Wed Jul 29 2026

Logo

તમે જીવનમાં શું બનવા માગો છો.....

2026-02-19 08:39:00
Author: Mumbai Samachar Team
Article Image

ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધીઃ

શ્વેતા જોષી-અંતાણી 

હજુ ક્લાસ પૂરો થયો ના થયો ત્યાં લગભગ બધાંજ સ્ટુડન્ટ્સ હુડુડુ કરતાં બહાર ભાગ્યાં, સિવાય ધ્યાની. એ જ્યાં હતી ત્યાં જડવત્ બેસી રહી. એની નજર સામેના બોર્ડ પર લખાયેલા વાક્ય પર ચોંટી ગયેલી. ‘હું શું બનવા માગું છું’. 

દરેકે આ વાક્યનો જવાબ પોતાની કોપીમાં લખવાનો હતો. આજથી લઈને આવનારા પાંચ વર્ષ બાદ તમે તમારી જાતને ક્યાં ઊભેલી જુઓ છો? આવું પૂછવા પાછળ ટીચરનું મોટીવ માત્ર એટલું જ હતું કે, સ્કૂલનાં વર્ષો પૂરા થાય ત્યાં સુધીમાં કારકિર્દીની પસંદગી બાબતે થોડી ક્લેરિટી એટલેકે સ્પષ્ટતા લાવી શકાય. કલાસના બીજા સ્ટુડન્ટ્સ શું લખી ગયાં એનો તો ખ્યાલ નહોતો, પણ ધ્યાનીને કંઈ ઉકલતું નહોતું. એ ક્યારની ઘડીક પોતાના કોરાંકટ નોટબુકના પાનાને તો ઘડીક બોર્ડ પરના એ વાક્યને તાકી રહેલી.

ધ્યાની આમ ખરેખર હોશિયાર છોકરી હતી. એની સામે ઘણાં કેરિયર ઓપ્શન ખુલ્લાં હતાં, અને એજ સૌથી મોટી વિંટબણા હતી. ક્યારેક વધુ પડતાં રસ્તાઓ આપણને ગૂંચવી મારે એવું જ કંઈક. એની મમ્મીએ નાનપણથી જાતભાતની પ્રવૃતિમાં ધ્યાનીને વ્યસ્ત રાખી, અને ધ્યાની અનેક ક્ષેત્રોમાં મસ્ત થતી ચાલી. અંતે આજે એ દિવસ આવીને ઊભો રહ્યો જ્યારે એના માટે સમસ્યા એ નહોતી કે પોતે કોઈ વસ્તુમાં નબળી હતી. ખરી સમસ્યા એ હતી કે ધ્યાની ઘણા બધાં ક્ષેત્રોમાં સારી હતી. અને એજ કારણ હતું કે, પોતે નક્કી નહોતી કરી શકતી કે ક્યા રસ્તે આગળ ધપવું... 

ઘરમાં દરેક વ્યક્તિનો અભિપ્રાય અલગ હતો. મા ઇચ્છતી હતી કે એ ડોક્ટર બને , કારણકે ડોક્ટર બનવું એ સમાજમાં આજે પણ સન્માનજનક વાત ગણાય છે. પપ્પા કહેતા હતા કે એન્જિનિયર બનવામાં વધારે સ્કોપ છે. દાદીની સોય સરકારી નોકરીમાં ચોંટી ગયેલી. સોશ્યિલ મીડિયા પર મિત્રોની ચમકતી સફળતાઓ જોઈ મોટી બહેન એને ફેશન ડિઝાઈનર બનવાની સલાહ આપતી. એના મિત્રોમાંથી કોઈને યુટ્યુબર બનવું હતું તો કોઈ વિદેશ જવાની તૈયારી કરી રહેલું.

આ બધી હડબડી વચ્ચે ધ્યાની બેધ્યાન થતી ચાલી. એનો ખુદનો અવાજ ધીરે-ધીરે જાણે બેસી ગયો હોય એવું થઈ ગયું. ક્યારેક એ વિચારતી, જો હું કોઈ ખોટી કેરિયર પસંદ કરી લઈશ તો? મને પાછળથી પસ્તાવો થશે તો? હું બીજા લોકોની જેમ સફળ ના થઈ તો? બસ , આ કાલ્પનિક ડર એને કોઈ નિર્ણય લેતા રોકી દેતાં. એ દિવસભર વિચારતી રહેતી કે પોતાના શું બનવું છે, પણ કોઈ ઠોસ પગલું ઉઠાવી શકતી નહીં. આ અનિર્ણિત રહેવાની આદત એના માટે સૌથી મોટો માથાનો દુ:ખાવો બની બેસી.

