અમદાવાદઃ 2005માં અમદાવાદના નરોડામાં પાડોશીની હત્યા બાદ આજીવન કેદની સજા કાપી રહેલો કલાકાર મુંબઈમાં એક્ટર બની ગયો હતો. હત્યાના આરોપીએ બચ્ચન, આમીર, રણવીર સાથે કામ કર્યું હતું. જોકે 12 વર્ષ બાદ તે કોઈ કામ માટે અમદાવાદ આવ્યો હતો. ઘીકાંટા મેટ્રો સ્ટેશન નજીક તેને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધો હતો.

કઈ રીતે ઝડપાયો
મળતી વિગત પ્રમાણે, અમદાવાદના ઘીકાંટા મેટ્રો સ્ટેશન આગળ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ તહેનાત હતી ત્યારે એક્ટર જેવો લાગતો માણસ સ્ટેશન નજીકથી પસાર થયો ula. પોલીસે બૂમ મારી, હેમંત મોદી ક્યાં જાય છે? લગભગ 12 વર્ષે પોતાનું સાચું નામ સાંભળીને હેમંતે પરત ફરીને જોતા જ પોલીસે તેને પકડી લીધો હતો. હેમંતે પોતાનું નામ ટ્વિંકલ દવે ઉર્ફે સ્પંદન મોદી હોવાનું કહી પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસ મક્કમ હતી. આખરે હેમંત ભાંગી પડ્યો અને તેણે પોતે જ જેલમાંથી ભાગેલો કેદી હેમંત હોવાની કબૂલાત કરી લીધી હતી.
શું હતો મામલો
આરોપી એક્ટર 2005માં નરોડામાં રહેતો હતો. પાડોશી સાથે ઘર આગળ સીડી મૂકવાના મુદ્દે ઝઘડો થયો હતો. જેમાં હેમંત મોદી અને તેના ભાઈ સહિત સાત જણાએ મળીને પાડોશીની હત્યા કરી હતી. પોલીસે તમામની ધરપકડ કરી હતી. વર્ષ 2008માં તમામને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. ત્યારેથી તે જેલમાં જ હતો. વર્ષ 2014માં તેને એક મહિનાની પેરોલ પર જેલની બહાર આવવા મળ્યું. જે દિવસે હેમંત જેલમાંથી બહાર નીકળ્યો તે જ દિવસે તેણે પરત જેલમાં નહીં જવાનો નિર્ણય કર્યો હતો. તે સીધો જ મુંબઈ પહોંચી ગયો. તેણે મુંબઈમાં નવી ઓળખ સાથે જીવવાનું શરૂ કરી દીધું. હેમંત મોદીએ પોતાની ઓળખાણ સ્પંદન મોદી ઉર્ફે ટ્વિંકલ દવે તરીકે ઊભી કરી હતી. તેને નાના-મોટા કામ મળતા થઈ ગયા. તેણે પણ પોતાના નામનો કોઈ વિવાદ ઉભો ન થાય તેની તકેદારી રાખી અને 12 વર્ષ સુધી મુંબઈમાં જ ફિલ્મો, નાટકો અને વેબ સિરીઝમાં કામ કર્યું હતું. આ દરમિયાન તેને કોઈ કામ માટે અમદાવાદ આવવાનું થયું હતું. જેની બાતમી પોલીસને મળી હતી. પોલીસે વૉચ ગોઠવીને તેને ઝડપી પાડ્યો હતો.
હેમંત મોદીએ 40થી વધુ ફિલ્મો, સિરિયલ, નાટકો અને વેબ સિરીઝમાં અભિનય કર્યો હતો. જેમાં 5 બોલિવૂડ ફિલ્મો, 20 ગુજરાતી ફિલ્મો, 17 ગુજરાતી નાટકો, 4 ગુજરાતી સિરિયલ, 2 હિન્દી સિરિયલ, 1 હિન્દી વેબ સિરીઝ અને 1 સાઉથ ફિલ્મનો સમાવેશ થાય છે. હાલમાં તે કલર્સ ગુજરાતીની સિરિયલ મોટી બાની નાની વહુમાં પણ કામ કરી રહ્યો હતો. તેણે ઠગ્સ ઑફ હિન્દુસ્તાન, જયેશભાઈ જોરદાર, વાગલે કી દુનિયામાં પણ શાનદાર અભિનય કર્યો હતો.