મહેસાણા વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં વતન વડનગરમાં દેશની સૌથી મોટી તાલીમ સંસ્થાની શરૂઆત થઈ છે. અહીં તાલીમ લીધા બાદ યુવાનો માટે નોકરીની ઉજળી તકો છે. લાર્સન એન્ડ ટુબ્રો કંપની દ્વારા મહેસાણા જિલ્લાના વડનગર ખાતે સ્થાપવામાં આવેલા ઇન્ડસ્ટ્રિયલ કન્સ્ટ્રક્શન સ્કિલ્સ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ (ICSTI)માં તાલીમાર્થીઓને ઉદ્યોગલક્ષી કામો વિશે પ્રેક્ટિકલ તાલીમ આપવામાં આવે છે. આ સંકુલ30 વીઘા જમીનમાં ફેલાયેલું છે.
રાજ્ય સરકારનાં સહયોગથી વડનગર ખાતે વિશ્વસ્તરીય તાલીમ સુવિધાઓ સાથે ઇન્ડસ્ટ્રિયલ કન્સ્ટ્રક્શન સ્કિલ્સ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ (ICSTI)માં અત્યાર સુંધીમાં બે પાયલોટ બેચના કુલ 201 વિદ્યાર્થીઓની તાલીમ પૂર્ણ થઇ ગઇ છે અને તાલીમ પૂર્ણ થયા બાદ, તમામ ઇચ્છુક યુવાનો એલ એન્ડ કંપની દ્વારા રૂપિયા 18,000થી 20,000નાં સ્ટાઇપેન્ડ સાથે વિવિધ પ્રોજેક્ટો પર કામ કરે છે.
ખાસ વાત એ છે કે, ભાઇઓ અને બહેનો બંને માટે અહીં તાલીમની વ્યવસ્થા કરવામાં આવી છે. તાલીમાર્થીઓ પાસેથી કોઈપણ પ્રકારની ફી લેવામાં આવતી નથી. તમામ માટે રહેવા-જમવાની સુંદર વ્યવસ્થા સંપૂર્ણ મફતમાં આપવામાં આવે છે.
છેલ્લા ત્રણ મહિનામાં અહીંથી વિવિધ ટ્રેડોમાં 201 યુવાનોએ તાલીમ પૂર્ણ કરી છે. તાલીમ પામેલા યુવાનો હાલ સેમીકંડક્ટર ફેબ ઉદ્યોગ (ધોલેરા), બુલેટ ટ્રેન પ્રોજેક્ટ, મેટ્રો રેલ પ્રોજેક્ટ (અમદાવાદ), સોલર પાવર પ્લાન્ટ (ખંભાળિયા), અને પાણીપત રિફાઇનરી પ્રોજેક્ટ (હરિયાણા) જેવા એલ એન્ડ ટીનાં મોટા પ્રોજેક્ટોમાં રૂપિયા 18,000 થી 20,000નાં સ્ટાઇપેન્ડ સાથે કામ કરે છે.
ICSTI-વડનગર ખાતે બાંધકામ, ઉત્પાદન ક્ષેત્રો, અને નવા ઉદ્યોગો વિશે તાલીમ આપવામાં આવે છે. ઉદ્યોગોની માંગ અને કુશળતાની જરૂરિયાત અનુસાર 45, 60 અથવા 90 દિવસના કોર્ષ ચલાવવામાં આવે છે. આ સંસ્થામાં 20થી વધુ ટ્રેડોમાં તાલીમ આપવામાં આવે છે, જે દેશભરમાં એલ એન્ડ ટી દ્વારા સંચાલિત તમામ સ્કિલ ટ્રેઇનિંગ સેન્ટરો કરતા સૌથી વધુ છે.
એલ એન્ડ ટીનું સ્કિલ ટ્રેનિંગ ફ્રેમવર્ક યુ.કે(UK)ના કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રી ટ્રેનિંગ બોર્ડ (CITB) ના ધારાધોરણો પર આધારિત છે. કન્સ્ટ્રક્શન સ્કિલ્સ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટે (CSTI) CITB ના માર્ગદર્શન હેઠળ અભ્યાસક્રમ તૈયાર કર્યો છે, જેથી વૈશ્વિક માપદંડ પ્રમાણે તાલીમનાં ધોરણો અહીં ગોઠવેલા છે.