છાશવારે લોકો એને પૂછતાં, ‘બેટા, હમણાં સ્કૂલ પતી જશે. હવે આગળ તું શું કરીશ’. અને ધ્યાની પાસે એનો જવાબ હોતો નહીં. એક દિવસ સ્કૂલમાં કેરિયર કાઉન્સેલિંગનું સત્ર રાખવામાં આવ્યું. ખાસ, બારમા ધોરણના વિદ્યાર્થીઓ માટે. કાઉન્સેલર મેડમે બધાને એક સરળ સવાલ પૂછ્યો, ‘ એવું કયું કામ છે કે જે તમે કોઈ જ દબાણ વગર માત્ર તમારી ખુશી માટે કરવા માગો છો.’ બધાં તુરંત જે મનમાં આવે એવો જવાબ આપવા લાગ્યાં, પણ ધ્યાની ચૂપ રહી.

ટીચરે વાત સંભાળી લેતા કહ્યું, ‘ કંઈ વાંધો નહીં, તરત જવાબ મળે એ જરૂરી નથી. જાતને જાણવામાં કદાચ ક્યારેક થોડો સમય પણ લાગે.’    
ક્લાસ પૂરો થયા પછી ધ્યાનીને એમ જ બેસેલી જોઈને મેડમે એને એકલી બોલાવી. ‘હું શું બનીશ એ મારાથી નક્કી નથી થતું’. ધ્યાની સપાટ સ્વરે બોલી ગઈ. મેમ આછું હસ્યાં : 

‘જો બેટા સમસ્યા એ નથી કે તારી પાસે ઓછા વિકલ્પો છે. ખરી વાત તો એ છે કે તું પસંદગી નથી કરી શકતી. પરંતુ યાદ રાખજે, એક ખોટાં નિર્ણયથી વધારે ખતરનાક છે કોઈ નિર્ણય જ ના લેવો..’. આ વાત ધ્યાનીના મનમાં બરાબર ઠસી ગઈ.

કાઉન્સેલર મેમ ધ્યાનીને બે સ્ટેપ્સ સમજાવ્યાં. પહેલું: જાતને સમજ. એક અઠવાડિયા સુધી નોંધ કર કે કયું કામ, કયો વિષય જ્યારે તું હાથમાં ઉપાડે છે ત્યારે તને સમયનું ભાન નથી રહેતું. બીજું: જાણકારી મેળવ. ક્યા ક્ષેત્રમાં તને રુચિ છે. એના વિશે માહિતી મેળવ. તારા સિનિયરને પૂછ કે એમનો અનુભવ કેવો રહ્યો. એ ક્ષેત્રમાં આગળ જતાં કમાણીના સ્રોત કેવા છે. આખું જીવન એક જ દિવસમાં તમે નક્કી ના કરી શકો, પહેલા નાના નાના કદમ ઉઠાવવાની હિંમત કરો. સામે રસ્તો તમને આપોઆપ ખુલ્લો જડશે. જે તમને તમારી મંઝિલ સુધી ચોક્કસ પહોંચાડશે. 

ધ્યાની આમ સ્માર્ટ હતી. કોઈ સાચી સલાહ આપે તો અનુસરવાની ક્ષમતા પણ ખરી. એ દિવસે ધ્યાનીએ શાંતિથી વિચાર્યું. એને વાર્તાઓ લખવી ગમતી. પોસ્ટર્સ બનાવવા, લોકોની સામે બોલવું, કોઈ પણ રચનાત્મક કાર્ય કરવામાં એ થાકતી નહીં. ધીમે-ધીમે એને મીડિયા અને કોમ્યુનિકેશન વિશે વાંચવાનું શરૂ કર્યું. 

સ્કૂલ મેગેઝિન માટે લખવાની તેમજ તેના એડિટિંગની જવાબદારી ઉપાડી. આ નાના નાના ડગલાંઓ મંડાયા અને સામે દેખાતા ધૂંધળા રસ્તા ચોખ્ખાં થતાં ગયાં. એક સમય આવ્યો જ્યારે એને અહેસાસ થયો કે જીવનમાં કોઈ પણ નિર્ણય આપણે અચાનક નથી લઈ શકતાં. એના માટે ધીરે-ધીરે જાતને તેમજ પરિવારને તૈયાર કરવો પડે છે. પેરેન્ટ્સની ઉમ્મીદોને તોડ્યાં વગર તમારી આશાઓની ઈમારત ચણવી પડે છે.

થોડાં મહિનાઓ પછી ફરીથી એ જ સવાલ ધ્યાનીની સામે આવ્યો કે તું આગળ શું બનવા માગે છે. આ વખતે એનું મન શૂન્યવકાશમાં નહોતું. એણે આત્મવિશ્વાસથી નોટબુક ખોલીને લખ્યું, ‘હું એવું કંઈક કરવા માગું છું કે જેમાં મારી સર્જનાત્મકતા, મારો અવાજ અને મારા વિચારો લોકો સુધી પહોંચે... ’ 

આ વખતે ક્લાસમાં સૌથી પહેલાં ગર્વભેર પોતાના વિચારોને વાચા આપનારી ધ્યાની હતી, એ જોઈ કાઉન્સેલર મેમ મલક્યાં : એક ગૂંચવાયેલા ટીનએજરને રસ્તે ચડાવ્યાનો એનો આનંદમિશ્રિત હાશકારો એમને  થયો.