અમદાવાદઃ પ્રેમના પાઠ પઢાવવાના બહાને કે પછી યોગ શિખવવાના બહાને મહિલાઓને સોશિયલ મીડિયા દ્વારા પજવતા અને તેમની પાસેથી પૈસા ખંખેરતા આઠ જણને અમદાવાદના સાયબર ક્રાઈમ યુનીટે ઝડપી પાડ્યા હતા. આ લોકો મહિલાઓને અશ્લીલ તસવારો મોકલતા, ઘણીવાર તેમને ધમકીઓ પણ આપતા હતા. જોકે તેમના આ ડિજિટલ પરાક્રમોને લીધે જ તેઓ પોલીસના સંકજામાં આવી ગયા છે.
પોલીસે મિશન રક્ષિકા-સિક્યોર હરસ્પેસ નામનું અભિયાન લોંચ કર્યું હતું અને ગુજરાત અને રાજસ્થાનથી આઠ જણને પકડ્યા હોવાની માહિતી સૂત્રોએ આપી હતી. પોલીસે જણાવ્યું હતું કે ધરપકડ કરાયેલા લોકોમાં બે જણએ વારંવાર મહિલાઓને તેમની સોશિયલ મીડિયા ઈમેજ દ્વારા નિશાન બનાવી છે.
મળતી વિગતો અનુસાર સુરેશ પુરી નામના એક ગુનેગારે કથિત રીતે પોતાના 10 ફેક આઈડેન્ટિટી દ્વારા છ મહિનામાં લગભગ 300 મહિલાનો સંપર્ક કર્યો હશે. તેણે પોતાના નગ્ન વીડિયો, તસવીરો અને વાંધાજનક મેસેજ દ્વારા મહિલાઓને પરેશાન કરી નાખી હતી.
અન્ય એક ગુનેગાર કેયુર લક્કડ મહિલા તરીકે પોતાના અકાઉન્ટ બનાવી અન્ય મહિલાઓ સાથે સંપર્ક કરી તેમનો વિશ્વાસ જીતતો હતો અને પછી તેનો ગેરુપયોગ કરતો હતો.
જોકે ચોંકાવનારી વાત તો એ છે કે મહિલાઓની ફરિયાદો બાદ પકાડાનારા છ જણ તો તેમની નજીકના જ હોવાનું બહાર આવ્યું હતું. અમુક કેસમાં પૂર્વ પતિ કે પૂર્વ બોયફ્રેન્ડ અથવા સંબંધીઓ હોવાનું જાણવા મળ્યું હતું.
મહિલાઓએ અમદાવાદ સાયબર ક્રાઈમ યુનિટનો સંપર્ક કર્યા પછી આ કેસ પ્રકાશમાં આવ્યા હતા. અધિકારીઓએ પહેલા તેમનું કાઉન્સેલિંગ કર્યું અને તેમની ઓળખ જાહેર કર્યા વિના તેમની ફરિયાદો નોંધી હતી. ત્યારબાદ પોલીસે સોશિયલ મીડિયા કંપનીઓ પાસેથી વિગતો માંગી અને નકલી પ્રોફાઇલને નિયંત્રિત કરતા લોકોની ઓળખ કરવા માટે એકાઉન્ટ રેકોર્ડ અને અન્ય ટેકનિકલ ડેટા તપાસ્યો હતો. મહિલાઓને લવગુરુ બનીને લલચાવનારા પણ પકડાયા છે. આ સાથે યોગાગુરુ બનીને મહિલાઓની ઈમેજનો ઉપયોગ કરી તેને અશ્લીલ બનાવી ફરિયાદીને મોકલી હતી.