ICSTI દ્વારા તાલીમ મેળવનાર યુવાનોને તેમની વિવિધ ટ્રેડમાં કુશળતાનાં આધારે લેવલ-2, લેવલ-3 અથવા લેવલ-4માં વર્ગીકૃત કરવામાં આવે છે. તાલીમ પૂર્ણ થયા બાદ ઉમેદવારોને L&Tના મોટા કન્સ્ટ્રક્શન અને હાઇડ્રોકાર્બન પ્રોજેક્ટોમાં નેશનલ એપ્રેન્ટિસશિપ પ્રમોશન સ્કીમ (NAPS) હેઠળ 24 મહિના અને પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ સ્કીમ (PMIS) હેઠળ 9 મહિના માટે જોડવામાં આવે છે, એટલે કે, કુલ 33 મહિના માટે તેમને સ્ટાઇપેન્ડ સાથે કામ કરવાની તક મળે છે.
વડનગર ICSTIમાં આટલા વ્યવસાયોમાં તાલીમ આપવામાં આવે છે
વડનગર સ્થિત ICSTIમાં કુલ 20થી વધુ ટ્રેડોમાં તાલીમ આપવામાં આવે છે, જેમાં ફોર્મવર્ક-કાર્પેન્ટ્રી, બાર બેન્ડિંગ અને સ્ટીલ ફિક્સિંગ, સ્કેફોલ્ડિંગ, પ્રી-સ્ટ્રેસિંગ, મેસનરી, પ્લાસ્ટરિંગ, ટાઇલિંગ, વેટ પાર્ટિશન, પ્લમ્બિંગ અને સેનિટરી, ઇલેક્ટ્રિશિયન, કૉન્ક્રિટ લેબોરેટરી અને ફિલ્ડ ટેસ્ટિંગ, સર્વેઇંગ, વેલ્ડિંગ, પાઇપ ફિટિંગ, HVAC, ફાયર ફાઇટિંગ, પ્લાન્ટ એન્ડ મશીનરી (P&M), ઓપરેશન્સ એન્ડ મેન્ટેનન્સ (WET), સોલાર ટ્રાન્સમિશન ટાવર ઇરેકશન, ELV ટેલિકોમ્યુનિકેશન, સોલાર PV ટેક્નિશિયન, CCTV, FLS, EHS, IOT અને TOT સહિતના કોર્સનો સમાવેશ થાય છે.
તાલીમ સહિત રહેવા -જમવાની તમામ સુવિધા મફત
તાલીમાર્થીઓને (ભાઇઓ અને બહેનો બંને) કોઈ પણ પ્રકારની ફી ચૂકવવાની જરૂર નથી અને રહેવા-જમવાની સુવિધા પણ L&T કંપની દ્વારા સંપૂર્ણ મફતમાં આપવામાં આવે છે. પુરુષો અને મહિલાઓ માટે રહેવા માટે અલગ હોસ્ટેલની વ્યવસ્થા, સ્ટાફ માટે રહેવાની વ્યવસ્થા, ડાઇનિંગ અને કિચન સુવિધા, રમત-ગમતનું મેદાન, ધ્યાન અને યોગ હોલ, જિમ, હેલ્થકેર, ટીવી રૂમ અને ઇન્ડોર ગેમ્સ જેવી મનોરંજનની સુવિધાઓ પણ સંકુલમાં ઉપલબ્ધ છે.
અહીં તાલીમાર્થીઓને ઓપન યાર્ડ, વર્કશોપમાં વિશ્વસ્તરીય સ્કિલ ડિઝાઇન તથા સ્પેશિફિકેશન સાથે આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે ટ્રેનિંગ આપવામાં આવે છે. ઉપરાંત, કૉન્ક્રિટ અને સ્ટીલ એલિમેન્ટ્સના ‘રેડી ટુ બિલ્ડ’ ફેક્ટરીમાં પ્રેક્ટિકલ અનુભવ પણ આપવામાં આવે છે.
માત્ર આઠ મહિનામાં સંસ્થા ઉભી કરવામાં આવી
રાજ્ય સરકારે યુવાનોની કુશળતા વધે તે માટે L&T કંપનીને માત્ર થોડાક દિવસોમાં જમીન ફાળવી હતી. જમીન મળ્યા પછીનાં માત્ર આઠ જ મહિનામાં કંપનીએ રાજ્ય સરકારનાં સહયોગથી આ સંકુલમાં તમામ વ્યવસ્થા ઉભી કરી કાર્યરત કરી હતી.
કોને પ્રવેશ મળી શકે ?
18 થી 35 વર્ષની વયનાં કોઈ પણ ઉમેદવાર અહીં ચાલતા કોર્ષોમાં પ્રવેશ લઈ શકે છે. શૈક્ષણિક લાયકાત ટ્રેડ પ્રમાણે નક્કી થાય છે. સિવિલ ટ્રેડનાં કોર્ષ માટે ધોરણ 5 પાસ ઉમેદવારો પણ પ્રવેશ લઈ શકે છે, જ્યારે અન્ય કોર્ષો માટે ITI પાસ હોવું જરૂરી છે.