સીએસએમટીમાં એક જ ટ્રેક પર બે ટ્રેન, યાર્ડમાં જ ટ્રેનને રોકતા પ્રવાસીઓ ટ્રેક પર ચાલીને સ્ટેશને પહોંચ્યા...
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ મધ્ય રેલવેમાં સોમવારે ડોંબિવલી સ્ટેશને ડીરેલમેન્ટ પછી સીએસએમટી સ્ટેશને સિગ્નલ ફેઈલ્યોરને કારણે એક જ ટ્રેક પર બે લોકલ ટ્રેનને રોકી દેવામાં આવી હતી, જેનો ભોગ પ્રવાસીઓ બન્યા હતા. આજે ભરબપોરે એકાએક સીએસએમટી સ્ટેશને ટ્રેન એન્ટર થાય એ પહેલા સિગ્નલમાં ખરાબીને કારણે એક જ ટ્રેક પર બે ટ્રેન રોકી દેવાની નોબત આવી હતી.
ટ્રેનને કલાકો સુધી યાર્ડમાં જ રોકતા પ્રવાસીઓ પગેચાલીને સ્ટેશન પહોંચ્યા હતા, જેમાં અમુક પ્રવાસીઓ તો સિનિયર સિટિઝન હતા. મધ્ય રેલવેમાં વધતી ટ્રેનોની અનિયમિતતાથી પ્રવાસીઓએ મધ્ય રેલવેની કામગીરી અંગે નારાજગી વ્યક્ત કરી હતી.
આજે સવારથી કલ્યાણથી સીએસએમટીની લોકલ સવારથી અડધોથી પોણો કલાક મોડી દોડવાને કારણે પ્રવાસીઓને ટ્રેનમાં ટ્રાવેલ કરવામાં હાલાકી પડી હતી, તેમાંય વળી સીએસએમટીમાં ટ્રેનને રોકી દેવા અંગે બદલાપુરના એક પ્રવાસીએ કહ્યું હતું કે મેં બપોરના 1.22 વાગ્યાની સીએસએમટી માટે ફાસ્ટ ટ્રેન પકડી હતી, જે સાડાત્રણ વાગ્યે પણ ટ્રેન સ્ટેશને પહોંચી શકી નહોતી, યાર્ડમાં જ અડધોથી પોણો કલાક સુધી ટ્રેનને રોક્યા પછી સમસ્યા અંગે કોઈ જાહેરાત કરી નહોતી, તેથી અનેક પ્રવાસીઓ ટ્રેનમાંથી કૂદીને ટ્રેક પર ઉતર્યા હતા. આ બનાવના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા પછી લોકોએ રેલવેની આકરી ઝાટકણી કાઢી હતી.

આ મુદ્દે પ્રવાસીઓએ મોટરમેનની પૂછપરછ કરવા છતાં સંતોષજનક જવાબ મળ્યો નહોતો. ડોંબિવલીના રહેવાસી ચેતન પંચાલે કહ્યું હતું કે મધ્ય રેલવેમાં લોકલ ટ્રેનો નિયમિત રીતે ટેક્નિકલ ફેઈલ્યોર થાય છે, પણ રેલવેના પેટનું પાણી હાલતું નથી. અન્ય એક પ્રવાસીએ કહ્યું હતું કે એક જ ટ્રેક પર બે ટ્રેન સામસામે જોવા મળી હતી, જેના અંગે અનેક લોકોએ આશ્ચર્ય પણ વ્યક્ત કર્યું હતું, પણ રેલવેએ નક્કર જવાબ આપ્યો નહોતો.
આ બનાવ અંગે રેલવેએ કહ્યું હતું કે સિગ્નલમાં ખરાબીને કારણે આ બે લોકલ ટ્રેનો એક જ ટ્રેક પર જોવા મળી હતી. જોકે, સબર્બન પ્લેટફોર્મ માટેનું 'CSMT ઇન્ટરનલ હોમ' સિગ્નલ રેડ સ્થિતિમાં હતું, તેથી મોટરમેને ટ્રેન ઊભી રાખી હતી. એટલું જ નહીં, બંને લોકલ ટ્રેન વચ્ચેનું અંતર પણ સુરક્ષિત હતું. આ બનાવ બપોરના 3.40 વાગ્યાના સુમારે બન્યો હતો, જેને કારણે લોકલ ટ્રેનની સર્વિસ પર અસર થઈ હતી. આ બનાવ પછી ટ્રેનને થોડી પાછી લાવવામાં આવી હતી, જ્યારે પાંચથી સાત નંબરના પ્લેટફોર્મનું ઓપરેશન થોડા સમય માટે રોકી દેવામાં આવ્યું હતું, એમ મધ્ય રેલવેના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.
આ મુદ્દે અન્ય અધિકારીએ કહ્યું હતું કે બદલાપુરથી આવતી એક લોકલ ટ્રેનને પ્લેટફોર્મ નંબર ચારને બદલે પાંચ નંબરના પ્લેટફોર્મ નંબર લેવામાં આવી હતી, કારણ કે પ્લેટફોર્મ નંબર 4 પર બીજી લોકલ ટ્રેન ઊભી હતી. એના પછી લોકલ ટ્રેનોને પાછળ લઈ જવામાં આવી હતી અને પછી ઓપરેશન ફરી શરૂ કરવામાં આવ્યું હતું. પ્લેટફોર્મ નંબર પાંચથી 8 બ્લોક કરવામાં આવ્યા હતા અને બપોરે 3:18 વાગ્યાથી અવરજવર બંધ કરી હતી. હાલના તબક્કે લોકલ ટ્રેનોને પાછળ લેવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે અને અવરજવર શરૂ કરવામાં આવી હતી, જેને કારણે ટ્રેનો અડધો કલાક મોડી દોડતી રહી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.