Sun Oct 11 2026

Logo

હિમાચલની દીકરી ધાવિકા સીમાએ રચ્યો ઈતિહાસ: માતાને જણાવ્યા વિના જાપાન પહોંચી અને જીત્યો બ્રોન્ઝ મેડલ

Tokyo   2026-09-25 17:28:51
Author: Mumbai Samachar Team
હિમાચલની દીકરી ધાવિકા સીમાએ રચ્યો ઈતિહાસ: માતાને જણાવ્યા વિના જાપાન પહોંચી અને જીત્યો બ્રોન્ઝ મેડલ

ટોકિયો/શિમલાઃ હિમાચલ પ્રદેશની એક દીકરીએ સ્પોર્ટ્સ ક્ષેત્રમાં દેશનું નામ રોશન કર્યું છે. સાત સમંદર પાર યોજાયેલી એશિયન ગેમ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરીને દેશવાસીઓને ગૌરવ થાય એવું કામ કર્યું છે. ધાવિકા સીમાએ એશિયન ગેમ્સમાં મહિલા કેટેગરીમાં 10,000 મીટરની દોડમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરીને ભારતનું નામ રોશન કર્યું છે. હિમાચલ પ્રદેશના નાનકડા ગામ ચંબાની ધાવિકા સીમાએ એશિયન ગેમ્સના પોડિયમ સુધી પહોંચી છે. એમની એશિયન ગેમ્સમાં પહોંચવા સુધીની જર્ની ખૂબ જ સંઘર્ષભરી હતી. 

માતાને જાણ કર્યા વગર જાપાન પહોંચી

બ્રોન્ઝ મેડલ જીત્યા બાદ તે ખૂબ જ ભાવુક થઈ ગઈ હતી. 25 વર્ષની ધાવિકાએ નાગોયા જવાની વાત પોતાની 78 વર્ષની માતાને જણાવી જ નહોતી અને નહીં કહેવા પાછળનું કારણ માતા ચિંતા કરે એ હતું. સીમા જાણતી હતી કે, જો માતાને ખબર પડી જશે કે દીકરી જાપાન એશિયન ગેમ્સમાં રમવા માટે જઈ રહી છે તો તે આખી રાત સૂઈ નહીં શકે, આ માટે જ સીમાએ આ વાત છુપાવી રાખી હતી. માતાને એ વાત  કહેતી રહી કે, તે બેંગ્લુરૂમાં ટ્રેનિંગ કેમ્પમાં જઈ રહી છે. 

બ્રોન્ઝ મેડલ જીત્યા બાદ સીમાએ કહ્યું હતું કે, મારા પિતા આ દુનિયામાં નથી, માતા ખૂબ જ ઉંમરલાયક છે. તે 78 વર્ષની છે. 45 વર્ષ હતી એ સમયે તેણે મને જન્મ આપ્યો હતો. હું જ્યારે પણ બાહર જાવ છું તો તે ખૂબ જ ટેન્શનમાં આવી જાય છે. તેથી આ વખતે મેં એમને કોઈ જાણ ન કરી કે, હું એશિયન ગેમ્સમાં રમવા માટે જઈ રહી છું. મમ્મીને હાઈબ્લડ પ્રેશર છે. એવામાં જ્યારે ટ્રેનિંગ કેમ્પ અને અન્ય કોઈ સ્પર્ધા માટે નીકળું ત્યારે બહું જાણ કરતી નથી. 

બહેનને બધી ખબર છે

પરિવારમાં એક મોટી બહેન છે તેને દરેક વસ્તુની ખબર હોય છે. સીમાને જ્યારે એશિયન ગેમ્સ માટે ભારતથી જાપાન થવાનું થયું એ સમયે મોટી બહેનને બધી જાણકારી આપી હતી. હવે ઐતિહાસિક બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યા બાદ આ વાવડ માતા સુધી પહોંચી ગયા છે. સીમાએ ચહેરા પર સ્માઈલ આપતા કહ્યું હતું કે, બને શકે છે કે, મોટી બહેને માતાને વાત કરી દીધી હશે. 

અન્યથા મમ્મી એ જ વિચારી રહી હશે કે, હું બેંગ્લુરૂ ટ્રેનિંગમાં જઈ રહી છું.  સીમા જ્યારે 12 વર્ષની હતી એ સમયે એના પિતાનું અવસાન થયું હતું. બાળપણમાં કોઈ જ પ્રકારના શુઝ વગર તે રસ્તા પર દોડતી હતી. પશુઓને ચરાવતી હતી. ગામડામાં જ રહીને તેણે એથ્લેકિટ્સમાં કરિયર બનાવવાનું વિચારી લીધું હતું. 

આ માટેના પ્રયાસ શરૂ કર્યા એ સમયે લોકોએ સવાલ ઊઠાવવાના શરૂ કર્યા. પણ માતાએ દીકરીને સાથ ક્યારેય છોડ્યો નહીં. આ જ એ જ દીકરીએ દોડમાં ઈતિહાસ બનાવી દીધો છે અને ભારતનું નામ રોશન કર્યું છે. 10000 મીટરની સ્પર્ધામાં બ્રોન્ઝ જીતનારી તે ત્રીજી ભારતીય ખેલાડી છે. સીમા માટે આ કોઈ મેડલ જ નહીં પણ એક સપનું સાકાર કરવા બરોબર છે. 

દરેક દેશના ખેલાડી ગોલ્ડ માટે આવે છે

સીમાએ જણાવ્યું હતું કે, આ રેસ ખૂબ જ સ્ટ્રેટજિક રહી છે. આ કોઈ દોડ સમયમર્યાદાની ન હતી પણ મેડલ માટેની હતી. સપનું તો ગોલ્ડ મેડલનું હતું. મેં એ જ વિચાર સાથે ડગલું ભર્યું હતું કે, મારે મેડલ માટે દોડવાનું છે, કારણ કે મારા માટે આ ટુર્નામેન્ટ પહેલીવાર છે. 

અહીંયા દરેક ખેલાડી પોતાના દેશ માટે ગોલ્ડ જીતવા માટે આવે છે. હું મારૂ બેસ્ટ આપવા માટે મેદાને ઊતરીશ હવે 28મી સપ્ટેમ્બરના 5000 મીટરની રેસમાં ગોલ્ડ માટે દોડ લગાવીશ.