Sat Aug 08 2026

Logo

કેન્દ્ર સરકારે ઇંધણ સંકટ વચ્ચે કેરોસીનના જથ્થા માટે નિયમો હળવા કર્યા, અનેક લોકોને ફાયદો થશે

2026-03-29 22:31:50
Author: Chandrakant Kanoja
Article Image

નવી દિલ્હી : મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ અને ઈરાન દ્વારા હોર્મુઝ સ્ટ્રેટ પર નાકાબંધી બાદ ભારતમાં ઈંધણ પૂરવઠો ઘટી રહ્યો છે. જેના પગલે ભારત સરકારે કેરોસીનના જથ્થા અંગે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે કેરોસીનના પૂરવઠાના નિયમોને હળવા કર્યા છે. જેના લીધે રાંધણ ગેસ અને વીજળીની અછતનો સામનો કરી રહેલા લોકોને તાત્કાલિક કેરોસીન ઉપલબ્ધ કરાવવાનો છે.  કેન્દ્ર સરકારે નિયમિત ફાળવણી ઉપરાંત સરકારે વધારાનું 48,000 કિલોલિટર કેરોસીન પૂરું પાડવાનો નિર્ણય લીધો છે. આનાથી રાજ્યો તેમની જરૂરિયાતો અનુસાર તાત્કાલિક પુરવઠો વધારી શકશે. 

જરૂરિયાતોના આધારે કેરોસીન પૂરું પાડવામાં આવશે.  

કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે પેટ્રોલિયમ સલામતી અને લાઇસન્સિંગ સંબંધિત નિયમો અસ્થાયી રૂપે હળવા કરવામાં આવ્યા છે. જેમાં  21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને તેમની ચોક્કસ જરૂરિયાતોના આધારે કેરોસીન પૂરું પાડવામાં આવશે.  

ચોક્કસ સ્થળો ઓળખવાનો નિર્દેશ આપ્યો

આ ઉપરાંત કેન્દ્ર સરકારે બધા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને તેમના જિલ્લાઓમાં એવા ચોક્કસ સ્થળો ઓળખવાનો નિર્દેશ આપ્યો છે જ્યાં કેરોસીનની માંગ  વધુ હોય. આ મૂલ્યાંકનના આધારે વિતરણ કરવામાં આવશે જેથી ખાતરી કરી શકાય કે પુરવઠો ઇચ્છિત સ્થળોએ અસરકારક રીતે પહોંચે અને કોઈ પણ નાગરિકને અનુચિત મુશ્કેલીનો સામનો ન કરવો પડે.

17 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ કેરોસીનની ફાળવણી અંગે આદેશો જાહેર

કેન્દ્ર સરકારે અત્યાર સુધી 17 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ કેરોસીનની ફાળવણી અંગે આદેશો જાહેર કર્યા છે. તેનાથી વિપરીત  હિમાચલ પ્રદેશ અને લદ્દાખે જણાવ્યું છે  કે તેમને હાલમાં વધારાના કેરોસીન પુરવઠાની જરૂર નથી. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે સરકાર રાજ્યોને તેમની ચોક્કસ જરૂરિયાતો અનુસાર ચોક્કસ રાહત આપી રહી છે.

આ નિર્ણયથી સામાન્ય જનતાને સીધો ફાયદો થશે

આ અંગે કેન્દ્ર સરકારનો દાવો છે કે આ નિર્ણયથી સામાન્ય જનતાને સીધો ફાયદો થશે. જેમાં  ખાસ કરીને ગ્રામીણ અને દૂરના વિસ્તારોમાં જ્યાં લોકો હજુ પણ કેરોસીન પર આધાર રાખે છે. આ પગલાથી રસોઈ અને વીજળી  સંબંધિત સમસ્યાઓ દૂર કરવામાં મદદ મળશે, જેનાથી ચાલુ ઉર્જા સંકટની પ્રતિકૂળ અસરો ઓછી થશે. સરકારે સ્પષ્ટતા કરી છે કે આ પગલું હાલના સંજોગોને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યું છે. એકવાર પરિસ્થિતિ સામાન્ય થઈ જાય, પછી નિયમોને તેમની મૂળ સ્થિતિમાં પાછા લાવવામાં આવી શકે છે. હાલમાં, સરકારનું ધ્યાન દેશમાં ક્યાંય પણ ઇંધણની અછત ન રહે તેની પર છે.