કૈરોઃ હોર્મુઝ સ્ટ્રેટમાં ઓમાનના દરિયાકાંઠે રાત્રે એક કાર્ગો જહાજ પર કોઈ એક ચીજથી (પ્રોજેક્ટાઈલ)થી હુમલો કરવામાં આવ્યો હતો. બીજી તરફ બંન્ને દેશો વચ્ચે કોઈ વાતચીત થઈ રહી છે કે નહીં તેને લઈને ઈરાન અને અમેરિકા અલગ અલગ દાવાઓ કરી રહ્યા છે, એમ બ્રિટિશ મેરીટાઇમ મોનિટરિંગ એજન્સીએ જણાવ્યું હતું.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે બંને પક્ષ યુદ્ધને સમાપ્ત કરવા માટે વાતચીત ફરીથી શરૂ કરી રહ્યા છે. પરંતુ ઇરાને ભારપૂર્વક જણાવ્યું હતું કે તે ફક્ત ઓમાન સાથે વાત કરી રહ્યું છે અને ચર્ચા હોર્મુઝ સ્ટ્રેટ પર કેન્દ્રિત છે.
યુનાઇટેડ કિંગડમ મેરીટાઇમ ટ્રેડ ઓપરેશન્સ સેન્ટરે જણાવ્યું હતું કે સ્થાનિક સમય અનુસાર રાત્રે બે વાગ્યે જ્યારે કાર્ગો જહાજ ઓમાનમાં અલ ખાસાબથી 37 કિલોમીટર ઉત્તરપૂર્વમાં હતું ત્યારે કોઈ અજાણી વસ્તુ ટકરાઈ હોવાની જાણ કરવામાં આવી હતી.
જોકે જહાજ વિશે વધુ જાણકારી અપાઈ નથી. બ્રિટિશ મેરીટાઇમ સિક્યુરિટી ફર્મ એમ્બ્રેના જણાવ્યા અનુસાર, જહાજને નુકસાન થયું છે, પરંતુ તેણે વધુ માહિતી આપી નથી.
અલ ખાસાબ શહેર અરબી દ્વીપકલ્પના છેડે આવેલું છે જે હોર્મુઝ સ્ટ્રેટ તરફ જાય છે. હોર્મુંઝ સ્ટ્રેટ એક મહત્વપૂર્ણ જળમાર્ગ છે. જેમાંથી યુદ્ધ પહેલા વિશ્વના પાંચમા હિસ્સાનું ઓઈલ અને ગેસની સપ્લાય કરવામાં આવતી હતી. ફેબ્રુઆરીમાં યુદ્ધ શરૂ થયા પછી હોર્મુંઝ સ્ટ્રેટ બંધ થઈ ગયું છે, જ્યારે અમેરિકાએ પણ જળમાર્ગમાં ઈરાની બંદરો પર નાકાબંધી લાદી છે.
ઈરાની સમર્થિત બળવાખોરો હુથીઓના લશ્કરી પ્રવક્તા બ્રિગેડિયર જનરલ યાહ્યા સરીએ દાવો કર્યો હતો કે ડ્રોને દક્ષિણપશ્ચિમ શહેર નજાનના એરપોર્ટ પર "સંવેદનશીલ લક્ષ્ય" પર હુમલો કર્યો હતો. તેમણે આ અંગેના કોઈ પુરાવા આપ્યા નહોતા.
તેમણે કહ્યું કે ડ્રોન હુમલો સાઉદી દ્વારા સાદા અને હજ્જા પ્રાંતો પર યમનના હવાઈ ક્ષેત્રમાં ભંગ કરવાના જવાબમાં હતો. સાઉદી અરેબિયા તરફથી તાત્કાલિક કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી.હુથીઓએ તાજેતરમાં જાહેરાત કરી હતી કે તેઓ લાલ સમુદ્ર તરફ જતા બાબ અલ-મંડેબ સ્ટ્રેટમાંથી પસાર થતા સાઉદી સાથે જોડાયેલા શિપિંગ જહાજોની નાકાબંધી કરી રહ્યા છે.
ટ્રમ્પે સોમવારે કહ્યું હતું કે ઈરાન સાથે વાટાઘાટો ફરી શરૂ થઈ છે. ટ્રમ્પે કહ્યું કે તેમણે ગલ્ફ સાથી કતાર, સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાતના વિંનંતી પર ઈરાન પર હુમલો ટાળી દીધો છે. ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઈસ્માઈલ બઘાઈએ સોમવારે જણાવ્યું હતું કે અમેરિકા સાથે કોઈ વાટાઘાટો થઈ રહી નથી, તેમણે ઉમેર્યું હતું કે તેહરાનની વાટાઘાટો ફક્ત ઓમાન સાથે હતી અને હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા સુરક્ષિત નેવિગેશન માટે માર્ગ સ્થાપિત કરવા પર કેન્દ્રિત હતી.