Thu Oct 01 2026

Logo

ભારતને 39માંથી 10 મેડલ મુક્કાબાજોએ અપાવ્યા

Glasgow   2026-08-02 19:43:00
Author: Ajay Motiwala
ભારતને 39માંથી 10 મેડલ મુક્કાબાજોએ અપાવ્યા

(@WeAreTeamIndia Twitter)


ગ્લાસગોઃ સ્કૉટલૅન્ડમાં રવિવારે 23મી કૉમનવેલ્થ ગેમ્સ (CWG)નો 11મો અને અંતિમ દિવસ હતો અને ભારતીય સ્પર્ધકોએ છેલ્લા તબક્કામાં મોટી સંખ્યામાં જે ચંદ્રકો મળ્યા એના અનેરા આનંદ સાથે પોતાના અભિયાન પર પડદો પાડ્યો હતો. રવિવાર સાંજ સુધીમાં ભારતને કુલ 39 મેડલ મળ્યા હતા જેમાંથી 10 ચંદ્રક મુક્કાબાજો (BOXERS)એ અપાવ્યા હતા. એમાં સાત ગોલ્ડ અને ત્રણ સિલ્વર મેડલ હતા. શનિવારના દસમા દિવસે ભારતીયો કુલ 16 ચંદ્રક જીતીને સમગ્ર રમતોત્સવમાં છવાઈ ગયા હતા. એને કારણે જ ભારત નીચલા ક્રમેથી પ્રગતિ કરીને ચોથા નંબર પર આવી ગયું હતું.

2022ની પાછલી કૉમનવેલ્થ ગેમ્સની તુલનામાં ભારતને વધુ ચંદ્રકો અપાવતી પાંચ રમતની ગેરહાજરી હોવાથી આ વખતે ઓછા ચંદ્રકો મળ્યા હતા, પરંતુ ખાસ કરીને બૉક્સિંગ, ઍથ્લેટિક્સ, જૂડો, (દિવ્યાંગો માટેની) પૅરા ઍથ્લેટિક્સ અને વેઇટલિફ્ટિંગની રમતના સ્પર્ધકોની સફળતાઓને લીધે ભારત ગયા વખતની જેમ આ વખતે પણ રવિવાર સાંજ સુધીમાં ચોથા નંબર પર રહ્યું.

ભારતના 39માંથી 13 ગોલ્ડ, 17 સિલ્વર અને નવ બ્રૉન્ઝ હતા. ઑસ્ટ્રેલિયા 65 ગોલ્ડ સહિત કુલ 158 ચંદ્રક સાથે પ્રથમ સ્થાને, ઇંગ્લૅન્ડ 26 ગોલ્ડ સહિત કુલ 102 ચંદ્રક સાથે બીજા નંબરે અને કૅનેડા 18 ગોલ્ડ સહિત કુલ 59 ચંદ્રક સાથે ત્રીજા ક્રમે હતું.

ભારતે બૉક્સિંગમાં પ્રભુત્વ જમાવ્યું હતું. ખાસ કરીને શનિવારે મહિલા મુક્કાબાજોએ કમાલ કરી નાખી હતી. પાંચ મહિલા મુક્કાબાજ ઉપરાંત બે પુરુષ મુક્કાબાજોએ ભારતને કુલ મળીને સાત ગોલ્ડ મેડલ અપાવ્યા હતા. કૉમનવેલ્થ ગેમ્સના ઇતિહાસમાં ભારતીય બૉક્સર્સનો આ વખતનો પર્ફોર્મન્સ સર્વશ્રેષ્ઠ છે.