુરવઠા અધિકારી પ્રતીક કુંભાણીએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, ઉપરથી જ ડીઝલનો સપ્લાય ઓછો આવી રહ્યો હોવાને કારણે જિલ્લામાં અછતની આ ગંભીર સ્થિતિનું નિર્માણ થયું છે.

સ્થાનિક ખેડૂતે જણાવ્યું હતું કે, "આ સરકાર શું કરવા ધારી રહી છે તે ખબર નથી પડતી. નોટબંધી સમયે લાઇનમાં હતા, ખાતર લેવા માટે પણ લાઇનમાં હતા અને આજે હવે ડીઝલ લેવા પણ લાઇનમાં રહેવાનો વારો આવ્યો છે. તેમણે કહ્યું હતું કે ખેતી કરવી કે લાઇનમાં રહેવું? વહેલી સવારે 4 વાગ્યાના ઊભા રહીએ ત્યારે માંડ બપોરે વારો આવે છે અને માત્ર 2-3 હજારનું જ ડીઝલ મળે છે, આથી સાત-આઠ કલાક ખેતીકામ કર્યા બાદ ફરીથી ડીઝલની લાઇનમાં ઊભું રહેવું પડે છે. તેમ જણાવ્યું હતું.
 
આ અંગે અમરેલી જિલ્લાના આંબરડીના ઉપસરપંચ મહેશ ચોરવડિયાએ જણાવ્યું હતું કે હાલ ખેતીની સિઝન નજીક હોવાથી ખેડૂતોને ખૂબ પ્રશ્ન ઊભા થઈ રહ્યા છે. આ કટોકટી જેવો સમય છે જ્યારે ખેડૂતોને તરત ડીઝલ મળે તેવી માંગ કરી રહ્યા છે ડીઝલ પુરાવા ખેડૂતો પમ્પે જાય તો મસમોટી લાઈનમાં ઊભું રહેવું પડે છે અને અમુક નિશ્ચિત ડીઝલ મળતું હોવાની પણ ફરિયાદ કરી રહ્યા છે